દિવાળીના તહેવારોમાં ફુલોના ભાવો આસમાને પહોંચ્યા

દિવાળીમાં ફુલોના ભાવોમાં 40 ટકાનો ઉછાળો
By: Monika Vyas   PUBLISHED: Tue, 06 Nov 2018 16:37:20 +0530 | UPDATED: Tue, 06 Nov 2018 16:37:20 +0530


અમદાવાદ 

દિવાળીનો તહેવાર આવતા જ અમદાવાદ શહેરના વિવિધ બજારોમાં તેમાંય ખાસ કરીને ફુલ બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. જેના કારણે શહેરના ફુલ બજારમાં ગુલાબ, ગોટા, હજારીગલ અને સેવંતી જેવા ફુલના ભાવમાં ઉછાળો આવ્યો છે.

આવતીકાલે બુધવારે દિવાળીનો તહેવાર સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઉજવવામાં આવનાર છે. ઘર સજાવટ માટે ગૃહિણીઓ દર વર્ષે નીત નવા નુસખાઓ અજમાવે છે. આ સજાવટનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર અવનવા ફુલો બનતા હોય છે. એટલે દિવાળી આવતાની સાથે જ શહેરના ફુલ બજારમાં તેજી જોવા મળી છે. જેના કારણે ફુલોના ભાવ આસમાને પહોંચ્યા છે.

હાલના ભાવની વાત કરીએ તો હજારીગલ ફુલ ૧૦૦થી ૧૧૦ રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. જ્યારે ગુલાબનો ભાવ પ્રતિ નંગ ૧૦થી ૩૦ રૂપિયા સુધીનો છે. અગાઉ ફુલ બજારમાં ૨૦ કિલો ગલગોટાનો ભાવ ૨૫૦ રૂપિયા હતો જે વધીને ૫૫૦-૬૦૦ થઈ ગયો છે. જ્યારે છુટકમાં ગલગોટા ૯૦થી ૧૧૦ રૂપિયે પ્રતિકિલો વેચાઈ રહ્યા છે. ગૃહ સજાવટમાં મુખ્યત્વે ગલગોટાનો ઉપયોગ થતો હોય છે. જેથી તેની માંગ પણ વધી છે. તેની સાથે દેશી ગુલાબના ભાવ પણ બમણા થયા છે.

એક અઠવાડીયા પહેલા ૭૦થી ૮૦ રૂપિયા દેશીગુલાબનો જથ્થાબંધ ભાવ હતો તે હાલ વધીને ૧૩૦થી ૧૭૦ રૂપિયા પ્રતિકિલો થયો છે. ત્યારે સેવંતી ફુલ પણ બજારમાં ૧૦૦ રૂપિયાના ભાવે પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, અંદાજે ૧૦થી ૧૨ હજાર કિલો ફુલોનો સ્ટોક કરવામાં આવ્યો છે જાકે આ સ્ટોક પણ દિવાળી પર ખુટી પડે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે, દિવાળીના પર્વ પર ઘરની સજાવટમાં ફુલોનો વપરાશ થાય છે. તેની સાથે-સાથે દિવાળીના દરેક દિવસે થતી અલગ અલગ પુજનવીધિઓ માટે પણ ફુલોની માંગ રહે છે. તો બીજી બાજુ શુભેચ્છા બુકેનું ચલણ પણ વધ્યું છે. બુકે બનાવવા માટે મોટાભાગે વિદેશી ફુલો જેવા કે, ઓરચીડ, પેરેડાઈઝ, જરબેરાનો ઉપયોગ થાય છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.