ભાનુશાળી હત્યા: પોલીસના હાથ હજુ પુરાવા વિના ખાલી

પોલીસે ચારથી પાંચ શકમંદ મુસાફરોની પણ પૂછપરછ કરી : પવન મોરેનું પર્સ હત્યારાઓએ લૂંટયું હતુ : અહેવાલ
By: admin   PUBLISHED: Fri, 11 Jan 2019 00:18:47 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 00:18:47 +0530

હત્યાના બે કલાક પૂર્વે ભાનુશાળીની પુત્રી સાથે વાત

ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે બનાવ વખતે જનરલ ડબાની ટિકિટ લઇ એસી કોચમાં મુસાફરી કરી રહેલા ચારથી પાંચ શકમંદ મુસાફરોની પણ પૂછપરછ હાથ ધરી હતી. તો, જયંતિ ભાનુશાળી સાથે હત્યાના બનાવ વખતે સાથે મુસાફરી કરે રહેલા પવન મોરેનું પર્સ પણ હત્યારાઓએ લૂંટયું હતુ, જે આડેસરમાંથી પોલીસે જપ્ત કર્યું હતું. જો કે, આટલી મોટી પોલીટીકલ હત્યાને બે દિવસ વીત્યા બાદ પણ પોલીસના હાથ હજુ નક્કર પુરાવાના અભાવે ખાલી છે.

બીજીબાજુ, જયંતિ ભાનુશાળીની હત્યા રાજકીય અદાવતમાં, અંગત અદાવતમાં તો, વળી રાજકીય મોટા માથાઓની સેક્સસીડી સહિતની વાતો અને રહસ્યો ભાનુશાળી જાણતાં હોઇ તેમની હત્યા કરી દેવાઇ હોવા સહિતની અનેક અટકળો અને ચર્ચા આજે પણ ચાલ્યા હતા. જો કે, પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે.

આ કેસમાં તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની સાથે સાથે શહેર ક્રાઇમબ્રાંચ, એટીએસ, સીઆઇડી ક્રાઇમ અને રેલ્વે પોલીસની વિવિધ ટીમો જુદા જુદા સ્થળોએ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે અને ચકચારભર્યા એવા આ હત્યા કેસમાં કોઇ મહત્વની કડી કે નક્કર પુરાવા પ્રાપ્ત કરવાના પ્રયાસમાં લાગેલી છે પરંતુ હજુ સુધી પોલીસને જોઇએ તેટલી સફળતા મળી નથી. બીજીબાજુ, ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ હત્યા થયાના લગભગ બે કલાક પહેલા જ મુંબઇ ખાતે રહેતી પોતાની દીકરીને ફોન કરીને વાત કરી હોવાની વિગતો પણ સામે આવી હતી.

જયંતિ ભાનુશાળીના વેવાઇ કરશન ભાનુશાળીએ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જયંતિ ભાનુશાળીએ બનાવની રાત્રે સવા અગિયાર વાગ્યા આસપાસ દીકરી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં જયંતિ ભાનુશાળીએ કહ્યું હતું કે, બેટા, તુ હવે ગભરાઈશ નહિ, ભગવાને તારા બાપ ઉપર અને આપણા કુટુંબની ખૂબ જ પરીક્ષાઓ કરી છે, હવે છેલ્લી પરીક્ષા પૂરી થઈ હવે બેટા આપણે ફરીથી બેઠા થઈશું. આપણી સાથે માં આશાપુરા છે અને સચ્ચાઈની હંમેશાં જીત થાય છે. હવે ૨૦૧૯માં આપણું નામ પહેલાથી ઘણું લોકપ્રિય થશે.

પિતાની વાતના જવાબમાં દીકરીએ જયંતિ ભાનુશાળીને કહ્યું હતું કે પપ્પા હું તમારો દીકરો થઈને રહીશ, હું તમને ભાઈ અનિરુદ્ધની અને નાના ભાઈની ખોટ ક્યારેય નહિ સાલવા દઉં. અત્રે ઉલ્લેખનીય છે જે સયાજીનગર એક્સપ્રેસમાં જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમની સામેની સીટ પર રહેલ મુસાફર સહિત ટ્રેનના સ્ટાફની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં કોઇ મુસાફરે હત્યારા જોયાનો ઘટસ્ફોટ કર્યો છે અને પવન મોરેએ પણ આ વાતનો ખુલાસો કર્યો છે. પોલીસ હવે તમામ દિશામાં સઘળા પાસાઓને ધ્યાનમાં રાખી હાલ તપાસનો ધમધમાટ તેજ અને વેગવંતો બનાવી તપાસ ચલાવી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.