અમદાવાદ,
તાજેતરમાં બુલેદખંડમાં પાણીની તંગી દૂર કરવા માટે સરકાર દ્વારા પાણીની ટ્રેન મોકલવાનો
નિર્ણય કરાયો હતો. જોકે, આ મોકલાયેલી ટ્રેનમાં
પાણી નહીં માત્ર ખાલી ડબ્બાઓ જણાવી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ ટ્રેનને
પરત મોકલી આપી છે. જેના કારણે સમગ્ર દેશનું ધ્યાન અત્યારે બુલેદખંડની સ્થિતિ પર ગયુ
છે. બુલેદખંડની સ્થિતિને સમજવા માટે ગત વર્ષે કરાયેલા એક સર્વેને સમજવો જરુરી છે, જે સર્વેનું નામ હતું બુલેદખંડ દુકાળ ઈમ્પેક્ટ એસેસમેન્ટ
સર્વે ૨૦૧૫માં ચોંકાવનારા તથ્યો રજુ કરવામાં આવ્યા છે.
સર્વેમાં દાવો કરાયો છે કે, વર્ષ ૨૦૧૫માં પડેલ દુકાળ
દરમિયાન બુલેદખંડના ૧૦૮ ગામોના ૫૩ ટકા ગરીબ પરિવારોએ ૮ મહિના સુધી દાળ નહતી ખાધી. જ્યારે ૬૯ ટકા ગરીબ
લોકોએ ૮ મહિના સુધી દૂધ નહતુ પીધું. સર્વેમાં એ પણ જણાવાયુ છે કે, બુલેદખંડમાં દર ૫ પરિવાર પૈકી એક પરિવાર સપ્તાહમાં એક
દિવસ ભુખ્યો રહે છે. આનાથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે, બુલેદખંડમાં થતા કુલ મૃત્યુ પૈકી ૩૮ ટકા મૃત્યુ ભુખમરાના
કારણે થાય છે. યુનાઈટેડ નેશન દ્વારા ૨૦૧૫માં રજુ કરવામાં આવેલી એક્સટ્રેમ પુવર્ટી રીપોર્ટમાં
જણાવાયુ છે કે, ભારતમાં ૩૦ કરોડ લોકો
ભયાનક ગરીબીનો સામનો કરી રહ્યા છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં ભૂખમરાથી
મરતા કુલ લોકો પૈકી ચોથા ભાગના લોકો ભારતમાં રહે છે. વર્ષ ૨૦૧૫ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં
જણાવ્યા મુજબ, ભારતમાં ૧૯ કરોડ લોકોને
તેમની જરુરીયાત મુજબનુ ભોજન મળતુ નથી.
ભારતમાં ૫ વર્ષથી નીચે ઉંમર ધરાવતા ૪૦ ટકા બાળકોનું વજન આંતરરાષ્ટ્રીય સ્તરે રજુ કરાયેલા માપદંડ મુજબનુ
હોતુ નથી. રિપોર્ટમાં એ પણ જણાવાયુ છે કે, ભારતમાં પાંચ વર્ષથી
નાની ઉંમરના બાળકોના થતા કુલ મોત પૈકી ૬૦ ટકા મોત કુપોષણના કારણે થાય છે. કેન્દ્ર અને
રાજ્ય સરકાર દ્વારા કુપોષણને રોકવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે, જેમાં બીપીએલ યોજના, અંત્યોદય અન્ન યોજના, અન્નપુર્ણા યોજના, મધ્યાહન ભોજન યોજના, મિડ ડે મિલ્ક યોજના. આ ઉપરાંત અનેક કાયદાઓ પણ બનાવાયા છે. જેમકે,રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો, જે દેશની બે તૃતીયાંશ વસ્તીને સસ્તા અનાજની ગેરેન્ટી
આપે છે. આ બધી બાબતો એવી છે કે જે ચોપડા પર જોવા માટે ખૂબ જ સારી લાગે છે, પરંતુ જમીનની વાસ્તવિક્તા કંઈક અલગ જ છે.
જે દેશમાં ૩૦ કરોડ લોકો ભુખ્યા સુવે છે તે જ દેશમાં દર વર્ષ ૨ કરોડ ૧૦ લાખ ટન ઘઉં
સળી જવાના કારણે ફેંકી દેવા પડે છે. આ આંકડો ઓસ્ટ્રેલિયાના કુલ ઘઉં ઉત્પાદન સમકક્ષ
છે. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૫ દરમિયાન ૨૬ હજાર ટન ઘઉં ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાં
પડ્યા-પડ્યા સળી ગયા હતા. યોગ્ય ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાના અભાવના કારણે આપણા દેશમાં
૪૦ ટકાથી વધુ ફળ અને શાકભાજી લોકોના મોંઢા સુધી પણ પહોંચતી નથી. વર્ષ ૨૦૨૮ સુધીમાં
ભારતની વસ્તી વધીને ૧૪૫ કરોડ થવાનુ અનુમાન છે,
ત્યારે જો ઝડપથી યોગ્ય પગલા ન ભરવામાં આવ્યા તો સ્થિતિ વધુ ભયંકર થવાની શક્યતાને
નકારી શકાતી નથી.
દેશની સૌથી મોટી બદનસીબી એ છે કે જ્યાં લોકો ભૂખ અને તરસથી મરી રહ્યા છે ત્યારે
દેશની સંસદમાં તેની ચર્ચા થવાની જગ્યાએ સાંસદો કયા પક્ષે વધુ કૌભાંડ કર્યા તેની ચર્ચામાં
વ્યસ્ત છે. જોકે આ સાંસદો અત્યારે કૌભાંડોની
ચર્ચા કરીને એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે, જોકે, આ દેશની દુકાળગ્રસ્ત
સ્થિતિ અંગે સંસદ પાસે સમય નથી.