હુમલાઓના વિરોધમાં દેશભરના લાખો તબીબોની હડતાળ,ઇમરજન્સી સર્વિસ સિવાયની સેવાઓ ઠપ્પ,દર્દીઓ હાલાકીમાં

દર્દીઓના પરિવારો દ્રારા થતા હુમલાઓના વિરોધમાં તબીબો હડતાળમાં જોડાયા હતા.
By: Monika Vyas   PUBLISHED: Mon, 17 Jun 2019 11:53:25 +0530 | UPDATED: Tue, 25 Jun 2019 15:23:24 +0530


અમદાવાદ

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર હુમલાના વિરોધમાં આજે દેશભરના  તબીબો હડતાળ પર ઉતર્યા છે.હડતાળના કારણે સરકારી હોસ્પિટલોની ઇમરજન્સી સર્વિસને બાદ કરતાં તબીબી સેવાઓ ખોરવાઇ હતી જેના કારણે અનેક દર્દીઓ પરેશાનીમાં મુકાયા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે.  ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને (આઈએમએ) કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરો પરના હુમલાના વિરોધમાં ઈમરજન્સી સિવાયની બાકીની તમામ આરોગ્ય સેવા બંધ રહેશે, જેમાં ઓપીડીનો પણ સમાવેશ થાય છે. આ તમામ સેવા સોમવારે સવારે છ વાગ્યાથી મંગળવારે સવારે છ વાગ્યા સુધી 24 કલાક બંધ રહેશે.

આજે દિલ્હી, હરીયાણા, પંજાબ, યુપી, બિહાર, મ.પ્રદેશ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, હિમાચલ, છત્તીસગઢ, કેરળ, તામિલનાડુ અને પ.બંગાળ સહિત તમામ રાજ્યોના ડોકટરોએ આજે સજ્જડ હડતાલ પાડી છે અને ઠેર ઠેર ઉગ્ર દેખાવો, ધરણા અને પ્રદર્શન કર્યા છે. આજે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.

તબીબોના હડતાળની અસર ગુજરાતમાં જોવા મળતી હતી.રાજ્યના 9000 જેટલા ડોક્ટરો તબીબી સેવા આપવાથી અળગા રહ્યાં હતા.અમદાવાદની સિવિલ, સોલા સિવિલ, વીએસ, એલજી અને શારદાબેન જેવી સરકારી હોસ્પિટલોની ઓપીડી ચાલુ રહી હતી. જ્યારે ખાનગી તમામ હોસ્પિટલની ઓપીડી બંધ રહી હતી પણ ઈમરજન્સી સેવા ચાલુ રહેશે.

અમદાવાદ સહિત બીજી કોર્પોરેશનો સંચાલિત હોસ્પિટલોમાં ઇમરજન્સી સર્વિસ ચાલુ હતી જ્યારે બીજી સેવાઓ આપવામાંથી તબીબો દુર રહ્યાં હતા.આ હોસ્પિટલોમાં જુનિયર ડોક્ટરો હડતાળમાં જોડાતા સીનીયર તબીબો અને પ્રોફેસરોને તબીબી સેવા આપવા હાજર રખાયા હતા.

રાજ્યમાં રાજકોટ,વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં તબીબો વહેલી સવારથી હડતાળમાં જોડાયા હતા.રાજકોટની સરકારી હોસ્પિટલમાં તબીબોએ ભેગા થઇને બેનરો સહિત વિરોધ કર્યો હતો.સુરતમાં પણ સીવીલ હોસ્પિટલમાં તબીબોએ સુત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા.સુરતમાં સીવીલ હોસ્પિટલમાં સેવા આપવા તાપી જીલ્લામાંથી તબીબો બોલાવાયા હતા.

 અમદાવાદની સિવિલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે દર્દીનાં હિતને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં ઓપીડી અને સારવાર ચાલુ રખાશે. હોસ્પિટલના જુનિયર ડોક્ટરો હડતાળમાં જોડાવાની હોવાથી સિનિયર ડોક્ટરોની રજા કેન્સલ કરી છે.

કોલકાતાની નીલ રત્ન સરકારી મેડિકલ કોલેજમાં 75 વર્ષના એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયા બાદ તેમના પરિજનોએ ખુબ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરોની પીટાઈ કરી હતી. 

ડોકટરોની માંગણી છે કે, હિંસા પર લગામ મુકવા કડક કાયદો બનાવવાની જરૂર છે, હોસ્પીટલોને સેઈફઝોન જાહેર કરવી જોઈએ તથા સુરક્ષાની જવાબદારી સરકારે લેવી જોઈએ.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.