મહારાષ્ટ્ર પર ૪.૭ લાખ કરોડનુ દેવુ
રહેલુ છે
મહારાષ્ટ્રમાં લાંબી ખેંચતાણના અંતે
હવે શિવ સેનાના નેતા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ગઠબંધન સરકાર સત્તારૂઢ થઇ ગઇ છે.
ઉદ્ધવ ઠાકરેએ દેશના સૌથી અમીર રાજ્ય મહારાષ્ટ્રની સત્તા સંભાળી લીધી છે. રાજ્યમાં
સરકાર ચલાવવા માટે શિવ સેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા એક કોમન
મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ સીએમપીમાં મહાવિકાસ અઘાડીએ ખેડુતોથી લઇને
સામાન્ય લોકો સુધી અનેક વચનો આપ્યા છે.
હવે આ વચનોને પૂર્ણ કરવા માટે
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સામે કેટલાક પડકારો રહેલા છે. કારણ કે મહારાષ્ટ્ર પર
જંગી દેવુ રહેલુ છે. દેવા હેઠળ રહેલા મહારાષ્ટ્રમાં હવે સરકારના વચનોની નોકા કઇ
રીતે આગળ વધશે તે એક પડકાર છે. નિષ્ણાંતોના કહેવા મુજબ ૪.૭ લાખ કરોડ રૂપિયાના
દેવાના બોજ હેઠળ મહારાષ્ટ્ર સરકાર આવેલી છે. સરકાર માટે સીએમપીને પૂર્ણ કરવાની બાબત
પડકારરૂપ રહેલી છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં આજે દેવાના સંકટ માટે દેવેન્દ્ર ફડનવીસ પર પ્રહારો કરવામાં આવ્યા છે. સાથે સાથે વડાપ્રધાનને મોટા ભાગ તરીકે ગણાવીને તેમની મદદ લેવાની પણ વાત કરવામાં આવી છે.ગઇકાલે ગુરૂવારના દિવસે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સત્તાવારરીતે પોતાના ગઠબંધનના નામની જાહેરાત કરી હતી અને કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમસી)ની જાહેરાત કરવામાં આવી હતી. કોમન મિનિમમ પ્રોગ્રામમાં બેરોજગારી, ખેડૂતો, મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. કોમન મિનિમમ પ્રોગ્રામમાં મહા વિકાસ અઘાડી દ્વારા અનેક મુદ્દાઓને રજૂ કરવામાં આવ્યા છે.
ખેડૂતો માટે વિવિધ ખાતરીઓ આપવામાં આવી છે જેમાં ખેડૂતોના દેવાને માફ કરવાની વાત કરવામાં આવી છે જ્યારે પુર અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલી તકલીફોને તરત દૂર કરવામાં આવશે. પાક વિમા યોજનામાં ફેરફાર કરીને મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડુતોને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળે તે માટે તરત પગલા લેવામાં આવશે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના પુરવઠાને યોગ્યરીતે ચલાવવા માટે વોટર સપ્લાય સિસ્ટમને મજબૂત કરવામાં આવશે.
બેરોજગારીને લઇને આમા કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારમાં ખાલી પડેલી જગ્યાઓને તરત ભરવામાં આવશે. ભણેલા બેરોજગાર યુવાનો માટે ફેલોશીપની જાહેરાત કરવામાં આવી છે. નોકરીમાં સ્થાનિક યુવકો માટે ૮૦ ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વચનોને પૂર્ણ કરવા માટે ઉદ્ધવ ઠાકરે માટે આગામી દિવસો પડકારભરેલા રહેનાર છે. મહારાષ્ટ્રમાં સામાન્ય લોકોની તકલીફને દુર કરવા માટે ઉદ્ધવ હવે ક્યાં પગલા લે છે તે બાબત પર તમામની નજર રહેશે.