લોકસભા ચૂંટણી : બંગાળથી કેરળ સુધી ભાજપમાં જોડાવનારા વધ્યા

એકલા ગુજરાતમાંથી પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા
By: admin   PUBLISHED: Thu, 14 Mar 2019 23:35:52 +0530 | UPDATED: Thu, 14 Mar 2019 23:35:52 +0530

ટીએમસી અને કોંગ્રેસમાંથી પણ વરિષ્ઠ નેતા ભાજપમાં સામેલ થયા : સર્જિકલ સ્ટ્રાઇકને લઇ કોંગ્રેસના વલણથી ખફા વડક્કન અંતે ભાજપમાં સામેલ થયા

જેમ જેમ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોમાં ઉથલપાથલ જારી છે. કોંગ્રેસ અને ટીએમસી જેવા પક્ષોથી ભાજપમાં આવવાની પ્રક્રિયા જારી રહી છે. આજે એકબાજુ કેરળમાં કોંગ્રેસના વરિષ્ટ નેતા અને પ્રવક્તા ટોમ વડક્કને ભાજપમાં જોડાઈ જવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ ટીએમસીના ધારાસભ્ય અરજનસિંહ પણ ભાજપમાં સામેલ થયા હતા. આ પહેલા બુધવારના દિવસે પણ ટીએમસીમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલા સાંસદ અનુપમ હાજરા પણ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. હાજરા ૨૦૧૪માં બોલપુર લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી લીધી હતી.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલના પુત્ર સુજોય પણ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. આની સાથે જ પ્રદેશ કોંગ્રેસમાં ઉથપલાથલની સ્થિતિ રહી છે. વિખે પાટિલ પર પણ રાજીનામુ આપવા માટે દબાણ આવી રહ્યું છે. કેરળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટોમ વડક્કને કહ્યું છે કે, કોંગ્રેસની નીતિઓથી પરેશાન થઇને તેઓ ભાજપમાં સામેલ થયા છે. તેઓ કોંગ્રેસના પ્રવક્તા પણ રહી ચુક્યા છે. સોનિયા ગાંધીના એક વખતના નજીકના સાથીઓ પૈકીના એક તરીકે રહ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપમાં તેમની વિધિવતરીતે એન્ટ્રી થઇ હતી.

વડક્કને કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇકને લઇને કોંગ્રેસ દ્વારા જે રીતે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા તેના કારણે તેઓ હેરાન થઇ ગયા હતા અને દુખી હતા. ભાજપમાં સામેલ થવાની સાથે જ ટોમ વડક્કને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા  હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસને ૨૦ વર્ષની સેવા આપ છે પરંતુ યુઝ એન્ડ થ્રોની નીતિ કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવ છે. તેમની પાસે વિકલ્પો ન હતા. કોંગ્રેસે સેના અને પુલવામા હુમલામાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. દેશની સામે જે વલણ અપનાવ્યું તેને લઇને લોકો પરેશાન થયા છે.

હાલના દિવસોમાં વિપક્ષી છાવણીમાંથી ભાજપમાં સામેલ થવાનો સિલસિલો જોરદારરીતે જારી છે. આ પહેલા ગુરુવારના દિવસે તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય અરજનસિંહ પણ ભાજપમાં સામેલ થયા હતા. આ પહેલા કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઉમેશ જાધવ પણ પાર્ટીમાંથી છેડો ફાડી ચુક્યા છે. રાધાકૃષ્ણ વિખે પાટિલના પુત્ર સુજોય વિખે પાટિલ પણ ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે. સુજયે કહ્યું હતું કે, તેમનો આ નિર્ણય માતા-પિતાના નિર્ણયની વિરુદ્ધ છે. ભાજપ માટે કામ કરા માટે તેઓ ઉત્સુક છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો છેડો ફાડી ચુક્યા છે અને આ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચુક્યા છે. કોંગ્રેસ કારોબારીની બેઠક પહેલા જામનગર (ગ્રામિણ)માંથી ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ધારવિયાના રાજીનામા પહેલા તેમની પાર્ટીના પૂર્વ સાથી પરષોત્તમ સાબરિયા ૮મી માર્ચના દિવસે ધ્રાંગધ્રા ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ચુક્યા છે. ૮મી માર્ચના દિવસે કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા પણ વિધાનસભામાંથી રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદથી કોંગ્રેસના પાંચ ધારાસભ્ય હજુ સુધી ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.