જુન માસમાં પ્રથમ નવ દિવસમાં વરસાદમાં ૪૫ ટકા સુધી ઘટાડો

સામાન્ય તારીખ કરતા એક સપ્તાહ મોડેથી મોનસુનની એન્ટ્રી
By: admin   PUBLISHED: Mon, 10 Jun 2019 15:23:19 +0530 | UPDATED: Mon, 10 Jun 2019 15:23:19 +0530

કેરળમાં મોનસુન એક સપ્તાહ મોડેથી પહોંચી ગયા બાદ દેશના અન્ય ભાગોમાં પણ મોનસુન મોડેથી પહોંચે તેવી સંભાવના : ખેડુત અને કેન્દ્ર સરકાર ચિંતાતુર

ભારતીય હવામાન વિભાગે સાફ શબ્દોમાં કહ્યુ છે કે મોનસુનમાં વિલંબના કારણે જુનના પ્રથમ નવ દિવસના ગાળામાં જ વરસાદમાં ૪૫ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. જે તમામ માટે ચિંતા ઉપજાવે તેવા આંકડા છે. મોનસુનની એન્ટ્રી આ વખતે નિર્ધારિત તારીખ કરતા એક સપ્તાહ બાદ થઇ છે. કેરળમાં મોનસુનની એન્ટ્રી આ વખતે એક સપ્તાહના વિલંબ બાદ થઇ છે. જેથી દેશના અન્ય ભાગોમાં પણ મોનસુન મોડેથી પહોંચે તેવી શક્યતા છે.

આના કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં કૃષિ સમુદાય સાથે જોડાયેલા ખેડુતો અને સંબંધિત વિભાગના અધિકારીઓમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે દેશમાં ૩૨.૪ મિલિમીટરના સામાન્ય વરસાદની સામે માત્ર ૧૭.૭ મિલીમીટર વરસાદ થયો  છે. જેના કારણે વરસાદમાં ઘટાડો  આશરે ૪૫ ટકાની આસપાસ રહ્યો છે. જુનમાં વરસાદમાં કમી મોનુસનની સુસ્ત ગતિ અને કમજોર અલ નીનાના કારણે હજુ વધી શકે છે. અલ નીનો પ્રશાંત મહાસાગરના પાણીના ગરમ થવા સાથે સંબંધિત ઘટનાક્રમ છે.

ભારતીય હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની સાથે જોડાયેલા પૂર્વ મધ્ય અરબ સાગર સાથે જોડાયેલા ક્ષેત્રમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે.  હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મંગળવાર સુધી દક્ષિણ અરબસાગર, લક્ષ્યદ્વીપ અને કેરળ, તમિળનાડુના વિસ્તારો, બંગાળના અખાત, દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ પૂર્વ, પૂર્વ મધ્ય અને ઉત્તરપૂર્વના વિસ્તારોમાં મોનસુનની એન્ટ્રી થઇ જશે. પવનની ગતિ ૬૦ કિલોમીટર પ્રતિકલાકની જોવા મળી રહી છે જેથી માછીમારો માટે પણ કેટલીક સુચના જારી કરવામાં આવી ચુકી છે.

કેરળમાં મોનસુનની એન્ટ્રી પહેલા મોનસુનને લઇને લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. દેશના મોટાભાગના વિસ્તારો સિંચાઈ માટે વરસાદ ઉપર આધારિત છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર ખુબ નીચે પહોંચી ગયું છે. સિંચાઈના વૈકલ્પિક સાધન નહીં હોવાના કારણે મોટાભાગના ગ્રામિણ વિસ્તારોમાં ચાર મહિના સુધી ચાલનાર મોનસુન સિઝન ઉપર આધારિત રહે છે. ગ્રામિણ વિસ્તારોમાં વરસાદને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવે છે. મોનસુન સિઝનમાં વાર્ષિક વરસાદ ૭૫ ટકાની આસપાસ રહે છે.

મોનસુનની એન્ટ્રીથી લોકોને ટૂંકમાં ગરમીથી રાહત મળશે. હવામાનના કહેવા મુજબ દિલ્હીમાં મોનસુન સામાન્યરીતે ૨૯મી જૂનની આસપાસ પહોંચે છે. હવામાન વિભાગે આજે કહ્યું હતું કે, દિલ્હીમાં ત્રણ દિવસનો વિલંબ થઇ શકે છે.દિલ્હીમાં સામાન્ય મોનસુન રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ સામાન્ય મોનસુનની શક્યતા છે. આ વર્ષ માટે ૯૬ ટકા લોંગ પિરિયડ એરવેજ વરસાદની આગાહી થઇ છે જે સામાન્ય કરતા ઓછો વરસાદ છે. ૧૯૫૧થી લઇને ૨૦૦૦ સુધી મોનસુન સિઝનમાં કુલ સરેરાશ વરસાદ ૮૯ સેન્ટીમીટર નોંધાયો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.