ગણિત ભણાવતા શિક્ષકો જ ઠોઠ,બોર્ડના પેપર ચેકીંગમાં 40 હજારથી વધુ ભૂલો

પેપર તપાસતા શિક્ષકોને ટોટલ જ ના આવડ્યા
By: Monika Vyas   PUBLISHED: Tue, 11 Jun 2019 10:05:19 +0530 | UPDATED: Tue, 25 Jun 2019 15:17:12 +0530

ગાંધીનગર

જો કોઈ તમને કોઈ પૂછે કે 8+6+7ના ટોટલનો જવાબ શું આવે તો તમે કહેશો 21થાય. પરંતુ 10માંના બોર્ડના પેપર તપાસતા કેટલાક શિક્ષકો આ સવાલનો જવાબ 21 આપવાને બદલે 10 આપશે.

 જી હાં, સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ મહિને હજારો રૂપિયાનો પગાર લઈને વિદ્યાર્થીઓનું ભાવી ઘડનારા રાજ્યના કેટલાક શિક્ષકો ગણિતમાં એટલા ઠોઠ છે કે તેમને સાદું ટોટલ મારતા પણ નથી આવડતું.

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GHSEB) દ્વારા ધોરણ 10નું પેપર તપાસતા શિક્ષકોએ મારેલા ટોટલ સરવાળામાંથી 40,000-45,000 જેટલી ભૂલો કાઢી છે. 

ધોરણ 10ના બોર્ડના પરિણામમાં અંદાજિત 4.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.

 હવે એવું સામે આવ્યું છે કે શિક્ષકો પેપરમાં ટોટલની સામાન્ય ગણતરી પણ નહોતા કરી શક્યા. જો કે બોર્ડના સૂત્રોના કહેવા પ્રમાણે પરિણામ જાહેર કરતા પહેલા આ ભૂલોને શોધીને સુધારી દેવામાં આવી હતી. 

3300 જેટલા કિસ્સાઓમાં શિક્ષકો દ્વારા કરાયેલા કુલ ટોટલમાં 10થી વધારે માર્ક્સની ભૂલો હતી.જ્યારે 10થી ઓછા માર્ક્સનો સરવાળો કરવાનો હોય ત્યારે શિક્ષકો દ્વારા કરાતી ભૂલો વધી જાય છે. 

સૌથી ખરાબ બાબત તો એ છે કે આ શિક્ષકો સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવે છે. સૂત્રો મુજબ આ શિક્ષકોએ પેપર તપાસતા સમયે ઉતાવળથી ભૂલ થઈ હોવાનું પણ સ્વીકાર્યું હતું.

GSHSEBમાં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર એમ.એમ પઠાણે કહ્યું કે, પેપર ચેકીંગમાં થતી ભૂલો શિક્ષકોના કામમાં ગંભીર બેદરકારી દર્શાવે છે. તેમણે પોતાના કામમાં વધારે ધ્યાન આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે અંતિમ પરિણામ તૈયાર કરતા સમયે ટોટલ માર્ક્સનું ક્રોસ-ચેકિંગ કરાય છે. જેથી શિક્ષકોની ભૂલોના કારણે વિદ્યાર્થીઓને નુકસાન ન થાય. 

પાછલા વર્ષે GSHSEBએ 2900 શિક્ષકો દ્વારા 10 અથવા વધુ માર્ક્સની ભૂલો શોધી કાઢી હતી.પેપર ચેકીંગ કરતા સમયે શિક્ષક દ્વારા કરાતી પ્રત્યેક 1 માર્કની ભૂલ પર 50 રૂપિયા દંડ કરાય છે. આ પ્રકારની ભૂલો ન થવા માટે રહેલા મધ્યસ્થી અને કો-ઓર્ડીનેટરને તેમની રેન્ક મુજબ પ્રત્યેક માર્ક પર 75-100 રૂપિયા દંડ કરાય છે.

 પાછલા વર્ષે એક શિક્ષકે ગણિતના પેપરમાં ટોટલ 50 માર્ક્સની સામે 80 માર્ક્સ આપ્યા હતા, તેને 15000નો દંડ કરાયો હતો. 2018માં GSHSEB દ્વારા શિક્ષકો પાસેથી 8 લાખ રૂપિયા દંડ તરીકે વસૂલ કરાયા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.