પેપર લીક : પોલિસની પકડમાં આવતા પહેલાં યશપાલે આત્મહત્યાના બે પ્રયાસ કર્યા,પોલિસે 50 પરીક્ષાર્થીને બ્લેક લીસ્ટ મુકવા કરી ભલામણ

એલઆરડી પેપર લીક મામલે પોલિસે વધુ બે આરોપીની ધરપકડ કરી
By: Monika Vyas   PUBLISHED: Thu, 06 Dec 2018 18:10:11 +0530 | UPDATED: Fri, 07 Dec 2018 21:38:23 +0530


ગાંધીનગર

લોકરક્ષક દળના પેપર લીક થવા મામલે એક પછી એક વધુ ખુલાસા થઇ રહ્યાં છે.પેપર લીક કૌભાંડ મામલે પોલિસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે.આ આરોપીઓએ પેપર લીક કરવામાં મુખ્ય ભુમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે.પોલિસે મુળ સાંબરકાંઠાના પણ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ઇન્દ્રવદન પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે.ઇન્દ્રવદન પેપર લીક કરનાર દિલ્હીની ગેંગના સંપર્કમાં હતો અને પેપર લીક કરવામાં મહત્વની ભુમિકા ભજવી છે. ઇન્દ્રવદન પરમાર દિલ્હીની પેપર ફોડ ગેંગના સંપર્કમાં આવ્યો હતો અને તેણે ગુજરાતમાં પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

પોલિસે રાજેન્દ્ર વાધેલા નામના બીજા આરોપીની પણ ધરપકડ કરી છે અને નિલેશ નામની બીજી વ્યક્તિની પણ સઘન પુછપરછ ચાલે છે.

દિલ્હીથી પેપર લીક થયા બાદ ગુજરાતમાં લોક રક્ષક દળની પરીક્ષા આપી રહેલાં અનેક પરીક્ષાર્થીઓને લીક થયેલું પેપર પહોંચતું થયું હતું.

પેપર લીક સ્કેમની તપાસ કરી રહેલાં ગાંધીનગરના એસપી મયુર ચાવડાના કહેવા પ્રમાણે પેપર લીક થયાં બાદ રાજ્યના અનેક પરીક્ષાર્થીઓને પેપર પહોંચતું થયું હતું.દિલ્હીથી લીક થયેલું પેપર ગુજરાત સુધી પહોંચાડવા માટે ઇન્દ્રવદનની મોટી ભુમિકા હતી.જે પરીક્ષાર્થીઓ પાસે લોક રક્ષક દળની પરીક્ષાનું લીક થયેલું પેપર પહોંચ્યું છે તેને ફરીવાર પરીક્ષામાં નહીં બેસવા દેવા માટે ભરતી બોર્ડને ભલામણ કરવાના છીએ.પોલિસે આવા 50 જેટલાં ઉમેદવારોની ઓળખ કરી છે જેમના સુધી લીક પેપર પહોંચ્યું હતું.આ પરીક્ષાર્થીઓને બ્લેક લીસ્ટ કરવા ભલામણ કરાશે.

ઉલ્લેખનીય છે કે લોક રક્ષક દળની હવે પછી પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લેવાશે.

પોલિસે લોક રક્ષક દળના પેપર લીક મામલે ગુરૂવારે પણ મોટા ખુલાસા કર્યા હતા.પોલિસાન કહેવા પ્રમાણે ઇન્દ્રવદનના કહેવાથી યશપાલ સોલંકીએ દિલ્હી જઇને આ પેપર લીક કર્યું હતુ.યશપાલ સોલંકીને આ સ્કેમનો મુખ્ય આરોપી માનવામાં આવે છે અને પોલિસે તેની ધરપકડ કરી છે.યશપાલની પુછપરછમાં તેણે કબુલ કર્યું હતું કે તે વડોદરામાં રહેતાં ઇન્દ્રવદન પરમારના સંપર્કમાં આવ્યો હતો.ઇન્દ્રવદને યશપાલને પેપર લીક કરવા માટે દિલ્હીની પેપર ફોડ ગેંગનો સંપર્ક કરાવ્યો હતો.

પેપર લેવા માટે અન્ય 30 પરીક્ષાર્થીઓ સાથે યશપાલ પણ દિલ્હી પહોંચ્યો હતો.દિલ્હીમાં પેપર લીક કરનાર ગેંગે એટલી ચુસ્ત સાવચેતી રાખી હતી કે જે ઉમેદવારો પેપર લેવા પહોંચ્યા તેમના મોબાઇલ પમ બંધ કરાવ્યા હતા અને તેમની પર બાઉન્સર જેવા હટ્ટાકટ્ટા વ્યક્તિઓ નજર રાખતા હતા.

જે પરીક્ષાના ઉમેદવારો દિલ્હી પહોંચ્યા તેમને જુદા જુદા વાહનોમાં પતરાંના ગેરેજ અને એપાર્ટમેન્ટ જેવી જુદી જુદી જગ્યાએ ફેરવવામાં આવ્યા હતા.દિલ્હીની ગેંગે પેપર આપતી સમયે પણ બરાબર ચોક્સાઇ રાખી હતી કે અહીંથી ઓરીજીનલ પેપર બહાર ના જાય .યશપાલ સહિતના ઉમેદવારોને પેપર અને તેના જવાબો વાંચવા માટે બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો.જો કે યશપાલે પેપરના જવાબો હાથથી લખી કાઢ્યા હતા અને તેને વેફરના પેકેટમાં સંતાડી દીધા હતા.યશપાલ હાથથી લખેલ આન્સર કીને વેફરના પેકેટમાં લઇને ફ્લાઇટમાં વડોદરા પરત ફર્યો હતો.

જો કે પોલિસના કહેવા પ્રમાણે યશપાલ પોતે પરીક્ષાનો ઉમેદવાર હોવાથી તેનો સ્વાર્થ માત્ર પોતાના સુધી સીમિત હતો.ઇન્દ્રવદન અને આ કેસમાં અગાઉ પકડાયેલ મનહર પટેલ કે રૂપલ શર્મા લીક થયેલું પેપર બીજા અનેક પરીક્ષાર્થીઓને વેચવા નીકળ્યા હતા.આ માટે તેમણે 1 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા.

યશપાલનું નામ પેપર લીક કૌભાંડમાં સામે આવ્યા પછી તે ફરાર થયો હતો અને સુરતથી ગોધરા પહોંચ્યો હતો.પોલિસના કહેવા પ્રમાણે યશપાલે ગોધરા પાસે નર્મદા કેનલમાં આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો અને ટ્રક નીચે આવી જઇને પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.જો કે એ પછી તેની પાસે પૈસા ખુટતા તેણે ઇન્દ્રવદનનો સંપર્ક કર્યો હતો.ઇન્દ્રવદને તેને વડોદરાની એક ફેક્ટરીમાં બે દિવસ રાખીને 20 હજાર રૂપિયા આપ્યા હતા.એ પછી પોલિસે યશપાલની મહિસાગરના પાસેથી ધરપકડ કરી હતી.

એસપી મયુર ચાવડાના કહેવા પ્રમાણે દિલ્હીની ગેંગે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોની ભરતી બોર્ડના પેપર પણ ફોડ્યાં હોઇ શકે છે.પોલિસે આ કૌભાંડમાં 25થી 30 લોકની પુછપરછ કરી છે.દિલ્હીમાં ઉમેદવારોને લાવવા લઇ જવા માટે જે વ્યક્તિઓ આવી હતી તેમાંથી બે વ્યક્તિની ઓળખ થઇ કરાઇ છે અને તેમની ઝડપથી અટકાયત થશે.

એસપી મયુર ચાવડાએ પેપર ક્યાં છપાયું હતું તે મામલે ખુલાસો કરવાની મનાઇ કરતાં જણાવ્યું હતું કે આ કોઇ રાજકીય વ્યક્તિનું પ્રેસ નથી.અમે પેપર લીક કોણે કર્યું તેના મુળ સુધી પહોંચવા પ્રયત્ન કરીએ છીએ.અમે પ્રિન્ટીંગ એજન્સીની પણ પુછપરછ કરીશું.

આ કેસની તપાસ કરી રહેલ ગુજરાત એટીએસ,અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ગાંધીનગર પોલિસે તેમની ટીમો દિલ્હી સહિત રાજસ્થાન,ગુડગાંવ અને મધ્યપ્રદેશ મોકલી છે.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.