નાના વેપારીને રાહત: જીએસટી માટે મુક્તિ મર્યાદા ૪૦ લાખ થઈ

૪૦ લાખ સુધી ટર્નઓવર ધરાવનારને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ
By: admin   PUBLISHED: Thu, 10 Jan 2019 23:49:58 +0530 | UPDATED: Thu, 10 Jan 2019 23:49:58 +0530

દેશના પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની કંપનીઓ માટે જીએસટી રજિસ્ટ્રેશનની રાહતની મર્યાદા ૨૦ લાખ કરી : કમ્પોઝિશન સ્કીમને લઇ મહત્વપૂર્ણ નિર્ણય

નાના કારોબારીઓને ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે આજે મોટી રાહત આપી હતી. નવેસરના નિર્ણય મુજબ હવે ૪૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળી ગઈ છે. પહેલા આ મર્યાદા ૨૦ લાખ રૂપિયાની હતી. આવી જ રીતે જીએસટી કાઉન્સિલે પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની કંપનીઓ માટે જીએસટી રજિસ્ટ્રેશન માટે છુટછાટની મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી બે ગણી કરીને ૨૦ લાખ કરી દીધી છે.

જેટલીએ કહ્યું હતું કે, પહેલા ૨૦ લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા ઉદ્યોગોને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છુટછાટ મળી ગઈ હતી. હવે ઉત્તરપૂર્વીય અને પહાડી રાજ્યો માટે છુટછાટની મર્યાદા ૧૦ લાખ રૂપિયા હતી પરંતુ નાના રાજ્યોએ પોતાના કાયદા બનાવી લીધા છેઅને આ મર્યાદા ૨૦ લાખ રૂપિયા કરી હતી. અમે આમા બે ગણો કરવેરો ક્રમશઃ ૪૦ લાખ અને ૨૦ લાખ રૂપિયા કરી રહ્યા છે.

એટલે કે બાકી ભારતમાં સ્લેબ ૨૦ લાખ રૂપિયાને વધારીને ૪૦ લાખ રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે ઉત્તર પૂર્વીય અને પહાડી રાજ્યો માટે ૨૦ લાખ રૂપિયાના ટર્નઓવરવાળી કંપનીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. ઉત્તરપૂર્વીય અને પહાડી રાજ્યોને આ લિમિટને વધારવા અને ઘટાડવાની મંજુરી આપવામાં આવી છે.

જેટલીએ માહિતી આપતા કહ્યું હતું કે, જીએસટી છુટછાટની મર્યાદા વધારી દેવાથી નાના કારોબારીઓને કાયદાકીય ગુંચવણમાંથી મુક્તિ મળી જશે પરંતુ ટેક્સ ચોરીની ઘટનાઓમાં વધારો થવાની શંકા પણ ઉભી થઇ ગઇ છે. કારણ કે, કેટલાક ઉદ્યોગો ટેક્સ વિભાગની નજરમાંથી બચી જશે. પહેલા પ્રસ્તાવને એવી દલીલ સાથે ફગાવી દેવામાં આવી હતી કે, તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે. કાઉન્સિલની બેઠકમાં જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છુટછાટ, કમ્પોઝિશન સ્કીમ અને કેરળ હોનારત માટે સેસ લાગૂ કરવા સહિત અનેક પગલા લેવામાં આવ્યા હતા.

જેટલીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, હવે કમ્પોઝિશન સ્કીમની મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારીને દોઢ કરોડ રૂપિયા કરવામાં આવી છે. આનો મતલબ એ થયો કે, હવે જે કંપનીઓના વાર્ષિક ટર્નઓવર ૧.૫ કરોડ રૂપિયા સુધી છે તે કંપનીઓને લાભ લેવાની તક રહેશે. કાઉન્સિલે કમ્પોઝિશન સ્કીમની પસંદગી કરનાર કંપનીઓને રિટર્ન ભરવામાં પણ રાહત આપી છે. કમ્પોઝિશન સ્કીમમાં જનારને ટેક્સ દર ત્રીજા મહિનામાં આપવા પડશે પરંતુ રિટર્ન વર્ષમાં એક વખત ફરી શકાશે.

કમ્પોઝિશન સ્કીમ સાથે જોડાયેલા બંને નિર્ણય નવા નાણાંકીય વર્ષની પ્રથમ તારીખ એટલે કે પહેલી એપ્રિલ ૨૦૧૯થી લાગૂ થશે. કેન્દ્રીય નાણારાજ્યમંત્રી શિવપ્રસાદ શુક્લાના નેતૃત્વમાં એક મંત્રીમંડળની સમિતિએ ૫૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળી સેવા આપતી કંપનીઓ માટે કમ્પોઝિશન સ્કીમને સરળ બનાવવાની દરખાસ્ત મુકી હતી જે હેઠળ પાંચ ટકા લેવી અને સરળ રિટર્નની ભલામણ કરવામાં આવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.