ચોમાસુ સત્રમાં ૬ વટહુકમોને બિલમાં બદલવાનો મોટો પડકાર

૧૮ દિવસમાં ૫૦થી વધુ બિલ પાસ કરાવાનુ બદાણ
By: admin   PUBLISHED: Wed, 11 Jul 2018 23:54:20 +0530 | UPDATED: Wed, 11 Jul 2018 23:54:20 +0530

ભાગેડુ અપરાધીક એક્ટ, બેંકરપ્સી સંશોધન એક્ટ અપરાધિક સંશોધન એક્ટ સહિતના વટહુકમોને સંસદમાં મંજુરી અપાવવી સરકાર માટે જરુરી

સંસદનું ચોમાસુ સત્ર ૧૮ જુલાઈથી શરૂ થઈ રહ્યુ છે અને આ સત્રમાં સરકાર પર અનેક પડતર બિલ પાસ કરાવવાનુ દબાણ રહેશે. સંસદનું બજેટ સત્ર હોબાળાનુ ભેટ ચડ્યુ હતુ. જેના કારણે પડતર બિલોની સંખ્યા વધી ગઈ છે. ત્યારે હવે ૧૮ દિવસના ચોમાસુ સત્ર દરમિયાન ૫૦થી વધુ બિલ અને ૬ વટહુકમ પાસ કરાવવાની જવાબદારી સરકાર પર છે.

આ ઉપરાંત સરકાર પર ચોમાસુ સત્ર સફળતાપૂર્વક પાર પાડવાની પણ જવાબદારી રહેશે. અત્યારે લોકસભામાં ૬૮ અને રાજ્યસભામાં ૪૦ બિલ પેન્ડીંગ છે. જેમાં સૌથી મહત્વનુ બિલ ભાગેડુ અપરાધી વટહુકમ ૨૦૧૮નું છે. બેંકોથી લોન લીધા બાદ વિદેશ ભાગી જતા નિરવ મોદી, વિજય માલ્યા જેવા આર્થિક અપરાધીઓ પર અંકુશ લાદવા માટે કેન્દ્રીય કેબિનેટે ગત એપ્રિલ મહિનામાં આ વટહુકમને મંજુરી આપપી હતી.

આ કાયદો ભાગેડુ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાની અને તેની હરાજી કરી નાણાં વસુલવાની જોગવાઈ ધરાવે છે. ગત ૧૨ માર્ચે આ બિલ લોકસભામાં રજુ કરાયુ હતુ પરંતુ તે પાસ થઈ શક્યુ નહીં. જેના કારણે સરકારે એપ્રિલ મહિનામાં વટહુકમ જાહેર કરવો પડ્યો હતો.  ત્યારે હવે ચોમાસુ સત્રમાં સરકાર પર આ બિલ પાસ કરાવવાનુ દબાણ રહેશે. બીજુ મહત્વનુ બિલ નાણાંકીય કોર્ટ સંબંધિત વટહુકમને લગતુ છે.

સરકારે બિઝનેસની સરળતા માટે કાયદાકીય ગુંચવણો ઉકેલવા ગત મે મહિનામાં આ વટહુકમ જાહેર કર્યો હતો જેને હજી રાષ્ટ્રપતિની મંજુરી મળી નથી. કાયદાકીય વિવાદોના કારણે અનેક કામો અટકી પડતા હોય છે. જેને દૂર કરવા માટે આ બિલ મહત્વનુ છે.

આ ઉપરાંત અપરાધિક એક્ટ સંશોધન બિલ પાસ કરાવવાનુ દબાણ પણ સરકાર પર છે. આ સંશોધનમાં સરકારે કાયદો કડક કરતા ૧૨ વર્ષથી નાની ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારના કેસમાં દોષિતોને ફાંસી આપવાની જોગવાઈ કરી છે.કેબિનેટ અને રાષ્ટ્રપતિએ આ વટહુકમને મંજુરી આપી દીધી છે.

બિલની જોગવાઈ મુજબ આવા કેસના તાત્કાલિક ઉકેલ માટે ફાસ્ટટ્રેક કોર્ટ રચવાની પણ વાત કરવામાં આવી છે. તેમજ તમામ પોલીસ સ્ટેશનમાં કેસની તપાસ માટે ફોરેન્સિક કીટ આપવાની પણ જોગવાઈ છે. અન્ય એક મહત્વનુ બિલ હોમ્પોપેથિક કેન્દ્રીય પરિષદ સંશોધનને લગતુ છે. ગત ૧૮ મેના રોજ આ અંગે સરકારે વટહુકમ જાહેર કર્યો હતો. જેમાં હોમ્પોપેથિક સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ ૧૯૭૩માં સંશોધન કરાયુ હતું. નવા સંશોધન મુજબ આ કાઉન્સિલની રચનાની જોગવાઈ કરાઈ છે.

આ ઉપરાંત હોમ્પોપેથિક મેડિકલ કોલેજ દ્વારા કોઈ નવો કોર્સ શરુ કરાય તો એક વર્ષની અંદર સરકારની મંજુરી લેવાની રહે છે. જો મંજુરી નહીં લેવાય તો આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ડિગ્રી માન્ય નહીં ગણાય. અન્ય એક બિલ રાષ્ટ્રીય સ્પોટ્‌સ યુનિવર્સિટી એક્ટને લગતુ છે. આ અંગે વટહુકમને ગત જુન મહિનામાં રાષ્ટ્રપતિએ મંજુરી આપી હતી. જે અંતર્ગત મણિપુરમાં નેશનલ સ્પોટ્‌સ યુનિવર્સિટી બનાવવાની જોગવાઈ કરાઈ છે.

આ બિલને ગત વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં રજુ કરાયુ હતું. પરંતુ તે પાસ થઈ શક્યુ નહતુ. અન્ય એક મહત્વનુ બિલ ઈન્સોલવેંસી અને બેંકરપ્સી કોડમાં સંશોધનનુ છે. કેન્દ્ર સરકારે ગત વર્ષે એક વટહુકમ જાહેર કર્યો હતો, જેમાં બેંકરપ્સી કોડમાં નવી કલમ ૨૯-એ અને ૨૩૫-એ જોડવામાં આવી હતી. આ વટહુકમને જુન ૨૦૧૮માં રાષ્ટ્રપતિની મંજુરી મળી ચુકી છે. જેમાં જોગવાઈ મુજબ બેંકરપ્સી જાહેર કરનાર કે એનપીએ ધરાવતા લોકોને તમામ સરકારી લાભોમાંથી બાદબાકી કરવામાં આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.