પૂર્વ ધારાસભ્ય હનુભા પણ આખરે ભાજપમાં ઇન થયા

હું કોઇપણ શરત અને લાલચ વિના ભાજપમાં જોડાયો છું હનુભાઈ અનેક સામાજિક સેવાઓમાં સક્રિય છે : વાઘાણી
By: admin   PUBLISHED: Fri, 15 Mar 2019 00:23:35 +0530 | UPDATED: Fri, 15 Mar 2019 00:23:35 +0530

વિપક્ષી નેતા ધાનાણીના અમરેલીના ગઢમાં ગાબડું

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં પક્ષ પલ્ટાની મોસમ ખીલી હોય તેમ એક પછી એક દિગ્ગજ નેતા પક્ષપલ્ટો કરી રહ્યા છે. અમરેલીના લાઠી વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુભા ધોરાજીયા આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. હનુભાની ભાજપમાં એન્ટ્રી થતા ધાનાણીના ગઢમાં ગાબડુ પડ્‌યું છે. અગાઉ તેઓ ભાજપમાં હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા. હવે ફરી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, વરિષ્ઠ ધારાસભ્ય વલ્લભ કાકડિયા, પ્રવકતા ભરત પંડયા સહિતના આગેવાનોની હાજરીમાં લાઠી વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુભા ધોરાજીયાએ ભાજપમાં આજે વિધિવત્‌ પ્રવેશ મેળવ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ હનુભાને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવી તેમને પક્ષમાં આવકાર આપ્યો હતો. 

ભાજપમાં જોડાયા બાદ હનુભા ધોરાજીયાએ જણાવ્યું હતું કે, હું કોઇપણ શરત અને લાલચ વિના ભાજપમાં જોડાયો છું. અગાઉ હું હાર્દિકનો સમર્થક હતો પરંતુ બાદમાં મને ખબર પડી કે, હાર્દિક કોંગ્રેસનું જ કામ કરી રહ્યું છે. તે પાટીદારોના બદલે કોંગ્રેસનું જ કામ કરી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ પણ હનુભાએ લગાવ્યા હતા. બીજીબાજુ, જૂનાગઢ કોંગ્રેસમાં પણ ત્યાંનું નારાજ સ્થાનિક જૂથ આવતીકાલે ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ આજે જોર પકડયું હતું. જેને લઇ રાજકારણ ગરમાયું હતું.

ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાન નુભાઈ ધોરાજીયાને વિધિવતરીતે ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કરતા જણાવ્યું હતું કે, હનુભાઈ ધોરાજીયા પાટીદાર સમાજના વરિષ્ઠ અગ્રણી અને સામાજિક આગેવાન છે. વર્ષોથી તેઓ અનેક પ્રકારની સામાજિક સેવાક્રિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. સમગ્ર અણરેલી જિલ્લામાં તેઓ ખુબ મોટી લોકચાહના ધરાવે છે. પાટીદાર સમાજના ભામાશા તરીકે ઓળખાતા હનુભા ધોરાજીયો સુરતના હિરાઉદ્યોગમાં પણ ખુબ મોટી નામના ધરાવે છે. તેઓના ભાજપમાં જોડાવાથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, સમાજ પ્રત્યેની લાગણીથી તેઓ એક સમયે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયા હતા અને તેઓએ તન-મન-ધનથી કહેવાતા આંદોલનકારીઓને મદદ કરી હતી, પરંતુ રાજકીય રોટલા શેકવા માટે સમાજના નામે આંદોલન કરનારાઓના અસલી ચહેરા ખુલ્લા પડતા સમાજને છેતરનારાઓનો સાથ છોડી તેઓ આજે ભાજપ સાથે જોડાયા છે. સમગ્ર ગુજરાત ભાજપ સંગઠન વતી હનુભાઈનું ભાજપમાં હૃદયપૂર્વક સ્વાગત કરુ છું.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.