ધોનીના વિકેટકીપિંગ ગ્લવ્સ પર જોવા મળ્યો પેરા મિલીટ્રીનો સિમ્બોલ,ICCએ BCCI ને ચિહ્ન હટાવવા જણાવ્યું

ધોનીના ગ્લવ્સ પર ત્રિશુળ આકારનો સિમ્બોલ જોવા મળતો હતો.
By: Monika Vyas   PUBLISHED: Fri, 07 Jun 2019 14:48:49 +0530 | UPDATED: Fri, 07 Jun 2019 14:48:49 +0530

મુંબઇ 

ભારતની ટીમના સ્ટાર ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ તેમના વિકેટ કીપીંગ ગ્લવ્સ પર પેરા મિલિટ્રીનો સિમ્બોલ જોવા મળ્યા પછી આ મામલે વિવાદ થયો છે. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની સાઉથ આફ્રીકા સામેની મેચમાં ધોનીએ જે ગ્લવ્સ પહેર્યા હતા, તેના પર ત્રિશુળ આકારનું એક નિશાન જોવા મળતું હતું જેના પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે(ICC)એ ભારતના ક્રિકેટ બોર્ડ BCCIને ગ્લવ્સ પરથી તે નિશાન હટાવવા માટે કહ્યું છે.

 ICCના નિયમ પ્રમાણે અન્ય પ્રતિકવાળી વસ્તુઓ મેદાન પર ન હોવી જોઈએ. જોકે, BCCI આ મામલે ધોનીના સમર્થનમાં દેખાઈ રહ્યું છે.

BCCIની વહીવટી કમિટીના વડા વિનોદ રાયે કહ્યું છે કે અમે અમારા ખેલાડીઓની સાથે ઉભા છીએ. ધોનીના ગ્લવ્સ પર જે ચિહ્ન છે, તે કોઈ ધર્મનું પ્રતિક નથી અને કોઈ રીતે કમર્શિયલ પણ નથી. જ્યાં સુધી મંજૂરીની વાત છે તો અમે ICC પાસે ધોનીના ગ્લવ્સના ઉપયોગને લઈને અપીલ કરીશું.

દક્ષિણ આફ્રીકા સામેની મેચમાં ધોનીએ જે ગ્લોવ્ઝ પહેર્યા હતા તેના પર ભારતીય સેનાની પેરા સ્પેશિયલ ફોર્સનું ચિન્હ 'બલિદાન' જોવા મળ્યું હતું. ધોનીના ફોનના કવર પર પણ આ ચિન્હ છે. ઉલ્લેખનીય છે કે ધોની ટેરિટોરિયલ આર્મીમાં છે અને તેઓ સેનાની પેરા સ્પેશિયલ ફોર્સમાં લેફ્ટિનન્ટ કર્નલ છે. ધોનીની કિટ બેગનો રંગ પણ સેનાની જર્સીના કલરનો જ છે.

ધોનીના ગ્લોવ્ઝ પર જે ચિન્હ છે તે પેરામિલિટ્રીના કમાન્ડોને રાખવાનો જ હક્ક છે. ધોનીએ વર્ષ 2011માં પેરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટિનન્ટની ઉપાધિ મેળવી હતી. વર્ષ 2015માં એમ.એસ. ધોનીએ પેરા બ્રિગેડની ટ્રેનિંગ પણ લીધી હતી. ધોનીએ તાલિમ દરમિયાન પાંચ પેરાશૂટ જમ્પ પણ કર્યા હતા.

BCCI આ મામલે મુંબઈના હેડક્વાર્ટર પર બેઠક પણ કરશે, જેમાં આ વિષય પર મહત્વની ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં વિનોદ રાય સિવાય BCCIના સીઇઓ  રાહુલ જોહરી સહિતના મોટા અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

 

આ મામલે અન્ય રમત સાથે જોડાયેલા ખેલાડીઓ અને દિગ્ગજ હસ્તીઓ ધોનીનું સમર્થન કરી રહ્યા છે. પહેલવાન યોગેશ્વર દત્તે કહ્યું કે, અમને ધોની પર ગર્વ છે અને તેમને સેનાના બલિદાન બેજવાળા ગ્લવ્સ રહેરવાનું ચાલુ રાખવું જોઈએ.

આ સિવાય પહેલવાન સુશીલ કુમારે પણ સમર્થન જાહેર કર્યું છે. હોકીના પૂર્વ કેપ્ટન સરદાર સિંહે પણ ધોનીને સમર્થન આપ્યું છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.