બજેટ પહેલા ૧૮મીએ મળશે જીએસટી કાઉન્સિલની બેઠક

બેઠકમાં પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાનો નિર્ણય થઈ શકે છે : ટેક્સ સ્લેબમાં પણ થઈ શકે છે ઘટાડો
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 21:20:04 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 21:20:04 +0530

પેટ્રોલ, રીયલ એસ્ટેટ અંગેના નિર્ણય પર નજર

મોદી સરકારના બજેટ રજુ કરતા પહેલા ૧૮ જાન્યુઆરીએ જીએસટી કાઉન્સિલની બેઠક મળનાર છે. બજેટના થોડા દિવસ અગાઉ મળનાર આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. નવા વર્ષમાં મળનાર આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા સહિતની કેટલીક માંગો પર કાઉન્સિલ વિચારણા કરી મહત્વનો નિર્ણય લઈ શકે છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને જોતા જીએસટી કાઉન્સિલ આ બન્નેને જીએસટી અંતર્ગત લાવવા અંગે વિચાર કરી શકે છે. જો આમ થશે તો સામાન્ય વ્યક્તિઓને પેટ્રોલ અને ડીઝલની ખરીદીમાં ઘણો ફાયદો થઈ શકે છે. 

નાણાં મંત્રી અરુણ જેટલી સહિત ઓઈલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન પણ પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા પર વિચાર કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત એક વખત ફરી રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. મુંબઈમાં જ્યાં એક લીટર પેટ્રોલ માટે લોકોએ ૬૫.૧૦ રૂપિયા ચુકવવા પડે છે તો દિલ્હીમાં પણ ડીઝલ ૬૦ રૂપિયા પર પહોંચી ગયુ છે.

પેટ્રોલ પણ ફરી એકવાર ૮૦ના સ્તરે પહોંચવાની તૈયારી કરી રહ્યુ છે. તે જોતા જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવામાં આવે તો સામાન્ય લોકોને મોટો ફાયદો થઈ શકે છે. ૧૮ જાન્યુઆરીએ મળનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં રીયલ એસ્ટેટને જીએસટી અંતર્ગત લાવવા અંગે પણ નિર્ણય થાય તેવી શક્યતા છે. તેમજ આ બેઠકમાં જીએસટી ટેક્સ સ્લેબને ઘટાડવાની પણ જાહેરાત થઈ શકે છે. તે જોતા આ વખતની જીએસટી કાઉન્સિલની બેઠક ખૂબ જ મહત્વની બની રહેશે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.