પીએસઆઇ રાઠોડની જાતીય સતામણી કરી ન હતી : પટેલ

ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ડીએસપી પટેલનું વિધિવત્‌ નિવેદન નોંધ્યું : તપાસ આગળ વધતાં વિગતો ખુલી શકે
By: admin   PUBLISHED: Sun, 10 Feb 2019 01:16:05 +0530 | UPDATED: Sun, 10 Feb 2019 01:16:05 +0530

આત્મહત્યા કેસમાં એનપી પટેલે નિવેદન આપ્યું

ચાંદખેડા બે મહિના પહેલાં પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં આખરે શહેર ક્રાઇમ બ્રાંચે ડીએસપી એન.પી.પટેલનું નિવેદન નોંધ્યું છે. તપાસનીશ એજન્સી સમક્ષ નોંધાવેલા નિવેદનમાં ડીએસપી એન.પી.પટેલે એવો બચાવ કર્યો હતો કે, તેમણે પીએસઆઇ રાઠોડની જાતીય સતામણી કરી ન હતી કે કોઇપણ પ્રકારની અભદ્ર માંગણીઓ પણ કરી ન હતી. ડીએસપી એન.પી.પટેલના નિવેદન બાદ આ કેસમાં હવે પીડિત પરિવાર તરફથી લગાવાયેલા આક્ષેપોને લઇ અસમંજસની સ્થિતિ સર્જાઇ છે.

ઉલ્લેખનીય છે કે, પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા પહેલા લખેલી ચિઠ્ઠીમાં પોલીસ ટ્રેનીંગમાં ડીએસપી એન.પી.પટેલ તેના મોત માટે જવાબદાર હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તો, પીએસઆઇની પત્ની દ્વારા પણ ડીએસપી એન.પી.પટેલ પર ગંભીર આક્ષેપ કરાયા હતા કે, ડીએસપી દ્વારા તેમના પતિ પાસે અભદ્ર માંગણી અને જાતીય સતામણી કરવામાં આવતી હતી. જેને પગલે સમગ્ર મામલો ગરમાયો હતો.

આ પ્રકરણમાં સોલા પોલીસ સ્ટેશનમાં એન.પી. પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જો કે, કેસની તપાસ હાલ ક્રાઈમ બ્રાંચ કરી રહી હોઇ તપાસનીશ એજન્સી દ્વારા ગઇકાલે ડીએસપી એન.પી.પટેલનું નિવેદન નોંધીને તપાસ જારી રાખવામાં આવી છે. જેમાં ડીએસપીએ પીએસઆઇ રાઠોડની કોઇપણ પ્રકારે જાતીય સતામણી નહી કરી હોવાનો બચાવ રજૂ કર્યો હતો. તાજેતરમાં જ પીડિત પરિવારજનોએ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી આ સમગ્ર કેસમાં સોલા પોલીસ અને શહેર ક્રાઇમબ્રાંચની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં પોલીસ કમિશનરે પીડિત પરિવારજનોને કેસમાં ન્યાયી અને યોગ્ય તપાસની હૈયાધારણ આપી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.