આરટીઓમાં સર્વર ઠપ થતાં વાહનનું રજિસ્ટ્રેશન ખોરવાયું

ક્યારેક સર્વર ઠપ કે ટેકનિકલ ક્ષતિ સહિતની સમસ્યાઓને લઇ હજારો વાહનચાલકો ભારે હાલાકીનો ભોગ બને છે
By: admin   PUBLISHED: Thu, 06 Dec 2018 00:45:01 +0530 | UPDATED: Thu, 06 Dec 2018 01:01:19 +0530

ઓનલાઇન સિસ્ટમ પરંતુ સમસ્યા હજુ અકબંધ

અમદાવાદ આરટીઓમાં વારંવાર સર્વર ઠપ રહેવાથી નવાં વાહનો માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઇ શકતી નથી, જેના કારણે આજના દિવસે ચાર હજારથી વધુ નવાં વાહનોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઠપ છે. નવા વાહનનો રજિસ્ટ્રેશન નંબર નહીં હોવાના કારણે શહેરના રસ્તા પર એપ્લાઇડ ફોર રજિસ્ટ્રેશન લખેલી ગાડીઓને પુરપાટ ઝડપે વાહન ચલાવવાનો ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાનો જાણે પરવાનો મળી જાય છે.

આરટીઓમાં સર્વર ઠપ્પ, ટેકનીકલ ક્ષતિ સહિતની અનેક સમસ્યાઓને લઇ રોજબરોજના કામ અર્થે આવતાં હજારો નાગરિકો-વાહનચાલકો ભયંકર હાલાકીનો ભોગ બની રહ્યા છે છતાં, તંત્રના પેટનું પાણી હાલતું નથી. ટુ વ્હીલર-ફોર વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનો ખરીદી કર્યા બાદ શો-રૂમ દ્વારા કરવામાં આવતી વાહનના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઇન ફરજિયાત કરાઈ છે.

સરકારે આરટીઓને મોડલ આરટીઓ બનાવીને પેપરલેસ બનાવવાની ફરજિયાત તો કરી દીધી, પરંતુ આ આધુનિક સિસ્ટમ બાબા આદમના સમયની હોઈ તેમાં ક્યારેક એરર તો ક્યારેક સર્વર ઠપ કે ટેકનિકલ ક્ષતિ સહિતના પ્રશ્નોના કારણે છેવટે મુશ્કેલી તો વાહન માલિકોના માથે જ આવે. રજિસ્ટ્રેશન માટે લાંબો સમય વીતી જવાથી કંટાળેલા વાહન ચાલકો ડીલરો પાસે સતત ઉઘરાણી કરે છે અને ડીલરો આરટીઓના ધરમધક્કા ખાવા મજબૂર બને છે.

શહેરના ૯૦થી વધુ ડીલરોને ત્યાં દરરોજ નવાં વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. નવું વાહન ખરીદ્યા પછી તેના રજિસ્ટ્રેશનની જવાબદારી નવી સિસ્ટમ મુજબ ડીલરોને આપવામાં આવી છે અને તે પણ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા જ ફરજિયાત કરાઈ છે. આ સંજોગોમાં દરેક ડીલરે આ માટે નવા વાહનના રજિસ્ટ્રેશનનું અલગ ડેસ્ક બનાવ્યું છે, પરંતુ આરટીઓના સર્વરની સમસ્યાના કારણે ઓનલાઇન કામ નહીં થઈ શકતું હોવાની ફરિયાદો ઊઠી છે.

વાહન માલિકો ડીલરો પાસે નવા વાહનના નંબર લાવી આપવા ઉઘરાણી કરી રહ્યા છે, પરંતુ સર્વર ડાઉન અને સોફ્‌ટવેરમાં આવતી એરરના કારણે આરટીઓ કર્મચારી પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. દિવાળીની જાહેર રજાઓ આવતા નવા વાહનના રજિસ્ટ્રેશનનું પેન્ડિંગ લિસ્ટ મોટું થયું છે.

આ અંગેએ આરટીઓ એસ. એ. મોજણીદારે જણાવ્યું હતું કે ધીરે ધીરે બેકલોગ ઓછો કરી રહ્યા છે તેના માટે તા.૭ ડિસેમ્બરે એક મિટિંગનું આયોજન પણ કરાયું છે. હજુ ચાર હજાર જેટલા નવા વાહનોના રજિસ્ટ્રેશન બાકી છે. આ કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવશે. કોઇપણ શો-રૂમ સંચાલક વાહન વેચે ત્યારે ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરાય છે અને તેના માટે વાહનની એન્ટ્રી ઓનલાઇન કરાય છે.

ટેમ્પરરી રજિસ્ટ્રેશન થયા બાદ જ વાહન વહેંચણી કરવામાં આવે છે. સર્વર ઠપ રહેતાં ફોર વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનો વેચાયા બાદ ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટે કરવાની રહેતી પ્રક્રિયા થઇ શકતી નથી તો ટેમ્પરેરી રજિસ્ટ્રેશન મેળવેલા વાહનોનું વેરિફાઇ અને એપ્રૂવલ નથી થઇ શકતું, જેથી નંબર ફાળવી શકાતા નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.