Wednesday,18 September 2019,17:16:56

કાશ્મીર :5 જિલ્લાઓમાં ફરી મોબાઇલ ઈન્ટરનેટ સેવા બંધ કરાઇ

સોશિયલ મીડિયામાં અફવાઓ ના ફેલાય તે માટે ઈન્ટરનેટ બંધ કરાયું
By: Monika Vyas   PUBLISHED: Sun, 18 Aug 2019 22:10:21 +0530 | UPDATED: Sun, 18 Aug 2019 22:10:21 +0530

શ્રીનગર

જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવ્યા બાદ રાજ્યમાં ત્રાસદી ફેલાવનારા તત્વો ફરી અશાંતિ ફેલાવવા સક્રિય થયા છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાયા બાદ પ્રશાસને ફરી મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

જમ્મુમાં ફેલાઈ રહેલી અફવાઓને રોકવા માટે રવિવારે ફરી એક વખત પાંચ જિલ્લા- જમ્મુ,સાંબા કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. એક દિવસ પહેલા જ આ વિસ્તારોમાં ઓછી ઝડપની 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્ણય અફવાઓથી બચવા અને વિસ્તારમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે લેવાયો છે.

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈઓ નાબૂદ કરવાના અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવાના નિર્ણયના એક દિવસ પહેલા ચાર ઓગસ્ટે જમ્મુ ક્ષેત્રમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ હતી. આ પગલું લેવાયું તેના થોડા સમય પહેલા રાજ્યમાં કરફ્યુ લગાવી દેવાયો હતો. જોકે, બાદમાં પ્રતિબંધોમાં ઢીલ અપાઈ હતી.

જમ્મુ ક્ષેત્રના પાંચ જિલ્લામાં 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ શરૂ કર્યા બાદ જમ્મુના આઈજી મુકેશ સિંહે ચેતવણી આપી કે સોશયલ મીડિયા પર ખોટા મેસેજ અને વિડીયો શેર કરનારી વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પરિસ્થિતિ વચ્ચે ફરી આતંકવાદીઓની ઘુસણખોરી વધારવા માટે પાકિસ્તાન તરફથી લગાતાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સેનાને શક છે કે પાકિસ્તાન આવુ આતંકવાદીઓને અંદર ઘુસાડવા માટે કરી રહ્યું છે. કાશ્મીરમાં જ્યારે શાંતિ ભંગ કરવામાં પાકિસ્તાનના પ્રયાસો સફળ નથી થયા ત્યારે હવે તે ફરી સીઝફાયર કરવા લાગ્યું છે.


શ્રીનગરમાં પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. સોમવારે જમ્મૂ-કાશ્મીરની 190 સ્કૂલ ફરી શરુ થશે. જોકે સરકારે અફવાઓને જોતા જમ્મૂમાં ઇન્ટરનેટ સેવા શરુ કરવાનો નિર્ણય પરત લઇ લીધો છે. જમ્મૂ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને અન્ય વિસ્તારોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા અત્યારે બંધ કરી દેવામાં આવી છે.



Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.