પૂર્વોતરના રાજ્યોમાં હજુ સ્ફોટક સ્થિતી : સઘન સલામતી વ્યવસ્થા

આસામમાં સંચારબંધીમાં રાહત, સેનાના જવાનો ગોઠવાયા
By: admin   PUBLISHED: Sat, 14 Dec 2019 14:41:04 +0530 | UPDATED: Sat, 14 Dec 2019 14:41:04 +0530

આસામ, મેઘાલય, ત્રિપુરા અને બંગાળમાં હિંસક વિરોધ પ્રદર્શન : કોહિમામાં છ કલાકના બંધની શરૂઆત : પૂર્વોતર રાજ્યોમાં સ્કુલ અને કોલેજ હજુ બંધ

નાગરિક સુધારા બિલ પાસ કરવામાં આવ્યા બાદ પૂર્વાંતરના રાજ્યોમાં સ્થિતી સતત વણસી રહી છે. સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હોવા છતાં તંગ સ્થિતી બનેલી છે. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવા છતાં હિંસક પ્રદર્શન જારી છે. સંચારબંધી હોવા છતાં તેના ભંગ કરીને દેખાવો કરનાર લોકો પોલીસ સાથે તથા સુરક્ષા દળો સાથે હિંસક પ્રદર્શનમાં ઉતરી રહ્યા છે.

બંગાળમાં પણ હવે વિરોધ પ્રદર્શન તીવ્ર બનતા જનજીવન પર અસર થઇ રહી છે. આસામના પાટનગર ગુવાહાટીમાં સેના અને આસામ રાઇફલ્સની આઠ ટીમો તૈનાત કરવામાં આવી છે.  ગુવાહાટીમાં સચારબંધી આજે હળવી કરવામાં આવી છે. કોહિમાં પણ બંધની હાકલ કરવામાં આવી છે. છ કલાકના બંધની શરૂઆત થયા બાદ સુરક્ષા મજબુત કરવામાં આવી છે. 

આસામના ૧૦ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ ત્રિપુરામાં પણ હાલત કફોડી બની રહી છે. ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન જારી છે. આસામ રાઇફલ્સના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. આસામ રાઇફલની એક એક ટુકડીને ત્રિપુરાના કંચનપુરા અને મનુમાં તૈનાત કરવામાં આવી છે. પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આસામમાં તો કેટલીક ફ્લાઇટો રદ કરવામાં આવી છે.

નાગરિક સુધારા બિલને લઇને દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન અને હિંસા જારી છે. આસામમાં સૌથી વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ છે. પ્રદર્શન વધુ તીવ્ર બનતા અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. સેનાને પણ બોલાવવાની ફરજ પડી છે.જારહાટ, ગોલાઘાટ, ડિબ્રુગઢ, તીનસુકિયા, શિવસાગર, સોનીતપુર સહિતના વિસ્તારોમાં લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા છે.  આસામ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે. ડિબ્રુગઢમાં સ્થિતિ વણસી ગઇ છે.

પોલીસે દેખાવકારો ઉપર રબરની ગોળીઓ ચલાવી હતી. લાઠીચાર્જ પણ કર્યો હતો. દરમિયાન કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવેલા અર્ધલશ્કરી દળના જવાનોને પરત બોલાવવાની શરૂઆત કરી દીધી છે. આ જવાનોને આસામ મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તૈનાત રહેલી સીઆરપીએફની ૧૦ કંપનીઓને આસામ મોકલી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાંથી ૨૦ કંપનીઓને આસામ મોકલવાનો નિર્ણય કરાયો છે.આસામમાં હિંસા વચ્ચે પોલીસ અધિકારીઓની બદલીઓનો દોર પણ શરૂ થયો છે. પોલીસ કમિશનરને દૂર કરવામાં આવ્યા છે. .

ગુવાહાટીમાં પોલીસ કમિશનર દિપકકુમારને દૂર કરવામાં આવ્યાછે તેમની જગ્યાએ મુન્નાપ્રસાદ ગુવાહાટીના નવા પોલીસ કમિશનર બન્યા છે. બીજી બાજુ આસામના એડિશનલ પોલીસ મહાનિર્દેશક મુકેશ અગ્રવાલને એડીજીપી (સીઆઈડી) તરીકે બદલી દેવામાં આવ્યા છે. ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મુકાયો છે. પોલીસને ગોળીબાર કરવાની પણ ફરજ પડી હતી.  હિંસા અને દેખાવો દરમિયાન ભાજપના નેતાઓના આવાસ ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. ભાજપ અને આસામ ગણ પરિષદના નેતાઓના આવાસ પર હુમલા કરાયા હતા.  આસામમાં તો તમામ સ્કુલ અને કોલેજાને ૨૨મી ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી હોવા છતાં તેની અસર દેખાઇ નથી. પોલીસ અને સેનાના જવાનોની તૈનાતી હોવા છતાં પણ સંચારબંધીનો સતત ભંગ કરવામાં આવી રહ્યો છે. દેખાવકારોએ ગઇકાલે મોડી રાત્રે યાત્રીઓથી ભરેલી એક ટ્રેનને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આસામમાં હિંસામાં બે લોકોના મોત થઇ ચુક્યા છે. અન્ય નવ લોકો ઘાયલ થયા છે. ડિબરૂગઢમાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે. મેગાલયમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે. મેગાલય અને આસામમાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. દરમિયાન આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યુ છે કે

રાજ્યમાં હિંસામાં ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન અને અન્ય સ્થાનિક સંગઠનોની સંડોવણી છે. મેંઘાલય અને આસામના કેટલાક ભાગોમાં સંચારબંધી જારી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની અપીલ બાદ ત્રિપુરામાં દેખાવો ખતમ થઇ ગયા છે પરંતુ ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે.  નાગરિક સુધારા બિલને લઇને જારી વિરોધ પ્રદર્શન અને વ્યાપક હિંસા વચ્ચે કાનુન અને વ્યવસ્થાની સ્થિતી વણસી રહી છે ત્યારે સ્થિતીને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. સ્થિતીને કાબુમાં લેવા માટે સૈનાની બે ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે..

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.