રાજ્યમાં નશીલા પદાર્થનો કાળો કારોબાર,45 લાખના ગાંજા સાથે બે પકડાયા

અમદાવાદમાં 150 કિલો ગાંજા સાથે બે પકડાયા
By: Monika Vyas   PUBLISHED: Sat, 01 Jun 2019 18:59:44 +0530 | UPDATED: Sat, 01 Jun 2019 18:59:44 +0530

 

અમદાવાદ

ગુજરાતમાં દારૂનું વેચાણ તો ધમધમતું રહ્યું છે અને હવે નશીલા ડ્રગ્સનો કારોબાર પણ બરાબર ખીલ્યો છે.રાજ્યના દરિયા કિનારેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા બાદ હવે અમદાવાદમાંથી પણ લાખો રૂપિયાનો ગાંજો પકડાયો છે.આ ગાંજાનો ઉપયોગ દેશના શહેરોમાં થવાનો હોવાથી પોલિસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.

 

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 45 લાખ રૂપિયાની કિંમતનો 150 કિલો ગાંજો પકડી પાડ્યો છે.ગાંજાના આટલા મોટા જથ્થા સાથે પોલિસે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.

 

પોલિસે અમદાવાદમાં વાસણા વિસ્તારના ગણેશ નગરમાં રહેતા ડાહ્યાભાઇ કરસનભાઇ ભાટી અને તેના સાગરિતની 150 કિલો ગાંજા સાથે ધરપકડ કરી હતી.પોલિસને બાતમી મળી હતી કે આ બંને આરોપીઓ છોટા હાથી વાહનમાં ગાંજાના પેકેટો સાથે વડોદરા અને નડિયાદ થઇ અમદાવાદ આવી રહ્યાં છે.આરોપીઓએ સુરતથી ગાંજો લીધો હતો.આ બાતમીના આધારે પોલિસે અમદાવાદ નજીક જેતપુર પાસેના ઓવરબ્રીજ પાસે બંને આરોપીઓને ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા હતા.

 

પોલિસ તપાસમાં એવું સામે આવ્યું છે કે ડાહ્યો ભાટી અને તેનો સાગરિત અમદાવાદથી લઇને ઓરિસ્સા સુધી ગાંજાનો વેપાર કરતા હતા.અમદાવાદમાં રામદેવ નગરના ટેકરા,જુહાપુરા,ગુલબાઇ ટેકરા અને ગણેશ નગર જેવા સ્લમ વિસ્તારોમાં પણ આ બંને આરોપીઓ મોટા પાયે ગાંજો વેચતા હતા.

પોલિસે બંનેની પુછપરછ કરીને દેશના બીજા કયા રાજ્યોમાં ગાંજો વેચવાનું નેટવર્ક હતું તેની તપાસ શરૂ કરી છે.

 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અમદાવાદના રામદેવનગર ટેકરા વિસ્તારમાં રહેતી મહિલાઓએ રેલી કાઢીને દારૂ અને ગાંજો વેચાતો હોવાની રજૂઆત સરકારને કરી હતી. જેની રાજ્ય સરકાર ગંભીરતા નોંધ લઈ પ્રદીપસિંહ જાડેજા રામદેવનગર ટેકરા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓએ પ્રદીપસિંહને રજૂઆત કરી હતી કે, ખુલ્લેઆમ દારૂ-ગાંજો વેચાય છે અને સ્કૂલ-કોલેજના સ્ટુ઼ડન્ટ ગાંજો લેવા માટે આવે છે. જેથી ગૃહમંત્રીએ દારૂ-ગાંજો બંધ કરાવવા અંગેની ખાતરી આપી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.