કેનેડા મોકલવા માટેની લાલચ આપી ૧૨.૫૦ લાખની ઠગાઈ

પિતા-પુત્ર સહિત ત્રણ જણાં સામે ફરિયાદ
By: admin   PUBLISHED: Tue, 07 May 2019 23:30:45 +0530 | UPDATED: Tue, 07 May 2019 23:30:45 +0530

ઉત્તરપ્રદેશમાં રહેતા પિતા-પુત્ર સહિત ત્રણ જણાંએ કેનેડા મોકલવાના બહાને ટુકડે ટુકડે ૧૨.૫૦ લાખ ખંખેરી લીધા

શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક બેકાર યુવકને કેનેડા વર્ક પરમિટ પર લઇ જવાનું સપનું બતાવીને ૧ર.પ૦ લાખ ખંખેરી લેતાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કેનેડા લઇ જવાના બહાને યુવક પાસેથી ત્રણ લોકોએ અલગ અલગ તબક્કે રૂપિયા પડાવ્યાં હતાં. વિદેશ જવા ઇચ્છતા યુવકો અને લોકો માટે આવા લેભાગુ તત્વોથી ચેતવા જેવો આ કિસ્સો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા વિમલ સૂર્યકાંતભાઇ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધમાં ચીટિંગની ફરિયાદ નોંધાવતાં હવે પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ આરંભી છે.

ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે, વિમલ પટેલ વર્ષ ર૦૧૮માં ઉતરપ્રદેશના વૃંદાવન ખાતે રહેતી તેમની બહેન વર્ષાબહેનને મળવા માટે ગયા હતાં. વર્ષાબહેનનાં ઘરે ગૌરવ અને તેના પિતા અનિલભાઇ ભાડેથી રહેતા હતા અને વિદેશમાં વર્ક પરમિટ અને વિઝા અપાવવાનું કામકાજ કરતા હતા. વિમલભાઇનો સિરામિકનો ધંધો બંધ થઇ ગયો હોવાથી તે બેકાર હતાં, જેથી તેમણે વિદેશમાં વર્ક પરમિટ પર જવાનો પ્લાન બનાવ્યો હતો અને ગૌરવ તેમજ અનિલભાઇને મળ્યાં હતાં. બન્ને જણાએ ચાર મહિનામાં વિઝા અપાવી દેવાનું કહીને વિમલભાઇને વિશ્વાસમાં લીધા હતા.

વિમલભાઇએ કેનેડા જવા માટે તમામ ડોક્યુમેન્ટ અનિલભાઇ અને ગૌરવને આપ્યા હતા. કેનેડા માટેની ફાઇલનું કામ ઉજ્જવલભાઇ કરતા હોવાથી ગૌરવે તેમનો પરિચય વિમલભાઇ સાથે કરાવ્યો હતો. વિમલભાઇએ અલગ અલગ સમય પર રૂ.૧ર.પ૦ લાખ રૂપિયા ગૌરવ, અનિલભાઇ તેમજ ઉજ્જવલને આપ્યા હતા. કેનેડાની ફાઇલ તૈયાર નહીં થતાં વિમલભાઇએ રૂપિયા પરત માગ્યા હતા, જોકે તેમણે આપવાનો ઇનકાર કરી દેતાં ગઇકાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધમાં ચીટિંગની ફરિયાદ કરી છે. ગૌરવ અને અનિલભાઇ તેમજ ઉજ્જવલ મહારાષ્ટ્રનાં રહેવાસી છે. પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ લોકો વિરુદ્ધમાં ચીટિંગની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે, આ બનાવને પગલે વિદેશ જવા ઇચ્છતા અન્ય યુવક-યુવતી સહિતના નાગરકો માટે આ કિસ્સો બોધપાઠ સમાન કહી શકાય.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.