વાયુ વાવાઝાડાનો સામનો કરવા સરકાર હાઇએલર્ટ પર,રજાઓ રદ કરાઇ,આર્મી-એરફોર્સની પણ લેવાશે મદદ,સ્કુલોમાં અપાઇ રજા

ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ 13 જુન સુધીમાં ત્રાટકી શકે છે.
By: Monika Vyas   PUBLISHED: Tue, 11 Jun 2019 19:34:11 +0530 | UPDATED: Tue, 11 Jun 2019 19:34:11 +0530

  

ગાંધીનગર

                                                   

ગુજરાતના દરિયા કિનારે સંભવિત રીતે ત્રાટકી રહેલાં વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે રાજ્યનું સરકારી તંત્ર હાઇ એલર્ટ મોડ પર આવી ગયું છે.હવામાન ખાતાના કહેવા પ્રમાણે વાયુ વાવાઝોડુ 12 જુનથી શરૂ કરીને 14 જુન સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકી શકે છે,જેના કારણે પવન અને ભારે વરસાદનો સામનો કરવો પડી શકે છે.

 

સંભવિત વાયુ વાવાઝોડાને કારણે જીલ્લા કલેક્ટર ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓને 13 અને 14 જુને ફરજ પર હાજર રહેવાના આદેશો આપવામાં આવ્યા છે.સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે વાયુવાવાઝોડાના પગલે આજે રાજ્ય પોલીસવડા, એરફોર્સ, આર્મી, કોસ્ટલ સહિતના સંબંધિત વિભાગો સાથે રાજ્યના મહેસૂલ વિભાગના મુખ્ય સચિવે બેઠક યોજી હતી.

 

વાયુવાવાઝોડું અત્યારે ગુજરાતના દરિયા કાંઠાથી 650 કિલોમીટર દૂર છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે 13જુનના સવારે તે રાજ્યના દરિયા કાંઠે આવી પહોંચશે. હાલ વાવાઝોડાના પગલે રાજ્યમાં તંત્ર એલર્ટ મોડમાં છે અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે તો 32 ગામોને સતર્ક રહેવા સુચના જારી કરવામાં આવી છે.એ સિવાય એનડીઆરએફની 17 બોટો સહિત 11 ટીમોને તૈનાત કરવામાં આવી છે.

 

વાયુને પહોંચી વળવા માટે આર્મી અને એરફોર્સની પણ મદદ લેવાશે અને જરૂર પડે તો બીજા રાજ્યોમાંથી પણ ટીમો બોલાવવામાં આવશે.

 

વાવઝોડાથી પ્રભાવિત થનારા કોસ્ટલ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.

 

વાયુના કારણે ભાવનગરના કોસ્ટલ એરિયાથી લઇ અમરેલી, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, , દ્વારકા સહિતના વિસ્તારો વાવાઝોડાથી પ્રભાવિત થવાના છે, જેના પગલે આ તમામ એરિયાના વૃદ્ધો, વિક્લાંગો, બાળકો, સગર્ભા તેમજ અશક્ત લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

 

હવામાન ખાતાના કહેવા પ્રમાણે વાયુના કારણે  90-100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તો અરબ સાગર સાથે સંકળાયેલા ઉત્તરપૂર્વના વિસ્તારોમાં વાવાઝોડાની ઝડપ 115 કિલોમીટર પ્રતિ કલાક સુધી જોવા મળશે.


વાવાઝોડાના પગલે 12 અને 13 જૂનના રોજ સ્કૂલ, કોલેજ અને આંગણવાડીઓને બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

 

પશુઓને પણ નુકસાન ન થાય તે માટે જરૂરી જાણકારી અને સૂચનાઓ આપી દેવામાં આવી છે. શું કરવું, શું ન કરવું તેની દરેક માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી છે. અત્યારસુધીમાં સાડા ચાર લાખ માછીમારો અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે.

 

પ્રવાસીઓ અને અન્ય લોકોએ આ બે દિવસ દરમિયાન દરિયા કિનારે જવાનું ટાળવા જણાવાયું છે. દરેક પોર્ટ પર કોસ્ટ ઓફ પોર્ટ એટલે કે બોટોને કિનારેથી દૂર લઇ જવા માટે જણાવી દેવામાં આવ્યું છે. રેલવે સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.