વૃક્ષપ્રેમી યંગસ્ટર્સ લીમડાના ઝાડને ચીપકી ગયા
ડીસા પાટણ હાઇવે પર ફોરલેન બનાવવા માટે
તંત્રની મંજૂરીથી કોન્ટ્રાક્ટર દ્વારા અઘાર નજીક શનિવારે લીમડાના વૃક્ષો કાપવાની
કામગીરી શરુ કરી ચાર વૃક્ષો કાપ્યા પછી જાણ થતાં જ સ્થાનિક પર્યાવરણ પ્રેમી અને
વૃક્ષપ્રેમીઓની ટીમે સ્થળ પર પહોંચી જઇ ચીપકો આંદોલન આદરી કરી બીજા વૃક્ષો કાપવા
દીધા નહોતા. જેમાં કાર્યકરો, કોન્ટ્રાક્ટર, સ્થાનિક લોકો તેમજ કઠિયારાઓ વચ્ચે અઢી કલાક સુધી ગરમાગરમી ચાલી હતી
પરંતુ કાર્યકરો ટસના મસ ન થતાં છેવટે માર્ગ મકાન વિભાગે પોલીસને બોલાવતાં પોલીસે
ચાર પર્યાવરણ પ્રેમીઓને પૂછરપછ માટે લઇ ગયા બાદમાં છોડી મૂક્યા હતા. જોકે, પર્યાવરણ પ્રેમીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ વૃક્ષોના જતન માટે તેમના જીવનું બલિદાન આપવા તૈયાર છે પરંતુ
વૃક્ષો કોઇ સંજાગોમાં નહી કાપવા દઇએ.
પર્યાવરણપ્રેમી યંગસ્ટર્સની આ લડત અને
આંદોલન અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા હતા. પાટણ તાલુકાના અઘાર ગામ નજીક
અંદાજે ૧૦૦ વર્ષ જૂના લીમડાના વૃક્ષો અડધા કિલોમીટર સુધી શીતળ છાયા પાથરી રહ્યા
છે. પરંતુ હાઇવે ચાર માર્ગીય બનાવવા આ ૨૭૦ વૃક્ષો કાપવા વન વિભાગ દ્વારા મંજૂરી
આપતાં પર્યાવરણ પ્રેમીઓએ તેનો વિરોધ દર્શાવી વૃક્ષો ન કાપવા અગાઉ કલેકટરને આવેદન
આપ્યું હતું. જોકે, ગઇકાલે શનિવારે કોન્ટ્રાકટર ચાર વૃક્ષો
કાપી નાખ્યા હતા.
આ મામલે પર્યાવરણ કાર્યકરો નીલેશ
રાજગોર, વીરેન શાહ, જ્યોતિકાબેન જોશી સહિત યુવાનો સાથેની ટીમ બપોરે ત્રણ કલાકના અરસામાં
સ્થળ પર પહોંચી હતી અને વિરોધ કરી વૃક્ષછેદન અટકાવવા ફરજ પાડી હતી. જેમાં ઉગ્ર
બોલાચાલી થઇ હતી અને કેટલાક લોકોએ પર્યાવરણ પ્રેમીઓ માટે અપશબ્દો પણ બોલ્યા હતા. જોકે,
પર્યાવરણપ્રેમી નીલેશ રાજગોરે અમને કાપી નાખો
પણ વૃક્ષ નહીં કાપવા દઈએ, વૃક્ષો માટે બલિદાન આપી દઈશું કહી વૃક્ષો કાપવા જેસીબીથી કરાયેલા
ખાડાઓમાં વૃક્ષને ચીપકી ગયા હતા.
પર્યાવરણ પ્રેમીઓના ચીપકો આંદોલનને જોઈ
તંત્રના માણસો પણ ગભરાઇ ગયા હતા. માર્ગ મકાન વિભાગના કર્મચારીએ પોલીસને જાણ કરતા
પાટણ તાલુકા પી.આઈ ડી.વી ડોડીયા ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને ચાર પર્યાવરણ
પ્રેમીઓને પકડી તાલુકા પોલીસ સ્ટેશને લઇ જઇ પૂછપરછ કરી છોડી મુકાયા હતા.
માર્ગ મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર
હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચાર માર્ગીય રસ્તો બનાવવા માટે ૨૭૦
લીમડા કાપવા માટે વનવિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે. શનિવારે ચાર લીમડા
કાપવામાં આવ્યા છે. જોકે, વિકાસના નામે વૃક્ષછેદનની કામગીરી સામે
પર્યાવરણ પ્રેમીઓ અનએ વૃક્ષપ્રેમીઓમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને તેમણે
વર્ષો જૂના આ વૃક્ષોનું જતન સાચવી રાખી ફોર લેન બનાવવાનું આયોજન કરવા તંત્રને
અનુરોધ કર્યો હતો.