પાકિસ્તાનને બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગમાં ભારતે પછડાટ આપી

પાકિસ્તાન પર જીત : ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર અનેક નવા રેકોર્ડ થયા
By: admin   PUBLISHED: Mon, 17 Jun 2019 14:20:08 +0530 | UPDATED: Mon, 17 Jun 2019 14:20:08 +0530

સતત બે સદીની ભાગીદારી, પાકિસ્તાન સામે સૌથી વધારે રન, હસન અલીની બોલિંગમાં ૮૪ રન, કોહલીના સૌથી ઝડપી ૧૧ હજાર રન જેવા રેકોર્ડ થયા

આઇસીસી વર્લ્ડ કપની રોમાંચક અને દિલધડક મેચમાં ભારતે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર ૮૯ રને જીત મેળવીને પાકિસ્તાન પર ૭-૦ની લીડ મેળવી લીધી છે. પાકિસ્તાન સામે ભારતીય ટીમ હવે વર્લ્ડ કપમાં અપરાજિત રહી છે. વરસાદના વિઘ્ન વચ્ચે આ મેચ રમાઇ હતી. જેમાં માન્ચેસ્ટરના ઓલ્ડટ્રેફર્ડ ખાતે અનેક નવા ક્રિકેટ રેકોર્ડ સર્જાયા હતા. ભારતીય ટીમના અનેક નવા રેકોર્ડ માટે સાક્ષી ઓલ્ડટ્રેફર્ડ મેદાન રહેતા ચાહકો ઝુમી ઉઠ્યા હતા.

આ મહામુકાબલાની મેચમાં ભારતે જીત મેળવી લેવાની સાથે સાથે અનેક નવા રેકોર્ડ કર્યા હતા. સૌથી પહેલા તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી ઝડપી ૧૧ હજાર રનનો રેકોર્ડ કર્યો હતો. કોહલીએ  પાકિસ્તાન સામે રમતા ૨૨૨મી ઇનિગ્સમાં ૧૧ હજાર રન પુરા કર્યા હતા. સચિને ૨૭૬ ઇનિગ્સમાં આ રન પુરા કર્યા હતા.

કોહલીને  ગઇકાલની મેચની પહેલા ૧૧ હજાર રન પુરા કરવા ૫૭ રનની જરૂર હતી પરંતુ કોહલીએ આ રન સરળતાથી પુરા કર્યા હતા. કોહલી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદીના રેકોર્ડ તરફ પણ વધી રહ્યો છે. સચિન બાદ તે સદીના મામલામાં પણ બીજા સ્થાને છે. કોહલીએ સચિન તેન્ડુલકરના રેકોર્ડને તોડી ચુક્યો છે. વિરાટ કોહલી કરતા સચિને આ સિદ્ધી સુધી પહોંચવા માટે ૫૪ વધુ ઇનિગ્સ લીધી હતી. અન્ય એક રેકોર્ડ હસન અલીની બોલિંગમાં પણ ભારતે સર્જી દીધો છે.

પાકિસ્તાનના દરેક બોલરોને ભારતીય ટીમના બેટ્‌સમેનોએ મેદાનની ચારેબાજુ ફટકાર્યા હતા પરંતુ હસન અલની બોલિંગમાં સૌથી વધારે રન કર્યા હતા. હસન અલીએ નવ ઓવર બોલિંગ કરીને ૮૪ રન આપ્યા હતા. તેને માત્ર એક વિકેટ મળી હતી. તે વર્લ્ડ કપમાં પાકિસ્તાન તરફથી સૌથી ખરાબ દેખાવ કરનાર બોલર બની ગયો છે. અન્ય એક રેકોર્ડ રોહિત શર્માએ પણ સર્જી દીધો છે.

પાકિસ્તાનની સામે ગઇકાલે રોહિત શર્માએ ૧૪૦ રનની તોફાની ઇનિગ્સ રમી હતી. આ ઇનિગ્સની સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સૌથી વધારે સ્કોર કરનાર ખેલાડી તરીકે રોહિત શર્મા બની ગયો છે. રોહિતે ૧૧૩ બોલમાં ૧૪૦ રન ફટકારીને વિરાટ કોહલીના ૧૦૭ રનના રેકોર્ડને તોડી નાંખવામાં સફળતા મેળવી હતી. કોહલીએ આ સ્કોર વર્લ્ડ કપ ૨૦૧૫માં બનાવ્યો હતો. હવે રોહિત શર્મા બાદ વિરાટ કોહલી બીજા બેટ્‌સમેન તરીકે છે જે પાકિસ્તાનની સામે વર્લ્ડ કપમાં સદી કરી ચુક્યો છે.

વર્લ્ડ કપમાં રોહિત શર્મા બે સદી કરી ચુક્યો છે. ઇંગ્લેન્ડના જોઇ રૂટે પણ બે સદી કરી છે. આ ઉપરાંત અન્ય એક રેકોર્ડ પ્રથમ વખત વર્લ્ડ કપમાં બે સતત મેચોમાં ભારતીય ટીમની ઓપનિંગ ભાગીદારીનો રહ્યો છે. ઓપનિંગ જોડીએ બે સતત મેચમાં સદીની ભાગીદારી નોંધાવી છે. પહેલા શિખર ધવન અને રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાની સામે ૧૨૭ રનની ભાગીદારી નોંધાવી હતી. હવે રોહિત શર્મા અને રાહુલે પ્રથમ વિકેટ માટે ૧૩૬ રનની ભાગીદારી નોંધાવી છે.

 આની સાથે જ રાહુલ અને રોહિત શર્માની પ્રથમ એવી જોડી બની ગઇ છે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે સદીની ભાગીદારી નોંધાવી ચુકી છે. આ ઉપરાંત વર્લ્ડ કપની ગઇકાલની મેચમાં પ્રથમ વખત એવુ બન્યુ હતુ કે જ્યારે ટોસ જીતનાર કોઇ ટીમે બોલિગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પહેલા વર્લ્ડ કપમાં છ મેચો રમાઇ હતી. જેમાં દરેક વખત ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરીને આગળ આવી હતી. ભારત સામે રમાયેલી માત્ર એક બાબત પાકિસ્તાનની તરફેણમાં રહી હતી. પાકિસ્તાન તરફથી બાબર આજમ અને ફખર જમાએ બીજી વિકેટની ભાગીદારીમાં મળીને ૧૦૪ રન ઉમેર્યા હતા. આ કોઇ પણ વર્લ્ડ કપમાં ભારતની સામે નોંધાયેલી પ્રથમ સદીની ભાગીદારી હતી. આ બંનેએ અગાઉ નોંધાયેલી આમિર સોહિત અને જાવેદ મિયાદાદની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.