અમદાવાદમાં પણ ગરમીના પ્રમાણમાં વૃદ્ધિ : લોકો હેરાન

મહત્તમ તાપમાન આજે વધુ વધવાના સંકેત
By: admin   PUBLISHED: Fri, 15 Mar 2019 00:18:46 +0530 | UPDATED: Fri, 15 Mar 2019 00:20:21 +0530

મિશ્ર સિઝનના પરિણામે જુદી જુદી બિમારીઓના કેસોમાં વધારો નોંધાયો:મહુવામાં પારો વધીને ૩૪ ડિગ્રી પહોંચ્યો

ગઇકાલે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે ગુજરાતમાં પણ કચ્છ સહિતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં આવેલા પલટા અને હવામાનમાં નોંધાયેલા ફેરફારના કારણે ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં સ્વચ્છ વાતાવરણ રહ્યું હતું. કોઇપણ પ્રકારના વાદળો ઘેરાયેલા દેખાયા ન હતા. ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે.

અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં સ્વાઈન ફ્લુના આતંક વચ્ચે મિશ્ર સિઝનની અસર દેખાઈ રહી છે જેના લીધે જુદા જુદા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે પારો ૨૯થી લઇને ૩૪ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો સૌથી વધુ ગરમીનો અનુભવ મહુવામાં રહ્યો હતો જ્યાં પારો ૩૪ ડિગ્રી નોંધાયો હતો.

બીજી બાજુ અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આજની સરખામણીમાં આવતીકાલે પારો વધી શકે છે. ગાંધીનગરમાં ૩૧.૪, વીવીનગરમાં ૩૧.૩, વડોદરામાં ૩૨.૩, સુરતમાં ૩૧.૬ અને અમરેલીમાં ૩૨.૫ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. મિશ્ર સિઝન વચ્ચે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે.

સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે.પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૯મી માર્ચ સુધીના ગાળામાં માત્ર ૯ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૭૮, કમળાના ૩૨, ટાઈફોઈડના ૫૮ કેસો નોંધાયા છે. જ્યારે સાદા મલેરીયાના ૧૧ કેસ સપાટી પર આવ્યા છે. મિશ્ર સિઝનની અસર હજુ જારી રહે તેવી શક્યતા છે જેથી વિશેષ કાળજી લેવાની જરૂર છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.