માલદીવ : ચુંટણીમાં મળેલ હારને યામીને કોર્ટમાં પડકાર્યો

અબ્દુલ્લા યામીન પર રાષ્ટ્રપતિનું પદ છોડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરેથી દબાણ પણ વધી રહ્યુ છે
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 19:54:19 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 19:55:39 +0530

યામીન ચુંટણીના પરિણામથી સંતુષ્ટ નથી

માલદીવમાં ગત મહિને થયેલ ચુંટણીમાં  હારનાર રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ચુંટણી પરિણામોથી સંતુષ્ટ નથી. યામીનની પાર્ટી પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (પીપીએમ)એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને ચુંટણીમાં તેમને મળેલ પરાજયને પડકાર્યો છે. આ દરમિયાન અબ્દુલ્લા યામીન પર રાષ્ટ્રપતિનું પદ છોડવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યુ છે.

અબ્દુલ્લા યામીનની પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સના વકીલે પત્રકારોને જણાવ્યુ છે કે તેમનો આરોપ છે કે, સ્વતંત્ર ચુંટણીપંચે ૨૩ સપ્ટેમ્બરે યોજાયેલી ચુંટણીના મતદાનમાં ગોટાળા કર્યા છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે, માલદીવની સર્વોચ્ચ કોર્ટ અબ્દુલ્લા યામીનના પડકારને વિચાર અર્થે સ્વીકાર કરશે અથવા નહીં. ઉલ્લેખનીય છે કે, માલદીવમાં રાષ્ટ્રપતિ ચુંટણીમાં ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે ૫૮.૪ ટકા મત મેળવીને ચુંટણી જીતી લીધી હતી.

માલદીવ સંવિધાન મુજબ અબ્દુલ્લા યામીન ૧૭ નવેમ્બર સુધી રાષ્ટ્રપતિના પદ પર રહી શકે છે. જો કોર્ટ યામીનની અરજી અંગે કોઈ દખલગીરી નહીં કરે તો ત્યારબાદ તેમણે ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને સત્તા સોંપવી પડશે. મહત્વનુ છે કે ચુંટણી પરિણામ આવ્યા બાદ રાષ્ટ્રપતિ યામીને પોતાની હાર સ્વીકારી લીધી હતી. યામીને એક ભાષણમાં કહ્યુ હતું કે, માલદીવની જનતાએ રવિવારે પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને હું આ જનાદેશનો સ્વીકાર કરુ છું.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.