ચૂંટણી : કોંગ્રેસમાં ઉમદેવાર પસંદગીની કવાયત વધુ તીવ્ર

રાહુલની ગુજરાતના ચારેય ઝોનમાં બે-બે સભાઓ : રાહુલ ઉપરાંત પ્રિયંકા, સોનિયા સહિતના સ્ટાર પ્રચારકો આવશે
By: admin   PUBLISHED: Fri, 15 Mar 2019 00:03:18 +0530 | UPDATED: Fri, 15 Mar 2019 00:03:18 +0530

ગુજરાતમાં ૧૦ સભા કરવા રાહુલ ગાંધી તૈયાર

લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ બનાવાઇ છે. નીરીક્ષકોની પેનલ સહિત વિવિધ સમિતિઓ દ્વારા આ અંગેની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે. બીજીબાજુ, લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી ગુજરાતમાં દસ જાહેરસભા સંબોધશે. લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારની પ્રક્રિયા પણ બહુ આયોજનબધ્ધ રીતે હાથ ધરાઇ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચારના ભાગરૂપે દસ જાહેરસભા સંબોધશે અને રોડ-શો પણ કરશે.

ગુજરાતના ચારેય ઝોનમાં રાહુલ ગાંધીની બે-બે જાહેરસભા યોજાશે. રાહુલ ઉપરાંત, પ્રિયકાં, સોનિયા ગાંધી સહિતના સ્ટાર પ્રચારકો પણ ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવશે. દરમ્યાન આજે પાસના યુવા નેતા અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ માટેનું પાંચ રૂપિયાનું ફોર્મ ભરીને પાર્ટીમાં વિધિવત્‌ પ્રવેશ મેળવ્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ આ પ્રસંગે હાર્દિક પટેલને પક્ષમાં આવકાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ કોઇપણ શરત વિના કોંગ્રેસમાં જોડાયા છે અને સભ્ય તરીકે કામ કરવા તૈયાર છે. લોકસભા ચૂંટણીમાં તેમની ભૂમિકા મહત્વની બની રહેશે. હવે કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને કયાંથી લોકસભા ટિકિટ અપાય છે અને ચૂંટણી જંગમાં કોની સામે ઉતારાય છે તે જોવાનું મહત્વનું બની રહેશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજયની ૨૬ લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગી માટે બહુ મહત્વની કવાયત હાથ ધરાઇ છે, જેમાં શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની બેઠકોને લઇ ખાસ કરીને મતદારોનો મિજાજ, ઉમેદવારની લોકપ્રિયતા, તેના જીતવાની સંભાવના-ચાન્સીસ સહિતના સઘળા પાસાઓ ધ્યાનમાં લઇ દરેક બેઠક દીઠ ત્રણ-ત્રણ ઉમેદવારોના નામની પેનલ તૈયાર થઇ રહી છે.

જો કે, સાત બેઠક કોંગ્રેસ દ્વારા તેના ચાલુ ધારાસભ્યોને ઉતારાય તેવી શકયતા છે. બીજીબાજુ, ચારેક બેઠકો એવી છે કે, જેની પર કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીયે નિર્ણય લેવાની ગણતરીમાં છે. લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદથી ભાજપ અને કોંગ્રેસ બંને ગુજરાતમાં સંપૂર્ણ તાકાત લગાવી ચુક્યા છે. હવે ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ગુજરાત કોંગી નેતાની દિલ્હી તરફ કૂચ.......

લોકસભાની ચૂંટણીને લઇ વિવિધ બેઠકો પર ઉમેદવારોના નામની પેનલ અને તેની પર પસંદગીને લઇ કોંગ્રેસ હાઇકમાન્ડની મંજૂરી અને અધિકૃત મહોર મેળવવાના ઇરાદાથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ આજે સાંજે દિલ્હી જવા રવાના થયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ દિલ્હી ખાતે કોંગી હાઇકમાન્ડની મુલાકાતે પહોંચ્યા છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા લોકસભા બેઠકોને લઇ ઉમેદવારોના નામોની ચર્ચા અને પસંદગીની કવાયત કોંગી હાઇકમાન્ડ સાથે હાથ ધરવામાં આવશે, જેમાં ૨૨ બેઠકોના ઉમેદવાર અંગે પસંદગીની મહોર મરાય તેવી શકયતા છે. વળી, આવતીકાલે તા.૧૫મી માર્ચ અને તેના બીજા દિવસે ૧૬ માર્ચ એમ બે દિવસ દરમ્યાન દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની મહત્વની બેઠક મળનાર છે, તેમાં ઉમેદવારોની પસંદગીનું ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેવી શકયતા છે અને ત્યારબાદ ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત થાય તેવું મનાઇ રહ્યું છે. ઉમેદવારોના નામોને લઇ ગુજરાત કોંગ્રેસમાં પણ ભારે ઉત્સુકતા અને ઇન્તેજારીનો માહોલ છવાયો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.