નાગરિક સુધારા બિલ પાસ થયા બાદ ઘણા રાજ્યો દ્વારા ઉગ્ર વિરોધ પણ થઇ રહ્યો છે

દેશી અને પરદેશી લોકો
By: admin   PUBLISHED: Thu, 10 Jan 2019 22:58:06 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 00:42:52 +0530

નાગરિક સુધારા બિલ ૨૦૧૬ ભલે લોકસભા અને રાજ્યસભામાં પાસ કરી દેવામાં આવ્યુ છે પરંતુ રાજ્યસભાની અંદર અને કેટલાક રાજ્યોમાં મોટા ભાગની પાર્ટીઓ આનો જોરદાર વિરોધ કરી ચુકી છે. આસામ ગણ પરિષદ દ્વારા રાજ્ય સરકારથી અલગ થવાની જાહેરાત પણ કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે વર્ષ ૧૯૮૫માં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને આસામ આંદોલનના નેતાઓ વચ્ચે એક સમજુતી થઇ હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ૧૯૭૧ બાદ આસામમાં ગેરકાયદે રીતે રહેતા અને પ્રવેશ કરનાર લોકોને ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરીને તેમને રાજ્યની બહાર કરવામાં આવનાર છે.

નવા બિલ હેઠળ ૧૯૭૧ના આધાર  વર્ષને આગળ વધારીને ૨૦૧૪ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં બલ્કે તેમાં જોગવાઇ કરવામાં આવી છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી તેમજ ખ્રિસ્તી શરણાર્થીઓને ૧૧ વર્ષના બદલે છ વર્ષ જ ભારતમાં રહ્યા બાદ તેમને ભારતની નાગરિકતા મળી જશે. નાગરિક સુધારા બિલ ૨૦૧૬માં ભારતને તમામ હિન્દુ લોકોની માતૃભૂમિ તરીકે ગણીને તેમાં કેટલીક ખાસ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોક્કસપણે આ બાબત અમારા બંધારણની મુળભુત ભાવનાની વિરુદ્ધમાં છે.

ભારતના વર્તમાન નાગરિક કાયદા ભારતીય નાગરિક ઓળખ ધરાવનારમાં ધર્મના આધાર પર કોઇને અલગથી કોઇ રાહત આપવામાં આવતી નથી. અમારી લોકશાહી વ્યવસ્થા ધર્મનિરપેક્ષતાના આધાર પર છે. વિદેશી વિરુદ્ધ સ્થાનિક નાગરિકનો પ્રશ્ન આજે કેટલાક રાજ્યોમાં જટિલ સ્થિતી સર્જે છે. આના કારણે અંધાધુંધી થઇ રહી છે. કેટલાક રાજ્યોમાં આને લઇને તોફાન પણ થયા છે. દેખાવો પણ થઇ રહ્યા છે. બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં શરણાર્થી આવીને આસામમાં રહેવા લાગી ગયા છે.

વર્ષ ૧૯૮૦ના દશકમાં ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયનના નેતૃત્વમાં વિદ્યાર્થી આંદોલનના કારણે આ મામલો ખુબ ગરમ થયો હતો. બીજી બાજુ વર્ષ ૧૯૮૫ની સમજુતી બાદ વર્ષ ૨૦૦૫માં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને આસુ વચ્ચે આસામી નાગરિકોની વચ્ચે સહમતિ થઇ હતી. કોર્ટની દરમિયાનગીરીના કારણે આના વ્યવસ્થિત સ્વરૂપ સપાટી પર આવ્યા હતા.

આ વ્યવસ્થા હેઠળ વર્ષ ૧૯૭૧  બાદ ભારતમાં આવેલા તમામ શરણાર્થીઓને પરત તેમના સ્વદેશમાં મોકલી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે વર્તમાન સરકાર માત્ર મુસ્લિમ શરણાર્થીઓને જ તેમના દેશમાં પરત મોકલવામાં રસ ધરાવે છે. જ્યારે બાકી લોકોને અહીંની નાગરિકતા આપીને રોકવા માટે ઇચ્છુક છે.

નાગરિક સુધારા કાયદામાં આ સુધારા કેટલાક હેતુ સાથે કરવામાં આવ્યા છે. આ કાયદાના કારણે પૂર્વોતરના રાજ્યો માટે મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. ખાસ કરીને આસામના લોકો પર તો બેવડી માર પડી રહી છે. ત્યાં કેટલીક પેઢીથી રહેતા લોકોની નાગરિકતા પણ ખતરામાં દેખાઇ રહી છે. કારણ કે નાગરિકતાની નોંધણી કરાવી લેવા માટે તેમની પાસે જરૂરી દસ્તાવેજ નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.