અમદાવાદનો હેરિટેજ સીટી દરજ્જા સામે સંકટના વાદળ

દાયકા પહેલાં કોટ વિસ્તારમાં બાર હજારથી વધુ હેરિટેજ મકાનો હતા અને આજે માત્ર ૨૨૩૬ હેરિટેજ મકાનો છે
By: admin   PUBLISHED: Wed, 13 Mar 2019 23:39:54 +0530 | UPDATED: Wed, 13 Mar 2019 23:39:54 +0530

સેપ્ટના સર્વેમાં આવેલી ચોંકાવનારી હકિકતો

અમદાવાદ શહેરની ઐતિહાસિકતા અને તેના ઐતિહાસિક વારસાને લઇ તેને હેરીટેજ સીટીનું ગૌરવવંતુ બિરૂદ મળ્યું હતુ પરંતુ હવે આ હેરીટેજ સીટીનું બિરૂદ જ નહી પરંતુ ઐતિહાસિક સ્મારક અને મકાનોનો વારસો ખતરામાં જણાઇ રહ્યો છે. એક અંદાજ મુજબ હજુ એક દાયકા પહેલાં કોટ વિસ્તારમાં બાર હજારથી વધુ હેરિટેજ મકાન હતાં, જે ગેરકાયદે બાંધકામોના રાફડા ફાટી નીકળતાં ઘટીને રર૩૬ મકાન શેષ રહ્યાં છે. હવે આટલાં રર૩૬ હેરિટેજ મકાન પણ જો સેપ્ટના સર્વેના ત્રણેક વર્ષમાં ઓછાં થઇ ગયાં હોય તો આગામી દિવસોમાં શહેર હેરિટેજ સિટીનો દરજ્જો જ જોખમમાં મુકાઇ જશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

અમદાવાદ શહેરને તેના કોટ વિસ્તારના હેરિટેજ સ્થાપત્યને લઇ યુનેસ્કો દ્વારા હેરિટેજ સિટીનું ગૌરવપૂર્ણ સ્થાન અપાયું હોઇ શહેરનું કર્ણાવતી નામ રાખવાથી તેનો દરજ્જો યથાવત્‌ રહેશે તેવી વળતી દલીલો પણ થઇ હતી, જોકે હવે તો ખરેખર શહેરનો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આગામી દિવસોમાં ભયમાં મુકાય તેવી ચિંતાજનક સ્થિતિ ઊભી થઇ રહી છે. જે હેરિટેજ મકાનના જોરે શહેર વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું તે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં મકાન જ ધીરે ધીરે જમીનદોસ્ત થઇ રહ્યાં હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે.

સેપ્ટના સર્વે મુજબ શાહપુર, કાલુપુર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર અને રાયખડ વોર્ડના ગ્રેડ-બે અ શ્રેણીનાં કુલ ૯પ મકાન, ગ્રેડ-બે બ શ્રેણીનાં કુલ પ૪૭ મકાન અને ગ્રેડ-ત્રણ શ્રેણીનાં કુલ ૧પ૯૪ મકાન મળી કુલ રર૩૬ મકાનને હેરિટેજ મકાન જાહેર કરાયાં હતાં. આ રર૩૬ હેરિટેજ મકાન ઉપરાંત ૪૪૯ સ્થાપત્યને પણ ગ્રેડેશન મુજબ હેરિટેજ સ્થાપત્ય તરીકે અલગ તારવાયાં છે. તંત્રના સેપ્ટ આધારિત સર્વે હેઠળનાં રર૩૬ હેરિટેજ મકાનના મામલે

તાજેતરમાં જ ચોંકાવનારી વિગત બહાર આવી હતી. સત્તાવાળાઓના ટીડીઆર કેમ્પમાં અનેક નાગરિકોને પોતાનું મકાન હેરિટેજ લિસ્ટમાં છે કે નહીં તે અંગે જ કોઇ જાણકારી ન હતી. ખુદ સત્તાવાળાઓ પણ ૪૦ ટકા હેરિટેજ મકાનધારકો પોતાના મકાનના હેરિટેજ દરજ્જા મામલે આજે પણ અંધારામાં હોવાની કબૂલાત કરે છે. આની સાથે-સાથે તંત્રના ગત ચોમાસામાં હાથ ધરાયેલા સર્વે મુજબ કોટ વિસ્તારનાં વર્ષોજૂનાં ૬૦૦થી વધુ મકાનના માથે મોત ઝળૂંબી રહ્યું છે. આવાં ભયજનક મકાન મરામતના અભાવે જોખમી બની રહ્યાં હોઇ ત્યાંના લોકો કોટ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યા છે, જેના કારણે કેટલીક પોળ તો જાણે કે વેપારીઓના માલસામાન મૂકવાનાં ગોડાઉન તરીકે બની છે.

કોટ વિસ્તારમાં અગાઉ ટી-ગર્ડર નીતિનો અનેક મકાનના રિપેરિંગમાં ખુલ્લેઆમ દુરુપયોગ થવાથી તેના પર લાંબા સમયથી પ્રતિબંધ મુકાયો હોવા છતાં બિલ્ડર માફિયાઓના વર્ચસ્વના કારણે વધુ ને વધુ રહેણાંકનું વ્યાપારીકરણ થઇ રહ્યું છે.સાથે સાથે કોટ વિસ્તારની હેરિટેજ અસ્મિતા જોખમાઇ છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા હેરિટેજ લિસ્ટેડ મકાનધારકોની ડિઝાઇનની સમસ્યાને હળવી કરવા થોડા સમય પહેલાં સાત કન્સલ્ટન્ટની પેનલની નિમણૂક કરાઇ છે.

આનાથી હેરિટેજ મકાનધારકોને સ્વખર્ચે ડિઝાઇન બનાવાની કડાકૂટમાંથી મુક્તિ મળે તેમજ તંત્રના ચોપડે પણ જે તે હેરિટેજ મકાનની ડિઝાઇનનો રેકોર્ડ રહીને તેવા મકાનમાં રિપેરિંગ અર્થે કરાયેલ ફેરફાર યોગ્ય રીતે થયા છે કે નહીં તેનું ક્રોસ ચેકિંગ થઇ શકશે, પરંતુ તંત્રના પ્રાથમિક અંદાજમાં કોટ વિસ્તારનાં હેરિટેજ મકાન ઘટ્યાં હોવાનું જાણવા મળ્યું છે. કોટ વિસ્તારનાં આશરે પ૦થી ૧૦૦ હેરિટેજ મકાન ઘટ્યાં હોવાની ચર્ચા ઊઠી છે. આમાં જે તે હેરિટેજ મકાનને તેના ગ્રેડેશન મુજબ લાગનારી હેરિટેજ પ્લેટની કામગીરીમાં થઇ રહેલો વિલંબ પણ ચિંતાનો વિષય બન્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.