એમજેનું ૧૧.૮૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું...

૫૦ હજારથી વધારે પુસ્તકો વાંચવા મળશે
By: admin   PUBLISHED: Sat, 12 Jan 2019 00:46:49 +0530 | UPDATED: Sat, 12 Jan 2019 00:46:49 +0530

અમદાવાદ,

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ વલ્લભભાઇ પટેલના હસ્તે ગત તા.૧પ એપ્રિલ, ૧૯૬૮માં જયપુરી સ્થાપત્ય ધરાવતી એમ.જે. લાઇબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી મુકાઇ હતી. તે વખતે એમ.જે. લાઇબ્રેરી પાસે માત્ર ૮૮૯૧ પુસ્તકો હતા. જે સસ્તું સાહિત્ય કાર્યાલયના સ્વામી અખંડાનંદ તરફથી ભેટમાં મળ્યા હતા. જ્યારે આજે ૭.પ૦ લાખ જેટલા પુસ્તકો છે. એમ.જે. લાઇબ્રેરીના બાળકિશોર વિભાગ, મહિલા વિભાગ, વયસ્ક વિભાગ અને વિદ્યાર્થીઓ મળીને આશરે રર,૦૦૦ સભ્ય છે તેમ એમ.જે લાઇબ્રેરીના ગ્રંથપાલ ડો.બિપિન મોદી જણાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માટે ગ્રંથપાલ મોદી દ્વારા રૂ.૧૧.૮૦ કરોડનું ડ્રાફટ બજેટ તૈયાર કરાયું છે. જેમાં એમ.જે. લાઇબ્રેરીને સ્માર્ટ લાઇબ્રેરી તરીકે વિકસાવવા અંગે વિવિધ આયોજનનો સમાવેશ કરાયો છે.

એમજે લાઇબ્રેરી સહિત લાઇબ્રેરી અને મ્યુનિ. શાળાઓમાં તબક્કાવાર ૧૦૦ ઇન્ફર્મેશન કિઓસ્ક મૂકવા માટે તૈયારી

ઇ લાયબ્રેરીમાં હવેથી પુસ્તકો ફોન પર ફ્રીમાં વાંચવા મળશે! ૫૦ હજારથી વધારે પુસ્તકો વાંચવા મળશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટસિટી મિશન હેઠળ શહેરીજનોને વધુમાં વધુ ક્ષેત્રમાં સ્માર્ટ સેવા પૂરી પાડવા વિભિન્ન પ્રોજેકટનું અમલીકરણ કરાયું છે અને કેટલાક પ્રોજેકટ અમલીકરણની દિશામાં આગળ ધપી રહ્યા છે, જેમાં ઇ-સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેકટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેકટ હેઠળ આગામી એક મહિનામાં અમદાવાદીઓને પ૦,૦૦૦થી વધુ ઇ-બુક મોબાઇલ પર આંગળીના ટેરવે વાંચવા મળે તેવી શકયતા છે.

આગામી દિવસોમાં એમ.જે. લાઇબ્રેરી તેમજ તેના શાખા પુસ્તકાલય તેમજ શહેરની અન્ય આર્ટ લાઇબ્રેરી સહિતની લાઇબ્રેરીના સભ્યોને પ૦,૦૦૦થી વધુ પુસ્તકો ઇ-બુકના સ્વરૂપે મોબાઇલ એપના માધ્યમથી મફતમાં વાંચવાનો લહાવો મળશે. આમ તો તંત્રે એક લાખ ઇ-બુકનો સમાવેશ કરવાની બાબતને ટેન્ડરમાં મહત્ત્વ આપ્યું છે. સ્માર્ટ સિટી મિશનના ઇ-સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેક્ટ હેઠળ ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત, ઇતિહાસ, આરોગ્ય અને બાળ સાહિત્યને લગતી પ૦,૦૦૦ ઇ-બુક, ર૦૦ જેટલી ઓડિયો બુક, ,૦૦૦ શૈક્ષણિક વીડિયો, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિષયો પરના રિસર્ચ પેપર્સ, મેડિકલ જર્નલનો સમાવેશ ધરાવતા ર૦,૦૦૦ આર્ટિકલ વગેરેને ઇ-સ્માર્ટ લાઇબ્રેરી હેઠળ આવરી લેવાશે.

એમ.જે. લાઇબ્રેરીને પણ સ્માર્ટ લાઇબ્રેરી તરીકે વિકસિત કરવાના ભાગરૂપે કિ-ઓસ્ક મશીન વસાવાશે. શાખા પુસ્તકાલયોને વાઇ-ફાઇની સુવિધા અપાશે. તંત્ર દ્વારા ખાસ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમને અપનાવાશે. જે માટે વિશેષ પ્રકારનું સોફટવેર તૈયાર કરાશે, જેના આધારે લાઇબ્રેરીના સભ્યોને આજની સ્થિતિએ લાઇબ્રેરીમાં કેટલી બુક છે, કેટલી બુક અન્ય સભ્યોને વાંચન હેતુ અપાઇ છે.

નિશ્ચિત સમયમર્યાદાની અંદર તે બુક છે કે પછી વધારે સમયથી વાંચવામાં છે વગેરે બાબતોની જાણકારી મળી રહેશે. મ્યુનિસિપલ લાઇબ્રેરીઓની બુક માટે બારકોડ અપનાવાશે, જેના કારણે સભ્યોને બુક સંબંધિત માહિતી આંગળીના ટેરવે રહેશે. સત્તાવાળાઓએ એમ.જે.લાઇબ્રેરી સહિતની લાઇબ્રેરી તેમજ મ્યુનિસિપલ શાળાઓમાં એક અંદાજ પ્રમાણે ૧૦૦ ઇન્ફર્મેશન કિઓસ્ક મૂકવાની વિચારણાા હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક તબક્કે ૧૦થી ર૦ કિઓસ્ક મુકાશે. 

એમ.જે. લાઇબ્રેરીની વેબસાઇટ પર મહાત્મા ગાંધી દ્વારા ભેટ અપાયેલા ૩પ૦૦ પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરીને નાગરિકો માટે ઓનલાઇન મુકાયા છે, પરંતુ ઇ-સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેકટ હેઠળ આ પુસ્તકો પણ મુકાશે. એમ.જે. લાઇબ્રેરીમાં સભ્ય ફી માટે ઇ-પેમેન્ટની સુવિધા તેમજ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરીને તેનું સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે કોમ્પ્યુટર લેબ ઊભી કરાશે દરમિયાન સ્માર્ટ સિટી પ્રોજેકટનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરે ઇ-સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેકટ અંગે જણાવ્યું કે, આ પ્રોજેકટ હેઠળ વધુને વધુ સંખ્યામાં ઇ-બુકસનો સમાવેશ કરવાનો તંત્રનો પ્રયાસ રહેશે. જે માટેના ટેન્ડર નીકળી ચૂકયાં હોઇ એક મહિનામાં નાગરિકોને પોતાના મોબાઇલ પર ઇ-બુકસ વાંચવાનો લહાવો મળે તે દિશામાં તંત્રે ચક્રો ગતિમાન કર્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.