સ્કુલના વિદાય સમારંભના ફોટાએ વિખુટી પડેલી યુવતીને પરિવાર સાથે મેળાપ કરાવ્યો

દિયોદરના બસ ડેપો પર મીનાક્ષી નામની યુવતી આવી ચડી હતી..
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Oct 2018 16:32:23 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 16:32:23 +0530


દિયોદર

આજે જ્યારે મહિલાઓની જાતીય સતામણીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે 20 વર્ષની યુવતી જો પરિવારથી વિખુટી પડી જાય તો કેવી દોડાદોડ થઇ જતી હોય છે તેનો કિસ્સો બનાસકાંઠામાંથી સાંભળવા મળ્યો.

બનાસકાંઠાના દિયોદર બસ ડેપો પર એક 20 વર્ષની માનસિક અસ્વસ્થ યુવતી ભુલી ભટકીને આવી ચડી હતી.માનસિક રીતે અસ્વસ્થ જણાતી આ યુવતીને બસ ડેપો પર આમ તેમ ભટકતી જોઇને એક ડ્રાઇવરને તેની દયા આવી ગઇ હતી.આ  ડ્રાયવરે માનવતાની રાહે બનાસકાંઠા મહિલા હેલ્પલાઇન અભયમ 181ને ફોન કરીને આ યુવતી વિશે જણાવ્યું હતું.

બનાસકાંઠા મહિલા હેલ્પ 181 ટીમના કાઉન્સિલર રંજનબેન ઠાકોર,મહિલા પોલીસ એ એસ આઇ કોકીલાબેન જોષી, અભયમ વાનના પાયલોટ વસનાભાઈ દેસાઈ તાત્કાલિક દિયોદર બસ ડેપો પર પહોંચ્યા હતા.જો કે અભ્યમની આ ટીમ યુવતીને મળી તો હતી પરંતું તેની કોઇ જાણકારી મેળવી શકી નહોતી.યુવતીની માનસિક હાલત એવી હતી કે તે પોતાની ઓળખ આપી શકે તેમ નહોતી.અભ્યમની ટીમે યુવતી પાસે રહેલી થેલીની તપાસ કરતાં તેમાંથી એક ફોટો મળી આવ્યો હતો.

આ ફોટો ભાભર તાલુકના ભિમબોરડી ગામની પ્રાથમીક શાળા  ધોરણ 8નો વિદાય સમારંભનો હતો.આ ફોટાના આધારે ટીમને એટલી તો જાણકારી મળી કે યુવતી ભાભર બાજુની છે.

 અભયમ ટીમ દિયોદરથી ભાભર પોલીસ સ્ટેશનમાં પહોંચી અને યુવતી વિશે માહિતી આપી હતી. ભાભર પોલીસે પણ આ યુવતીના પરિવાર સુધી પહોંચવા અભ્યમ ટીમને મદદ માટે સહકાર આપ્યો હતો.

ભાભર પોલીસ અને અભયમ ટિમ ભીમબોરડી ગામે જઈ સરપંચનો સંપર્ક કરતા સરપંચ યુવતીને ઓળખી જતા તેનું નામ મીનાક્ષીબેન લાલાભાઇ  જાણવા મળ્યું હતું.

પોલિસ અને રેસક્યુ ટીમે મીનાક્ષીના પિતા લાલાભાઈ તેમજ પરિવારને બોલાવી તેને સોંપી હતી.લાલાભાઇનું કહેવું હતું કે મીનાક્ષી અસ્થિર મગજની હોઇ તે ઘર છોડી નીકળી ગઇ હતી.

અસ્થિર મગજ ધરાવતી જવાન દીકરીનું પરિવાર સાથે મિલન કરાવતાં યુવતીના પરિવારજનો તેમજ ગ્રામજનોએ બનાસકાંઠા મહિલા હેલ્પ 181 ટીમનો આભાર માન્યો હતો

   

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.