પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવા પર પ્રતિબંધ

કાયદો હાથમાં લેનાર પોલીસ અધિકારીની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સરકાર તરફથી પણ હાઇકોર્ટને ખાતરી
By: admin   PUBLISHED: Tue, 07 May 2019 23:31:57 +0530 | UPDATED: Tue, 07 May 2019 23:31:57 +0530

કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહીની તાકીદ

લોકો સાથે દાદાગીરી કે લુખ્ખાગીરી કરનાર અથવા યુવતીઓ કે મહિલાઓની છેડતી કરનાર લુખ્ખા આરોપીઓને ઘણીવાર પોલીસ સમાજમાં દાખલો બેસાડવાના ઉમદા આશય સાથે આરોપીઓને જાહેરમાં કાન પકડાવી, માફી મંગાવી સરઘસ કાઢતી હોય છે કે કુકડો બનાવતી હોય છે પરંતુ હવે પોલીસ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર ગુજરાત હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે આજે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવા સહિતની કાર્યવાહી કરનાર સામે પગલાં લેવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જેની સામે સરકાર તરફથી પણ હાઇકોર્ટને ખાતરી આપી હતી કે કાયદાને હાથમાં લેનાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ રહી છે. સરકારે હાઈકોર્ટને વિશ્વાસ અપાવતાં જણાવ્યું કે, કાયદાને હાથમાં લેનારા પોલીસ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ રહી છે.

રાજયમાં આવા જુદા જુદા ૧૦ કેસ સામે આવ્યા છે. તમામ સામે પગલાં લેવાયા છે અને તેની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી છે. સરકાર આરોપીઓ સામે જાહેરમાં કરવામાં આવતી અપમાનજનક કાર્યવાહી સામે સર્ક્યુલર બહાર પાડશે. જેમાં કોઈપણ પ્રકારે જાહેરમાં આરોપીઓના સરઘસ કાઢવા સામે થનારી કાર્યવાહીને જાહેર કરશે એમ પણ સરકારે સ્પષ્ટ કર્યું હતું.

ઉપરોકત નિર્દેશો અને સરકારની બાંહેધરી ધ્યાનમાં લીધા બાદ પોલીસ દ્વારા સરઘસ કાઢવાના વલણને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આ હુકમને પગલે પોલીસ આરોપીઓનું જાહેરમાં દોરડે બાંધીને સરઘસ કાઢવું, ઉઠકબેઠક કરાવવી, જાહેરમાં માર મારવો સહિતની અપમાનજનક કાર્યવાહી કરી શકશે નહીં. હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.