ચોકીદાર ચોર નિવેદન પર રાહુલની બિન શરતી માફી

અગાઉ બે વારની એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટના હવાલાથી ચોકીદાર ચોર હે નિવેદન પર રાહુલે માફી માંગી ન હતી
By: admin   PUBLISHED: Wed, 08 May 2019 16:15:43 +0530 | UPDATED: Wed, 08 May 2019 16:15:43 +0530

સુપ્રીમ કોર્ટમાં ત્રીજી એફિડેવિટ દાખલ કરી

રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટના હવાલાથી પોતાના ચોકીદાર ચોર હેના નિવેદનને લઇને દાખલ કરવામાં આવેલી તિરસ્કાર અરજીને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ભારે મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તેમના વર્તનને લઇને લાલ આંખ કર્યા બાદ હવે રાહુલ ગાંધીએ આખરે બિનશરતી માફી માંગી લીધી છે. સમગ્ર મામલામાં સુનાવણી શુક્રવારના દિવસે કરવામાં આવનાર છે.

મામલાની સુનાવણી કરવામાં આવે તે પહેલા સુપ્રીમ કોર્ટમાં ત્રણ પાનામાં નવી એફિડેવિટ દાખલ કરીને રાહુલ ગાંધીએ બિન શરતી માફી માંગી લીધી હતી. રાહુલે કહ્યુ હતુ કે તેઓએ અજાણતા કોર્ટના હવાલાથી ચોકીદાર ચોર હે નિવેદન કરી દીધુ હતુ. તેમનો ઇરાદો આ ન હતો. આ પહેલા પણ રાહુલ ગાંધીએ બે વખત સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જો કે પોતાના નિવેદનને લઇને કોઇ માફી માંગી ન હતી. માફી માંગવાના બદલે દુખ વ્યક્ત કર્યુ હતુ.

સુપ્રીમ કોર્ટ દ્વારા હવે લાલ આંખ કરીને તેમના વર્તનને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા બાદ આજે આખરે ત્રીજી એફિડેવટ દાખલ કરીને માફી માંગી લીધી હતી. બિન શરતી માગી માંગવાની રાહુલને ફરજ પડ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને વધુ એક તક તેમના પર પ્રહાર કરવાની મળી ગઇ છે. હકીકતમાં રાફેલ  ડીલમાં ભ્રષ્ટાચારને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહેલા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના હવાલાથી ચોકીદાર ચોર હે કહ્યુ હતુ.

ગાંધીના નિવેદનને સુપ્રીમ કોર્ટના તિરસ્કાર તરીકે ગણાવીને ભાજપના નેતા મિનાક્ષી લેખી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. હકીકતમાં ૧૦મી એપ્રિલના દિવસે સુપ્રીમ કોર્ટમાં સરકારના વાંધા બાદ પણ સુપ્રીમ કોર્ટે  રાફેલ મામલામાં રિવ્ય પિટિશન પર નવા દસ્તાવેજોના આધાર પર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.

ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે હવે તો સુપ્રીમ કોર્ટ પણ સ્વીકારી ચુકી છે કે ચોકીદાર ચોર છે. લેખીની તિરસ્કાર અરજી પર સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ પાસેથી સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી હતી. ત્યારરબાદ ખેદ વ્યક્ત કરીને કહેવામાં આવ્યુ હતુ કે ચૂંટણી ગરમી વચ્ચે જોશમાં તેમના દ્વારા આ નિવેદન કરવામાં આવ્યુ હતુ. રાહુલે ભવિષ્યમાં આવી કોઇ વાત ન કરવાની વાત પણ કરી હતી.

કોર્ટે નહીં કહેલી વાતને ટાંકીને કોઇ વાત ન કરવાની ખાતરી રાહુલ ગાંધીએ આપી હતી. રાહુલ ગાંધીની પ્રથમ એફિડેવિટ પર સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ દેખાઇ ન હતી. ત્યારબાદ બીજી એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. જેમાં ૨૨ પેજ હતા. જેમાં એક જગ્યાએ બ્રેકેટમાં ખેદ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કઠોર વલણ અપનાવવામાં આવ્યા બાદ રાહુલે હવે ત્રીજી એફિડેવિટ દાખલ કરીને બિન શરતી માફી માંગી લીધી છે.આની સાથે જ હાલમાં વિવાદનો અંત આવ્યો છે.  

રાફેલ પર વિવાદ શું....વિમાનોની કિંમતો મુખ્ય વિવાદ

રાફેલ ડિલ ઉપર વિવાદ શું છે તેને લઇને હંમેશા ચર્ચા રહી છે પરંતુ રાફેલ ડિલમાં વિમાનોની કિંમત ખુબ વધારે દર્શાવવામાં આવતા આનો વિવાદ થયો હતો. ખુબ વધારી દેવામાં આવેલી કિંમતો, સરકારી કંપની એચએએલને દૂર રાખવાની બાબત, અનિલ અંબાણીની કંપનીને દસો દ્વારા ઓફસેટ પાર્ટનર બનાવવા અને કથિતરીતે સુરક્ષા મામલાઓની મંત્રીમંડળની સમિતિની મંજુરી લીધા વગર વડાપ્રધાન મોદી દ્વારા સોદાબાજીના એલાનની જાહેરાતને લઇને વિવાદ થયો હતો.

રાફેલ ડિલને લઇને કોંગ્રેસે ભારે વિવાદ મચાવ્યો હતો. મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો મુક્યા હતા. કોંગ્રેસ પાર્ટી તરફથી રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ચોર જેવા શબ્દનો ઉપયોગ કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ ભારે અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અગાઉની સરકારે ૫૨૬ કરોડની કિંમત નક્કી કરી હતી જેની સામે વર્તમાન સરકાર ૧૬૭૦ કરોડ રૂપિયામાં આની ખરીદી કરી રહી છે. એચએએલને આમા કેમ સામેલ કરવામાં આવી ન હતી તે પણ મોટો પ્રશ્ન રહ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.