નારોલમાં મોરપીંછનો જથ્થો પકડાયો હતો
શહેરના નારોલ વિસ્તારમાંથી ગઇકાલે બે
ટ્રક ભરીને રાષ્ટ્રીય પક્ષી એવા મોરના પીંછા મળી આવતાં શહેર સહિત રાજયભરમાં
જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ઇતિહાસમાં સૌપ્રથમવાર નારોલના શાહવાડી વિસ્તારમાં
પ્રભાત સોસાયટીમાંથી આટલી મોટી સંખ્યામાં મોરપીંછ મળતાં ખુદ રાજયનું વનવિભાગ અને
પોલીસ સત્તાવાળાઓ દોડતા થઇ ગયા હતા. કારણ કે, મોર એ રાષ્ટ્રીય પક્ષી છે અને તેને મારવું એ ગંભીર ગુનાની
વ્યાખ્યામાં આવે છે ત્યારે આટલા બધા મોરપીંછ કયાંથી અને કેવી રાતે આવ્યા અને તે
કયાં લઇ જવાના હતા તેમ જ તેનો શેમાં ઉપયોગ કરવાનો હતો તે સહિતના તમામ મુદ્દે હવે
પોલીસ અને વનવિભાગે તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ પ્રકરણમાં
મુખ્ય સૂત્રધાર તરીકે બળવંતસિંહ રાજપૂત નામના આરોપીનું નામ ખૂલ્યું છે. પોલીસે
ફરાર બનેલા બળવંતસિંહ રાજપૂતની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, મોરપીંછની હેરાફેરી પ્રકરણમાં ગઇકાલે પોલીસ અને વનવિભાગની તપાસમાં
અંતરાય ઉભો કરી રહેલી બળવંતસિંહ રાજપૂતની પત્ની સામે પણ પોલીસે ગુનો દાખલ કરી વધુ
તપાસ હાથ ધરી હતી. વનવિભાગ દ્વારા બે ટ્રક ભરીને મળી આવેલા મોરપીંછને લેબોરેટરી
પરીક્ષણ અર્થે દહેરાદૂનની લેબમાં મોકલી આપ્યા હતા, હવે તેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના નારોલ વિસ્તારમાં શાહવાડી ખાતે પ્રભાત સોસાયટીમાં બે આઇશર
ટ્રકમાં રાષ્ટ્રીય પક્ષી મોરના પીંછા હોવાની બાતમી પોલીસને મળતાં વનવિભાગ અને
પોલીસના અધિકારીઓ ત્યાં ત્રાટકયા હતા. પોલીસ અને વનવિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળેથી
બે આઇશર ટ્રક જપ્ત કરી તેમાં તપાસ કરતાં રાષ્ટ્રીય પક્ષી મોરના થોકબંધ પીંછા ટ્રક
ભરીને મળી આવ્યા હતા, જે જોઇ ખુદ પોલીસ અને વનવિભાગના
અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. તમામ મોરપીંછ ભેગા કરીને નિયત સંખ્યામાં રબરબેન્ડ
જેવી વસ્તુથી વીંટાળવામાં આવ્યા હતા. પોલીસે મોરપીંછનો તમામ જથ્થો જપ્ત કરી સમગ્ર
મામલે તપાસ હાથ ધરી હતી. વનવિભાગના અધિકારીઓએ પણ વન્ય પ્રાણી રક્ષણ અધિનિયમ હેઠળની
જોગવાઇ અન્વયે તપાસ શરૂ કરી હતી.
ખાસ કરીને મોરપીંછાની વૈજ્ઞાનિક ઢબે તપાસ અર્થે તેને દહેરાદૂન સ્થિત લેબોરેટરીમાં પણ મોકલી અપાયા હતા. પોલીસે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તરીકે બળવંતસિંહ રાજપૂતનું નામ સામે આવતાં પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને આ સમગ્ર કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે તે સહિતની તમામ બાબતોને લઇ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં એકથી વધુ ધરપકડ થવાની સંભાવના પોલીસ વ્યકત કરી રહી છે.