ભાજપના 16,કૉંગ્રેસના 4 ધારાસભ્યો સામે પણ લટકતી તલવાર

કોંગ્રેસના ચાર ધારાસભ્યો સામે પણ અરજીઓ
By: admin   PUBLISHED: Sat, 13 Apr 2019 14:02:22 +0530 | UPDATED: Mon, 15 Apr 2019 22:04:53 +0530

અમદાબાદ,

રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ ચરમસીમાએ છે ત્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીઓની લઈને પણ ધમાસણ શરૂ થયું છે.ગુજરાત હાઇકોર્ટે દ્વારકા વિધાનસભામાં જીતેલા ભાજપના પબુભા માણેકની ચૂંટણી રદ કરતા તેમણે ધારાસભ્ય પદ ગુમાવ્યું છે.

જોવાની વાત એ છે કે દ્વારકા સિવાય બીજી 16 બેઠકો પર પણ કાયદાકીય લડાઈ ચાલી રહી છે, જેમાં ભાજપના 16 અને કોંગ્રેસના 4 ધારાસભ્યો પર તલવાર લટકી રહી છે.

ગુજરાત હાઈકોર્ટમાં વિધાનસભા ચૂંટણીના મામલે 24 પિટિશનો થઈ હતી, જેમાંથી 17 ભાજપના જ્યારે ચાર કોંગ્રેસના ધારાસભ્યો સામે થઈ છે.

ભાજપના સૌથી સિનિયર નેતા ગણાતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા બેઠક પર થયેલી જીતને પડકારતી પિટિશન પર ચુકાદો ગમે ત્યારે આવી શકે છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માંડ 327 મતોથી જીત્યા છે. તેમની જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ કેસની સુનાવણીમાં મત ગણતરીમાં ચૂંટણી પંચના નિયમોનો ભંગ થયો હોવાનું નોંધીને રાજસ્થાન કેડરના આઈએએસ વિનિતા બોહરા તેમજ ધોળકા બેઠકના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો છે.

ભાજપના મંત્રી સૌરભ પટેલ સામે પણ ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઈ છે.ઊર્જા મંત્રી સૌરભ પટેલ બોટાદ બેઠકથી માંડ 906 મતોથી જીત્યા હતા. તેમની જીતને કોંગ્રેસના ઉમેદવાર ડીએમ પટેલે હાઈકોર્ટમાં પડકારી છે. અરજકર્તાનો આક્ષેપ છે કે રિટર્નિંગ ઓફિસરે મત ગણતરીમાં ગેરરીતિ આચરી છે. આ પિટિશન હાલ પેન્ડિંગ છે અને એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુનાવણી પર આવે તેવી શક્યતા છે.

 

ભાજપના ધારાસભ્ય બાબુ બોખિરિયાની પોરબંદર બેઠક પર થયેલી જીતને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કોર્ટમાં પડકારી છે. બોખિરિયા આ ચૂંટણી 1855 મતોથી જીત્યા હતા. મોઢવાડિયાએ ઈવીએમમાં પડેલા વોટની ગણતરી પર શંકા વ્યક્ત કરી VVPAT સ્લીપની ગણતરી કરવા માગ કરી હતી.

સુરતની લિંબાયત બેઠક પરથી બીજી વાર ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલ અને વરાછા બેઠકના ધારાસભ્ય કિશોર કાનાણી સામે પણ હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. પૂર્વ આઈપીએસ ઓફિસર અને હવે વકીલાતની પ્રેક્ટિસ કરી રહેલા રાહુલ શર્મા મારફતે કોંગ્રેસના ઉમેદવારોએ 10 જેટલી પિટિશનો ફાઈલ કરી છે. કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે પણ ડભોઈ બેઠકના પરિણામને કોર્ટમાં પડકારતા ભાજપના શૈલેષ મહેતા સામે પિટિશન કરી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સીકે રાઉલજી સામે પણ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પરમારે પિટિશન કરી છે.

કોંગ્રેસના ચાર ધારાસભ્યો સામે પણ અરજીઓ

કોંગ્રેસના દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેશ પરમાર, ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય સીજે ચાવડા, પાટણના કિરિટ પટેલ અને વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સામે પણ કોર્ટમાં પિટિશનો થઈ છે. આ તમામ પિટિશન તેમની સામે અપક્ષ ચૂંટણી લડેલા ઉમેદવારોએ કરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.