બાબરી મસ્જીદ વરસી અયોધ્યા સહિત અનેક શહેરોમાં 144 લાગુ,ભારે સુરક્ષા બંદોબસ્ત

બાબરી મસ્જીદની 26મી વરસી પર ભારે સુરક્ષા બંદોબસ્ત
By: Monika Vyas   PUBLISHED: Thu, 06 Dec 2018 12:54:56 +0530 | UPDATED: Fri, 07 Dec 2018 21:38:14 +0530

અયોધ્યા

બાબરી મસ્જીદ ધ્વંસની આજે ૨૬મી વરસીના દિવસે સમગ્ર ઉત્તરપ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે.  કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે અને અનેક શહેરોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

અયોધ્યામાં રેપિડ એક્શન ફોર્સની બે કંપનીને તૈનાત કરવામાં આવી છે અને શહેરમાં કેટલાંક અસામાજીક તત્વોને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યાં છે.

બાબરી ધ્વંસ દિવસને બે અલગ ધર્મના લોકો અલગ રીતે મનાવે છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આ દિવસને શૌર્ય દિવસ- વિજય દિવસ તરીકે ઉજવે છે જયારે મુસ્લિમ સંગઠનના લોકો યૌમ-એ-ગમ એટલે કે દુઃખનો દિવસ, યૌમ-એ-શ્યાહ એટલે કે કાળો દિવસ મનાવે છે.

ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જીદ જે સ્થળ પર હતી તે અયોધ્યા શહેરમાં લગભગ 5000 મુસલમાનો રહે છે અને શહેરમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે.વિવાદાસ્પદ મસ્જીદની આસપાસ પણ સુરક્ષા વધારવામાં આવી છે.

હાલમાં રામમંદિર નિર્માણની ગતિવિધી અને રામ મંદિર નિર્માણની માંગ તીવ્ર બન્યા બાદ સમગ્ર અયોધ્યા છાવણીમાં ફેરવી દેવામાં આવતા તમામ જગ્યાએ સઘન સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. બાબરી મસ્જીદ ધ્વંસની આજે ૨૬મી વરસીના દિવસે મંદિર શહેર અયોધ્યા સહિત દેશમાં સઘન સુરક્ષા રાખવામાં આવી  છે. હાલમાં હુમલાની દહેશત વચ્ચે  તમામ જગ્યાએ સાવચેતી રાખવામાં આવી રહી છે.મંદિર શહેર અયોધ્યામાં હજારો  સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.  પ્રતિબંધાત્મક આદેશો પણ જારી  કરવામાં આવ્યા છે.  

સ્થાનિક વહીવટીતંત્ર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને ફૈઝાબાદ ખાતે ખાસ પગલા લેવામા આવ્યા છે.  બાબરી મસ્જીદ ધ્વંસની વરસી શાંતિપૂર્ણરીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલા લેવામાં આવ્યા છે. 

અયોધ્યામાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા મિટિંગ પણ ગઇકાલે જ યોજાઈ ગઈ હતી. ફૈઝાબાદ અને અયોધ્યામાં હાઈએલર્ટ પર સુરક્ષા દળોને રખાયા હતા. સરિયુ નદી ખાતે પીએસીનો કાફલો તેનાત કરવામાં આવ્યો હતો. બાબરી મસ્જીદ ધ્વંસને આજે ૨૬ વર્ષ થઈ ગયા છે પરંતુ ઘણા વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી.

 છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૧૬મી સદીની મસ્જીદને તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ મસ્જીદતોડી પાડવાના વિરોધમાં મુંબઈ અને દેશના અન્ય શહેરોમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી અને આ હિંસાનો દોર ઘણા સમય સુધી ચાલ્યો હતો. બાબરી મસ્જીદને રામ જન્મ ભૂમિ તરીકે જાણીતી જમીન પર ફરી કબજા જમાવવાના પ્રયાસરૂપે હિન્દુ કાર સેવકો દ્વારા તોડી પાડવામાં આવી હતી.ધાર્મિક કાર્યક્રમ એકાએક હિંસામાં ફેરવાઈ જતા આ મસ્જીદને આ હિંસા વેળા તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જીદ ધ્વંસના પરિણામે હિન્દુ અને મુસ્લીમ સમુદાયના વચ્ચે મહિનાઓ સુધી કોમવાદી હિંસાનો દોર ચાલ્યો હતો જેથી ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. અયોધ્યા શહેરને હિન્દુ લોકો ભગવાન રામના જન્મ સ્થળ તરીકે ગણે છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.