શારદા કૌભાંડ : કોલકાતા પોલીસ કમિશનર રાજીવની પુછપરછ થઇ

સુપ્રીમના આદેશ બાદ રાજીવકુમાર સીબીઆઈ ઓફિસમાં પહોંચ્યા
By: admin   PUBLISHED: Sun, 10 Feb 2019 00:16:56 +0530 | UPDATED: Sun, 10 Feb 2019 00:16:56 +0530

શારદા ચીટ કાંડમાં પુરાવાને નષ્ટ કરવા તેમજ મામલાને દબાવી દેવા માટેનો રાજીવ ઉપર આક્ષેપ : આજે તૃણમુલ સાંસદ કૃણાલ ઘોષની પુછપરછ કરાશે

શારદા ચિટ ફંડ કૌભાંડના મામલામાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે આખરે સીબીઆઈની ઓફિસમાં હાજર થયા હતા. ત્યારબાદ તેમની આકરી પુછપરછનો સિલસિલો શરૂ થયો હતો. રવિવારના દિવસે પણ પુછપરછ જારી રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આજે શિલોંગમાં સીબીઆઈના અધિકારીઓએ પુછપરછ હાથ ધરી હતી. કુમાર ઉપર શારદા ચિટ ફંડ કૌભાંડમાં પુરાવાને નષ્ટ કરવાનો આક્ષેપ છે.

સુપ્રીમ કોર્ટે તેમને તપાસમાં સહકાર કરવા માટે આદેશ કર્યા બાદ રાજીવકુમાર પહોંચ્યા છે. સીબીઆઈના કહેવા મુજબ રાજીવકુમાર પશ્ચિમ બંગાળ કેડરના ત્રણ આઈપીએસ અધિકારી અને પોતાના ભાઈની સાથે શુક્રવારે રાત્રે કોલકાતાથી મેઘાલયના પાટનગર શિલોંગ પહોંચ્યા હતા. તેઓ અંગત ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને તેમને કોઇને પણ મળવાની મંજુરી આપવામાં આવી ન હતી. સીબીઆઈ ડિરેક્ટર વિષ્ણુકુમાર શુક્લાએ છઠ્ઠી ફેબ્રુઆરીના આદેશમાં ૧૦ અધિકારીઓને ૮મીથી લઇને ૨૦મી ફેબ્રુઆરી સુધી એજન્સીની કોલકાતા આર્થિક અપરાધ શાખાથી સંબંધ કરી લીધા હતા. આદેશમાં તમામ ૧૦ અધિકારીઓને કોલકાતામાં સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટરને રિપોર્ટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

બીજી બાજુ રાજીવકુમાર શુક્લાની પુછપરછ કરવામાં આવે તેના એક દિવસ પહેલા જ કોલકાતા પોલીસે બિનહિસાબી સંપત્તિના મામલામાં સીબીઆઈના પૂર્વ વચગાળાના વડા નાગેશ્વર રાવના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે જે બે જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા તેમાં એક કોલકાતામાં અને અન્ય સોલ્ટલેક સ્થિત એન્જેલા મર્કેન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓફિસ છે. આ કંપની રાવની પત્નિની હોવાનું જાણવા મળ્યું છે.

અલબત્ત રાવે કહ્યું છે કે, આ તમામ કાર્યવાહી કોઇ દ્વેષભાવના કારણે કરવામાં આવી છે. કંપની સાથે તેમને કોઇ લેવા દેવા નથી. આ કંપની તેમના પરિવારના એક મિત્રનું હોવાનું જાણવા મળ્યું છે. સીબીઆઈની ટીમ ત્રીજી ફેબ્રુઆરીના દિવસે રાજીવકુમારના ઘરે પહોચી હતી પરંતુ સીબીઆઈના અધિકારીઓને ઘરે જવાની મંજુરી આપવામાં આવી ન હતી અને સીબીઆઈના અધિકારીઓને પોલીસે અટકાયતમાં લઇ લીધા હતા. આને લઇને રાજકીય ગરમી વધી હતી.

મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજીવકુમારના બચાવમાં આગળ આવ્યા હતા અને સીબીઆઈની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. સાથે સાથે સીબીઆઈના પ્રવેશને લઇને ધરણા પ્રદર્શન કર્યા હતા. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાજીવકુમારને સીબીઆઈની સામે ઉપસ્થિત થવા આદેશ કર્યો હતો. સાથે સાથે ઇમાનદારીપૂર્વક તપાસમાં સહકાર કરવા માટે કહ્યું હતું. જો કે, કોર્ટે સાફ શબ્દોમાં કહ્યં હતું કે, કુમારની ધરપકડ કરી શકાશે નહીં. શારદા કૌભાંડની તપાસ માટે ૨૦૧૩માં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આનું નેતૃત્વ ૧૯૮૯ની બેંચના આઈપીએસ અધિકારી રાજીવકુમાર કરી રહ્યા હતા.

૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. ત્યારબાદથી સીબીઆઈ આ મામલામાં તપાસ કરી રહી હતી. રાજીવકુમારને જાન્યુઆરી ૨૦૧૬માં કોલકાતા પોલીસના વડા બનાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલામાં સીબીઆઈએ રાજીવકુમારની પુછપરછ કરવા માટે અનેક વખતે સમન્સ જારી કર્યા હતા પરંતુ રાજીવ કુમાર એક વખત પણ ઉપસ્થિત રહ્યા ન હતા. આખરે સીબીઆઈની ટુકડી રાજીવકુમારની પુછપરછ કરવા કોલકાતા પહોંચી હતી પરંતુ રાજીવકુમારની પુછપરછ શક્ય બની શકી ન હતી.

સમગ્ર મામલામાં તપાસ માટે પહોંચેલા સીબીઆઈ અધિકારીઓની અટકાયત કરવામાં આવી હતી. સીબીઆઈ અધિકારીઓને કસ્ટડીમાં લેવાયા બાદ દેશભરમાં હોબાળો થયો હતો. આ મામલામાં કેન્દ્રની ભાજપ સરકાર પણ મેદાનમાં ઉતરી હતી. બીજી બાજુ મમતા બેનર્જી રાજીવકુમારને બચાવવા ધરણા ઉપર ઉતર્યા હતા. સુપ્રીમના આદેશ બાદ મમતાને ફટકો પડ્યો હતો અને નાટ્યાત્મકરીતે ધરણા બંધ કરવા પડ્યા હતા. આવતીકાલે તૃણમુલ કોંગ્રેસના સાંસદ કૃણાલ ઘોષની પણ પુછપરછ કરવામાં આવશે

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.