કોંગ્રેસમાં ભૂકંપ : ૨ મહિનામાં ૫ ધારાસભ્યોની ટપોટપ વિકેટ પડી ગઈ

બાવળિયાને મળેલા પદ બાદ કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટો પડવાની શરૂઆત થઈ હતી
By: admin   PUBLISHED: Wed, 10 Apr 2019 23:30:24 +0530 | UPDATED: Wed, 10 Apr 2019 23:30:24 +0530

અમદાવાદ

૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ખૂબ ઓછી સરસાઈથી ચૂંટણી જીતી હતી. પણ હવે ભાજપ કોંગ્રેસના કારણે મજબૂત બની રહ્યું છે. ધીમે ધીમે કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ પડી રહી છે અને અનુભવી કદાવર નેતાઓ ભાજપમાં જોડાવા લાગ્યા છે. આખરે વાતો અને અટકળો વચ્ચે કોંગ્રેસના આધારભૂત એવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ રાજીનામું આપી દીધું છે. જો કે અલ્પેશે એ વાત સ્પષ્ટ કહી છે કે તેઓ કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં નહીં જોડાય માત્ર ગરીબોના એજન્ટ બનીને કામ કરશે. જેથી ભાજપમાં જોડાવાના હોવાની વાતો પર પૂર્ણ વિરામ મુકાય ચૂક્યું છે.

આ વચ્ચે અલ્પેશના જવાથી કોંગ્રેસ વધારે નબળી પડી ગઈ છે.વાત કરીએ જુલાઈ ૨૦૧૮ની. તો આ એ સમય હતો જ્યારે કોંગ્રેસના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. જે પછી વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે જસદણના અવસર નાકિયાને બહુમતી મેળવી હરાવ્યા હતા. બાવળિયાને મળેલા પદ બાદ કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટો પડવાની શરૂઆત થઈ ગઈ. જે પછી આશા પટેલ, વલ્લભ ધારવિયા, પરસોત્તમ સાબરિયા, જવાહર ચાવડા જેવા નેતાઓએ રાજીનામું આપ્યું. અને આજે અલ્પેશ ઠાકોરના રાજીનામા સાથે કોંગ્રેસના ધારભ્યો લઘુમતીમાં મુકાઈ ચૂક્યા છે.

૨ મહિનામાં ટોટલ પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. જેથી કોંગ્રેસની કમર ભાંગી ગઈ છે. ઉપરથી અમરેલીમાંથી સાંસદ સભ્ય તરીકે રાખેલા પરેશ ધાનાણી હવે ચૂંટણી જીતે તો તેમણે ધારાસભ્યના પદેથી રાજીનામું આપવું પડે. એટલે કોંગ્રેસમાં વધુ એક ધારાસભ્ય અને કદાવર નેતા ઓછો થશે. પરિણામે હાલ તો અલ્પેશના રાજીનામથી કોંગ્રેસના ૭૭માંથી ૭૧ ધારાસભ્ય થઈ ગયા છે.

હાલ ઉંઝા, ધ્રાંગધ્રા-હળવદ, જામનગર ગ્રામ્ય અને માણાવદર બેઠકની પેટાચૂંટણી ચાલી રહી છે. આમ વિધાનસભામાં ભાજપ-૧૦૦, કોંગ્રેસ ૭૧, એનસીપીને ૧, બીટીપી ૨ અને અપક્ષ ૩ સહિત ૧૭૭ ધારાસભ્યો રહ્યા છે. જ્યારે તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડનો મામલો કોર્ટમાં છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.