Wednesday,19 September 2018,08:42:40

કઠુઆ કાંડ : દેશની દુર્દશા દુર્જનોથી નહીં સજ્જનોની નિષ્ક્રિયતાથી છે

કેંડલ માર્ચ યોજી ફરી તે જ ઘટનાઓમાં લાગી જાય છે લોકો
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 15:54:24 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 16:22:31 +0530

દેશમાં આંદોલન માત્ર કેમેરા સામે ચમકવા માટે હોય છે, પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી, ૨૦૧૨માં તેમ થયુ હતુ અને આજે પણ તેવુ જ થાય છે

સ્વામી વિવેકનંદે એક જમાનામાં જણાવ્યુ હતું કે દેશની દુર્દશા દુર્જનોની દુર્જનતાથી નહીં પરંતુ સજ્જનોની નિષ્ક્રિયતાથી થાય છે. સમાજનુ એ બેવડુ ચરીત્ર કઠુઆમાં થયેલ  બળાત્કાર અને હત્યાની ઘટનામાં સામે આવી રહ્યુ છે. 

કઠુઆમાં ૮ વર્ષની બાળકી સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી. આ ઘટના આજની નથી. ઘટનાને ૩ મહિના થઈ ગયા છે ત્યારે હવે દેશ જાગ્યો છે અને સમગ્ર દેશમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

રાજનેતાઓથી લઈને અભિનેતાઓ આ મામલે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.કોઈ રસ્તા પર કેંડલ માર્ચ કાઢી રહ્યુ છે તો કોઈ સોશિયલ મીડિયા પર પીડિત બાળકીના પક્ષમાં હાથમાં પોસ્ટર લઈ તસ્વીર પોસ્ટ કરી રહ્યુ છે. 

આ વિરોધ પ્રદર્શને ફરી એકવાર પાંચ વર્ષ પહેલાના નિર્ભયાકાંડની યાદ તાજી કરાવી દીધી. ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હીના રસ્તાઓ પર એક ગેંગરેપ થયો અને આ ગેંગરેપે દેશના મનમાં ઠંડી પડી રહેલ આંદોલનની ચિંગારીને ફરી ભડકાવી, લોકો હાથમાં મિણબત્તિ અને બેનરો લઈ રસ્તા પર ઉતરી આવ્યા, તમામ લોકો પરિવર્તનની મશાલ સળગાવી રહ્યા હતા. ત્યારે માત્ર દિલ્હીમાં નહીં પણ સમગ્ર દેશમાં ગુસ્સો હતો.

આજે એ ઘટનાને દેશ નિર્ભયાકાંડ તરીકે ઓળખે છે.આજે પણ દેશવાસીઓના દિલ અને દિમાગ પર એ ઘટનાના ઘા રુઝાયા નથી. પરંતુ એ પ્રદર્શનમાં ક્યાંય રાહુલ ગાંધી જોવા મળ્યા નહતા. કારણકે ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને રાહુલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા. પરંતુ આજે સમય બદલાઈ ચુક્યો છે રાહુલ ગાંધી અને તેમની પાર્ટી વિપક્ષમાં છે જેથી તેમની પાસે બળાત્કારની ઘટના સામે કેંડલ માર્ચ કરવાની સુવિધા છે, જે ગુરુવારે રાત્રે જોવા પણ મળ્યુ.

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે એવા લોકોની ભીડ હતી જે સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પક્ષમાં અનેક હેશટેગ ટ્રેંડ થઈ રહ્યા છે. પરંતુ દેશનુ દુર્ભાગ્ય એ છે કે પ્રદર્શનોમાં હેશટેગ ટ્રેંડ થવાને અભિયાનની સફળતા માનીને અટકી જવાય છે. જ્યારે વાસ્તવિક્તા તેના કરતા અલગ હોય છે.

લોકોના દિલમાં લાગણીઓ ટ્રેડ કરે છે હેશટેગ નહીં તે વાત આ નેતાઓને કોણ સમજાવશે. નિર્ભયા ગેંગરેપ બાદ જ્યારે પ્રદર્શન થઈ રહ્યા હતા ત્યારે તેને જોઈને એવુ લાગી રહ્યુ હતું કે આ દેશ હવે બદલાઈ જશે ભારતમાં હવે બળાત્કાર નહીં થાય અને સમગ્ર સમાજ તેમજ સિસ્ટમ ઝિરો ટોલરન્સ પોલીસી અપનાવી લેશે. પરંતુ તે ૨૦૧૨ હતુ અને આજે ૨૦૧૮ છે, તેમ છતાં બધુ તેમનુ તેમ છે, કંઈ જ બદલાયુ નથી.

આ બાબત કાયદાકીય સમસ્યા તો છે જ પરંતુ તેના કરતા પણ એક મોટી સામાજિક સમસ્ય છે. એ ખૂબ જ દુઃખની વાત છે કે જ્યારે આપણા દેશમાં કોઈ પ્રદર્શન થાય ત્યારે તેને કવર કરવા માટે અનેક ટીવી ચેનલો હાજર થઈ જાય છે અને હજારો સંખ્યામાં લોકોની ભીડ ઉમટી જાય છે, નેતાઓ પણ આ તકનો લાભ લેવા પોતાની રાજનીતિ ચમકાવવા કરે છે.

મીડિયામાં પણ કેટલાક પત્રકારો આવી ઘટનાઓને કવરેજ કરી મહાન બની જાય છે તેમજ એવોર્ડ પણ જીતી લે છે. પરંતુ જે સમસ્યા દૂર કરવા માટે આ બધુ થયુ હતું તે સમસ્યા તેવીને તેવી જ રહે છે. ૨૦૧૨માં પણ તેમ થયુ હતુ અને હવે પણ તેમ જ થઈ રહ્યુ છે. દેશમાં આંદોલન માત્ર કેમેરા સામે પોતાનો એજન્ડા ચમકાવવા માટે હોય છે, વાસ્તવમાં તેની કોઈ અસર જમીની સ્તરે દેખાતી નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.