વિરાટ નંબર વન પણ ભારતીય ટીમ ક્યારે બનશે નંબર વન

તમામ ખેલાડીઓએ પ્રદર્શન પર ધ્યાન આપવુ જોઈએ
By: admin   PUBLISHED: Thu, 13 Sep 2018 13:43:47 +0530 | UPDATED: Sat, 15 Sep 2018 21:22:46 +0530

નંબર વન ટીમ એને જ કહી શકાય કે જે પોતાના ઘર-બહાર પણ દરેક પ્રકારની પરિસ્થિતિ-પીચ પર જીતી શકે

શું આપણી ક્રિકેટ ટીમ હજી પણ નંબર વન છે, જ્યારે આપણે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી હારી ગયા છીએ? થોડા સમય પહેલા ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં પણ શ્રેણી હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયામાં આજ સુધી શ્રેણી જીતી નથી. ઘણા સમયથી ન્યુઝિલેન્ડ સામે તેમના ઘરે નથી જીતી શક્યા તેમ છતાં આપણે નંબર વન છીએ. આંકડા બતાવે છે કે દેશની બહાર આપણે ઘણી શ્રેણી જીત્યા છીએ. જોકે એ અલગ વાત છે કે એ બહારના દેશોમાં શ્રીલંકા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. 

ટીમના કોચ રવિ શાસ્ત્રી માને છે કે વિદેશમાં રમવા મામલે વર્તમાન ટીમ છેલ્લા ૧૫ વર્ષની સૌથી સારી ટીમ છે. જોકે, વર્તમાન ટીમ પોતાના ઘરમાં ખૂબ રમીને નંબર વન બની છે. જોકે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી હાર્યા બાદ પણ ટીમના કોચ અને કેપ્ટન એ માનવા તૈયાર નથી. પોતાના ઘરમાં સિંહ અને બહાર બકરી. આ તો દરેક ટીમ કરે છે. દુનિયાની નંબર વન ટીમ એને જ કહી શકાય કે જે પોતાના ઘર અને બહાર પણ એવુ જ પ્રદર્શન કરી શકે. તેને દરેક પ્રકારની પરિસ્થિતિ અને પીચ પર જીતવાની આદત હોવી જોઈએ.

કહેવાય છે કે વિરાટ કોહલીને રનોની ભૂખ છે, તેવી જ ભૂખ આખી ટીમને જીતવા માટેની હોવી જોઈએ, તો તે નંબર વન ટીમ ગણી શકાય. આ મામલે તો ક્લાઈવ લોયડની વેસ્ટઈન્ડિઝ અને એક સમયની ઓસ્ટ્રેલિયન ટીમ જ નંબર વન નજરે પડે છે. આજે તો નંબર વન પણ એક દેખાડો જ છે. આજે જે પણ ટીમ પોતાના ઘરમાં વધુ રમી લે છે, તે નંબર વન બની જાય છે. ટીમ ઈન્ડિયાની પણ આવી જ સ્થિતિ છે. જોકે ટીમ બહાર જાય છે ત્યારે બધુ બદલાઈ જાય છે. તેમજ જ્યારે પણ ભારતીય ટીમ વિદેશમાં રમવા જવાની હોય છે તે પહેલા તેનામાં પ્રેક્ટિસનો સદંતર અભાવ જોવા મળતો હોય છે.

દ.આફ્રિકાની શ્રેણી યાદ આવી જાય છે, કાશ આપણે તૈયારી સાથે ત્યાં જતા. જો તૈયારી સાથે ગયા હોત તો બેટ્‌સમેનોનુ પ્રદર્શન ઘણુ સુધર્યુ હોત. ઈંગ્લેન્ડે શ્રેણી ૪-૧થી જીતી, જેનાથી લાગે છે કે સમગ્ર શ્રેણી જ એકતરફી હતી. બન્ને ટીમોમાં માત્ર બસ એટલો જ ફરક હતો કે એક ટીમે પોતાને મળેલ તકનો ફાયદો ઉઠાવ્યો, જ્યારે બીજીએ એ તક ગુમાવી દીધી.

આ શ્રેણીમાં કેપ્ટન કોહલી હારી ગયો, પરંતુ બેટ્‌સમેન કોહલીએ સમગ્ર શ્રેણીમાં હાર ન માની. તેણે શ્રેણીમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યુ. તેનો ગત ઈંગ્લેન્ડ પ્રવાસ ખૂબ જ ખરાબ રહ્યો હતો.જેને લઈને તેણે ટિકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતની શ્રેણીમાં તેણે તમામની બોલતી બંધ કરી દીધી. આજ પ્રકારે ટીમના અન્ય ખેલાડીઓએ પણ વિચારવુ જોઈતું હતું. એટલે વિરાટ નંબર વન  છે તેમાં શંકાને સ્થાન નથી, પરંતુ ટીમ હજી નંબર વન નથી બની શકી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.