મોડાસા ખાતે લઘુશંકાના મુદ્દે જાનૈયાઓ સાથે બબાલ થઇ

મોડાસા ટાઉન પોલીસે ભારે જહેમત બાદ સ્થિતિ કાબૂમાં લીધી : બબાલમાં ત્રણ વ્યકિતને ઇજા થતાં ભારે ચકચાર
By: admin   PUBLISHED: Sun, 10 Feb 2019 01:17:23 +0530 | UPDATED: Sun, 10 Feb 2019 01:17:23 +0530

મારામારી અને પથ્થરમારા સુધીની નોબત આવી

મોડાસા-ધનસુરા બાયપાસ રોડ પર આવેલા રાણાસૈયદ ચોકડી નજીક જાનૈયા ભરી પસાર થતી લકઝરી બસના ચાલકે મુસાફરોને લઘુશંકા માટે બસ ઊભી રાખી હતી. ચોકડી પર ઊભા રહેતા લારી-ફેરિયા વાળાઓએ થોડે દૂર જઈ લઘુશંકા કરવાનું કહેતા જાનૈયાઓ દબંગાઈ પર ઉતારી આવી લારી-ફેરિયાવાળા પર હુમલો કર્યો હતો. નજીકમાં આવેલા રાણાસૈયદ વિસ્તારના લોકો દોડી આવતા જાનૈયાઓ અને સ્થાનિકો વચ્ચે મારામારી થઈ ગઈને અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી સ્થિતિને કાબુમાં લીધી હતી.

મારામારીની ઘટનામાં ત્રણ લોકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા. વહેલી સવારે રાણાસૈયદ ચોકડી નજીક થયેલી બબાલથી અહીંથી પસાર થતા વાહનચાલકો અને આજુબાજુના વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. મોડાસા બાયપાસ રોડ પર આવેલી રાણાસૈયદ ચોકડી નજીક વહેલી સવારે રાજસ્થાન તરફથી જાનૈયા ભરી લકઝરી બસના ચાલકે મુસાફરોને લઘુશંકા માટે લકઝરી બસ થોભાવતા જાનૈયાઓ ચોકડી નજીક ઉભા રહ્યા હતા.

લારી-ફેરિયાઓની લારી નજીક જાહેરમાં કેટલાક જાનૈયાઓ લઘુશંકા કરતા લારી-ફેરિયાઓએ થોડે દૂર જવાનું જણાવ્યું. જેના પગલે જાનૈયાઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. બસ આ સામાન્ય વાતમાં સમગ્ર મામલો બીચકયો હતો અને પછી બંને પક્ષ સામસામે આવી ગયા હતા. ચોકડી નજીક રાણાસૈયદ વિસ્તારના લોકો દોડી આવતા જાનૈયાઓ અને સ્થાનિકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ અને પથ્થરમારો થતા ભારે ચકચાર મચી હતી. લકઝરી બસના કાચ પણ તૂટી ગયા હતા. જાનૈયાઓએ લારીવાળા ફેરિયાઓને માર મારતા લોહી-લુહાણ થઈ ગયા હતા.

ઘટનાના પગલે પહોંચેલી મોડાસા ટાઉન ઇન્ચાર્જ પી.આઈ નાગજી રબારી અને તેમની ટીમે તંગ સ્થિતિ પર કાબુ મેળવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડી મામલાને શાંત પાડ્‌યો હતો. મોડાસા ટાઉનપોલીસ સ્ટેશનમાં મુલતાની સમાજના અગ્રણીઓ અને લોકોના ટોળેટોળા અને લકઝરીબસના જાનૈયાઓના ઉમટ્યા હતા. બંને પક્ષે સમાધાનના પ્રયત્નો હાથ ધર્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ રહી છે. જો કે, બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.