યુપીમાં બીએસપી-એસપીએ કર્યું ગઠબંધન,બંને 38-38 સીટો પર ચૂંટણી લડશે,રાયબરેલી-અમેઠી કોંગ્રેસ માટે છોડી

યુપીમાં માયાવતી અને અખિલેશે લોકસભા માટે ચૂંટણી જોડાણ કર્યું
By: Monika Vyas   PUBLISHED: Sat, 12 Jan 2019 13:52:00 +0530 | UPDATED: Sun, 13 Jan 2019 14:36:12 +0530

દિલ્હી

 ઉત્તરપ્રદેશના બે મહારથીઓ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને બહુસમાજવાદી પાર્ટીના માયાવતીએ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું.શનિવારે બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભાની ચુંટણીનગઠબંધનની જાહેરાત કરી હતી.

આ સંબંધમાં બસપના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ આજે જાહેરાત કરતા આને લઇને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો  હતો.

યુપીમાં કયો પક્ષ કેટલી ચૂંટણી લડશે તે અંગે માયાવતીએ કહ્યું હતુ કે બસપા 38 અને સપા 38 સીટો પર ઇલેક્શન લડશે,બે સીટો અન્ય પક્ષો માટે ફાળવવામાં આવશે,જ્યારે રાયબરેલી અને અમેઠીની સીટો કોંગ્રેસ માટે છોડી છે.

 

કોંગ્રેસને સાથે નહીં રાખવા પર માયાવતીએ કહ્યું કે જો તમે ડિફેન્સના સોદાને જોશો તો ભાજપ અને કોંગ્રેસ બંને ભ્રષ્ટ પાર્ટી છે.અમને ગઠબંધનમાં કોંગ્રેસથી કોઇ ફાયદો નથી.કોગ્રેસ હોય કે ભાજપ બંનેની નીતિઓ પણ સરખી છે. બીએસપી અને એસપીને ભુતકાળનો અનુભવ છે કે કોંગ્રેસના મતો બદલાતા નથી.

માયાવતીએ કહ્યું કે બસપાએ 1996માં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું અને વિધાનસભાની ચુંટણીઓ લડી હતી,જેમાં અમારા મતો કોંગ્રેસને ટ્રાંસફર થયા પરંતું કોંગ્રેસના મતો અમારી પાર્ટીને નહોતા મળ્યા.એવી રીતે 2017ના વિધાનસભાના ઇલેક્શનમાં અખિલેશ યાદવ સાથે મળીને કોંગ્રેસે ચૂંટણી લડી પરંતું તેનો ફાયદો સપાને નહોતો મળ્યો.

સપાના અખિલેશ યાદવે કહ્યું કે અભિમાની ભાજપને હરાવવા માટે એ જરૂરી હતું કે બીએસપી અને એસપી એક મંચ પર જોડે આવે.અમારા કાર્યકરોમાં ફાટફુટ પડાવવા માટે ભાજપ કોઇપણ કક્ષાએ જઇ શકે છે પણ અમે અકબંધ રહીશું. ભાજપ તોફાનોનો પણ પ્રયાસ કરી શકે છે પરંતુ આપણે સંયમની સાથે દરેક ષડયંત્રને નિષ્ફળ કરવાના છે.

જો કે અખિલેશને એવું પુછવામાં આવ્યું કે તમે પીએમની પોસ્ટ પર માયાવતીને ટેકો આપશો તો અખિલેશે કહ્યું કે તમને મારો જવાબ ખબર છે.હું યુપીમાંથી ફરી એકવાર કોઇ પીએમ બને તેવું ઇચ્છું છું.

 

માયાવતીએ કહ્યું કે ગેસ્ટ હાઉસ બનાવને ભુલીને અમે સાથે આવી રહ્યા છીએ. દેશમાં નવી રાજકીય ક્રાંતિ આવે તેવા પ્રયાસ કરવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે બંને પાર્ટીના લોકો અને કાર્યકરો આવી ઇચ્છા રાખી રહ્યા હતા. દેશના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ષ ૧૯૯૩માં માયાવતી અને મુલાયમસિંહ યાદવ સાથે આવ્યા હતા પરંતુ ત્યારબાદ સ્થિતિ જટિલ બની હતી. આ પહેલા રામ મંદિર આંદોલનના ગાળા દરમિયાન ૧૯૯૩માં સપા અને બસપનાની સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યારે  રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવી  હતી. તે સમયે બસપાની કમાન કાંશીરામ પાસે હતી. સપા 256 અને બસપા 164 વિધાનસભા સીટ પર ચૂંટણી લડ્યા હતા. સપાને 109 અને બસપાને 67 સીટ મળી હતી. પરંતુ 1995માં સપા-બસપાના સંબંધો ખરાબ થઈ ગયા હતા. તે સમયે જ 2 જૂન 1995માં ગેસ્ટ હાઉસ કાંડ પછી ગઠબંધન ટૂટ્યું હતું. ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 સીટો રહેલી છે. બંને પાર્ટી 37-37 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

જાણકાર લોકો કહે છે કે ગઠબંધનની સ્થિતિમાં તો ૨૫ વર્ષ પહેલાની જીતનુ પુનરાવર્તન થઇ શકે છે. ગયા વર્ષે પ્રદેશની ત્રણ સીટો ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં  ગઠબંધનના કારણે જીત થઇ હતી.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગોરખપુર સીટ સહિત ત્રણ સીટો ઉપર જીત મેળવી લેવામાં આવી હતી. આ ચૂંટણીને તમામ પાર્ટીઓને ભાજપની સામે એક કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.