જીઆઇડીસીમાં બાળમજૂરી કરતા બારને મુક્ત કરાવાયા

આરોપી ફેક્ટરી માલિક સામે ગુનો નોંધાયો
By: admin   PUBLISHED: Mon, 09 Dec 2019 20:22:33 +0530 | UPDATED: Mon, 09 Dec 2019 20:22:33 +0530

જિલ્લા બાળ સુરક્ષા એકમે બાતમીના આધાર ઉપર તપાસ કરતા ભાંડો ફૂટયો : નાના છોકરા-છોકરી કામો પર હતા

  અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેવાડે આવેલા ગામમાં રહેતા સગીર અને સગીરાઓને નોકરીએ રાખી તેમની પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાના કૌભાંડનો પોલીસે આજે પર્દાફાશ કર્યો હતો. વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નાની ઉંમરના સાત છોકરા અને ૫ાંચ છોકરીઓ એમ મળી કુલ ૧૨ લોકોને પોલીસ અને બાળ સુરક્ષા એકમે છોડાવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં, પોલીસે ફેક્ટરીના માલિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓએ ગઈકાલે બાતમીના આધારે વટવા જીઆઈડીસી ફેઝ ૪ માં પ્લોટ નંબર - ૪૦૦૨માં આવેલા ઉમિયા સર્જિકલ પ્રા. લિમાં પેકિંગ વિભાગમાં તપાસ કરી હતી. જેમાં ૭ છોકરા અને ૫ છોકરીઓ નાની ઉંમરના જણાઈ આવ્યા હતા. પોલીસ અને અધિકારીઓએ તેમના આધાર કાર્ડની તપાસ કરતા તમામ ૧૫થી ૧૭ વર્ષની આસપાસના હતા.

તમામ ૧૨ છોકરાઓ સગીર વયના દસ્ક્રોઈના ત્રિકમપુરા, હાથીજણ, ગેરતપુર અને મૂંજીપુર ગામના રહેવાસી છે. ૧૮ વર્ષથી નીચેના બાળકો પાસે કામ કરાવી અને બાળ મજૂરી કરાવવા બદલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ ફેક્ટરીના માલિક કીર્તિ જે. પટેલ સામે ફરિયાદ આપતા વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવને પગલે વટવા  જીઆઇડીસી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.