વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા,નદી કિનારે આવેલા 12 ગામો એલર્ટ પર

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
By: Monika Vyas   PUBLISHED: Fri, 02 Aug 2019 07:41:48 +0530 | UPDATED: Fri, 02 Aug 2019 07:41:48 +0530


અમદાવાદ 

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક રાજ્યમાં 
ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે.

 બીજી બાજુ, ઉપરવાસમાં ભારે અને અતિ ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીનું જળસ્તર નોંધનીય રીતે વધ્યું છે અને હજુ વધુ ભયજનક રીતે વધે તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

અમદાવાદના વાસણા બેરેજના સાત દરવાજા ખોલતા 1500 ક્યુસેક છોડવામાં આવ્યું હતું.બેરેજના દરવાજા ખોલતા પાલડી,વેજલપુર અને વાસણા વિસ્તારમાં પાણી ભરાયા હતા.


અતિભારે વરસાદની આગાહીના પગલે સાબરમતી નદીના કિનારે આવેલા તારાપુરના ૧૨ જેટલા ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 

અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેનાં અધ્યક્ષસ્થાને વરસાદની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક યોજાઇ હતી વરસાદની અગાહીને લઈ નીચાણવાળા વિસ્તારો, ડેમની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. આગામી સમયથી ભારે વરસાદ શક્યતાને ધ્યાને રાખીને અમદાવાદ અને ગાંધીનગર માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.

બીજી બાજુ, ધરોઇ ડેમમાં ભારે વરસાદના કારણે ૫૦ હજાર કયુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે.

 
 ભારે વરસાદને કારણે વટામણ-સાબરમતી પુલનો ટ્રાફિકનો રૂટ બદલવામાં આવ્યો છે. વડોદરા તરફથી આવનાર ટ્રાફિકનો રૂટ તારાપુર થઇ માતર- ખેડા -ધોળકા તરફ બદલવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર, સૌરાષ્ટ્ર તરફથી આવનાર ટ્રાફિકનો રૂટ વટામણ-ધોળકા-ખેડા-માતર-તારાપુર તરફ બદલવામાં આવ્યો છે. આમ, હવે સાબરમતી નદીમાં પાણી વધવાની શકયતાને જોતા તંત્ર તમામ રીતે તકેદારી અને એલર્ટ મોડ પર આવી ગયું છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.