રાજ્યમાં દિવાળી પર્વને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

દિવાળીના તહેવારોમાં અસામાજિક તત્વો પર રહેશે ખાસ નજર : કેટલીક સુરક્ષા એજન્સીઓ પણ થઈ એલર્ટ
By: admin   PUBLISHED: Mon, 05 Nov 2018 15:50:50 +0530 | UPDATED: Mon, 05 Nov 2018 15:50:50 +0530

ધાર્મિક સ્થળો પર ખાસ નજર રખાશે

અમદાવાદ સહિત રાજ્યભરમાં ધામધૂમપુર્વક દિવાળીના મહાપર્વનો ધનતેરસથી પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે આ દિવાળી પર્વ દરમિયાન રાજ્યમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. ખાસ કરીને રાજ્યના ધાર્મિક સ્થળો, મોટા શહેરો, રેલવે સ્ટેશનો અને એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે. તેમાંય દિવાળીના તરત બાદ જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ યોજાવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

દરમિયાન સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ભારતમાં સક્રિય આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનની મદદથી આ તહેવારો દરમિયાન કોમી તંગદીલી ફેલાય તેવા હુમલા કરી શકે છે, તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો છે.  આ ઉપરાંત  પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ દિવાળી દરમિયાન ભારતમાં ઘુસવાની વેતરણમાં હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. જેના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને સતર્ક રહેવા આદેશ કરાયો છે. જેના પગલે રાજ્યના ગૃહ વિભાગે તમામ જીલ્લા પોલીસવડાઓને દિવાળીના તહેવાર દરમિયાન ખાસ સાવચેતી રાખવા સુચનો કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીર તરફથી આતંકીઓ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરવાની ફીરાકમાં છે, જોકે ભારતીય સેના સતત તેમના આ પ્રયત્નને નિષ્ફળ બનાવી રહી છે.જેને લઈ સરહદ પર વધેલ તણાવપૂર્ણ પરિસ્થિતિના કારણે રાજ્યમાં પણ સુરક્ષા સઘન કરવા આદેશ આપી દેવાયા છે. જોકે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારનું જોખીમ ખેડવાના મૂડમાં નથી. જેના કારણે રાજ્યને જોડતા તમામ ચેકપોસ્ટ પરથી અવરજવર કરતા વાહનો તેમજ વ્યક્તિઓની સઘન તપાસ કરાઈ રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.