જો કોંગ્રેસ જીતશે તો જીતના હીરો રાહુલ ગાંધી હશે,જાણો કેમ

ગુજરાતના માધ્યમથી દેશમાં પકડ જમાવવા આતુર રાહુલ
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 14:08:06 +0530 | UPDATED: Fri, 08 Dec 2017 21:53:45 +0530

રાહુલ ગાંધી ગુજરાતમાં વેન્ટીલેટર પર પડેલ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવામાં સફળ રહ્યા : ૨૦૧૯ની ચુંટણી પર પણ પડી શકે છે વ્યાપક અસર : ગુજરાત ચુંટણીના પરિણામની અસર સમગ્ર દેશમાં દેખાશે

ગુજરાતની રાજકીય રણભૂમિ પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સતત ફ્રન્ટ ફૂટ પર રમી રહ્યા છે.કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન રાહુલ ગાંધી પહેલીવાર ચૂંટણીની મેચમાં સારો સ્કોર કરતાં નજરે પડી રહ્યાં છે.રાહુલે ગુજરાતમાં પાંચ તબક્કાના પ્રચારમાં 50થી વધુ નાની મોટી સભાઓ સંબોધી છે જેમાં મોદી સરકાર પર પ્રહારો કરવામાં સફળ રહ્યાં છે.રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં ગોરીલા ટેકનીક અપનાવી છે,જે સફળ છે.મીન્સ,લાખોની જનમેદનીને સંબોધન કરવાને બદલે વધુ પ્રમાણમાં નાની નાની સભાઓ કરવી અને આગળ વધતા રહેવું.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચુંટણી પ્રચાર દરમિયાન અત્યાર સુધી જેટલા શસ્ત્રો વાપર્યા તે મોટાભાગના સફળ રહ્યા છે.રાહુલ ગાંધીનું જીએસટીને ગબ્બરસિંહ કહેવું કે મોંઘવારીના માર પર વાર કરવો સફળ થઇ રહ્યો છે. રાહુલ ગાંધી ભાજપના મજબુત ગઢને હલાવવામાં સફળ નજરે પડી રહ્યા છે. ગુજરાતની આ જંગ જીતવામાં જા કોંગ્રેસ સફળ રહેશે તો રાહુલ ગાંધીનો રંગ સમગ્ર દેશ પર પણ ચઢશે. રાહુલ ગાંધીના પ્રચાર ગુજરાતમાં વેન્ટીલેટર પર પડેલ કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંક્યા છે.

ખાસ કરીને રાહુલની આગેવાનીમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ આ વખતે હાવી રહ્યુ છે. જેના કારણે લાંબા સમય બાદ ગુજરાતમાં ખરાખરીનો રાજકીય જંગ જાવા મળી રહ્યો છે. ખાસ કરીને રાહુલ ગાંધીએ મોદીના એ ટ્રમ્પકાર્ડનો ઉકેલ શોધી કાઢ્યો જેણે ૨૦૧૪માં કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધુ હતું. રાહુલે ગુજરાતની ચૂંટણીમાં મંદિરાની મુલાકાતો દ્રારા હિન્દુ કાર્ડ રમવાની સાથે સાથે અલ્પેશ ઠાકોરને જોડે રાખીને જાતિવાદનું કાર્ડ પણ રમ્યું છે જેનો તેમને ફાયદો મળી રહેલો દેખાય છે.

છેલ્લાં એક અઠવાડિયામાં જેટલાં ઓપીનીયન પોલ સામે આવ્યા છે તેમાં કોંગ્રેસને ફાયદો મળતો જોવા મળી રહ્યો છે,જો કે કોઇપણ ઓપીનીયન પોલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી નથી બતાવતો પરંતું 2012ની ચૂંટણી કરતાં વધુ સીટોનો ફાયદો બતાવી રહેલ છે.

રાહુલે છેલ્લા એક અઠવાડિયાથી ટ્વીટર પર મોદીને 9 સવાલોનો મારો ચલાવ્યો છે,જેમાં જીએસટી,નોટબંધી,મોંઘવારી અને ખેડુતોના દેવા અંગે પ્રશ્નોનો મારો ચલાવ્યો છે.

ભાજપ માટે મુશ્કેલી એ છે કે જાતિવાદી રાજકારણ તેમને માફક આવતુ નથી, જેથી તેઓ કોઈને કોઈ મુદ્દે ચુંટણીને હિન્દુવાદનો રંગ ચઢાવવા માંગે છે. આ માટે તેમણે રાહુલના ધર્મથી લઈને અયોધ્યામાં રામ મંદિર સુધીના મુદ્દાઓ ઉઠાવ્યા. જો કે, સામે કોંગ્રેસ જાતિવાદને જ આગળ ધરી રહ્યુ છે. તેઓ પાટીદાર, આદિવાસી, દલિત, ઓબીસી સહિત સમુદાયોમાં પોતાની પહોંચ વધારવા પ્રયત્ન કરી રહ્યુ છે. રાહુલ ગાંધીએ ગુજરાતની જ્ઞાતિ આધારીત ત્રિ-મૂર્તિ અલ્પેશ, જિગ્નેશ, હાર્દિકને પણ ગળે લગાવ્યા છે. આ ત્રણેય નેતાઓ પોતપોતાના સમાજ પર મજબુત પકડ ધરાવે છે.તેનાથી ભાજપની બેચેની વધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સભાઓમાં વારંવાર અપીલ કરી રહ્યા છે કે જાતિવાદના બહેકાવાયામાં આવ્યા વિના વિકાસના નામે વોટ કરો. જાતિવાદ દેશના વિકાસના માર્ગમાં અવરોધ છે. આ ઉપરાંત ભાજપ જે હિન્દુકાર્ડ રમતી આવી છે તે જ હિન્દુકાર્ડને કોંગ્રેસે ગુજરાતમાં સત્તા વાપસી માટેનુ હથિયાર બનાવ્યુ છે. આ વખતે રાહુલ ગાંધીએ પણ સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો છે. જે મુજબ તેઓ ગુજરાતના ચુંટણી પ્રચાર દરમિયાન જ્યાં પણ ગયા ત્યાંના મંદિરમાં દર્શન ચોક્કસ કર્યા. રાહુલ ગાંધી ગળામાં ભગવો દુપટ્ટો અને માથા પર તિલક સાથે પણ નજરે પડ્યા.

ખાસ કરીને કોંગ્રેસે આ વખતે એક બાબત પર ધ્યાન રાખ્યુ છે કે વડાપ્રધાન મોદી પર અંગત પ્રહાર કરવાનુ ટાળ્યુ છે. તેઓ નરેન્દ્ર મોદી પર અંગત પ્રહાર કરવાની જગ્યાએ તેમની વહિવટીય નિષ્ફળતાઓ અને ગુજરાત સરકારના કુશાસનને નિશાન બનાવ્યા છે. તેમજ મુસ્લિમોથી પણ આ વખતે રાહુલે સલામત અંતર રાખ્યુ છે. મુસ્લિમ વિસ્તારોમાં રાહુલે સભા કરી તો પણ તેની સાથે મંચ પર સંતો-મહંતો નજરે પડ્યા હતા. રાહુલ અત્યાર સુધી ન તો એકપણ મસ્જીદમાં ગયા કે ન કોઈ મુસ્લિમને ગળે લગાવ્યો, જે કોંગ્રેસને બદલાયેલ રણનીતિ છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.