ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ સામે જસપ્રિત બુમરાહ રમશે નહીં

બુમરાહને આરામ આપવાનો બોર્ડનો નિર્ણય
By: admin   PUBLISHED: Tue, 08 Jan 2019 22:54:37 +0530 | UPDATED: Tue, 08 Jan 2019 22:54:37 +0530

ધોની ટીમ ઇન્ડિયાની સાથે જોડાયો : ઓસ્ટ્રેેલિયામાં ૧૨મી જાન્યુઆરીથી ૩ વનડે મેચની શ્રેણી : ભારે રોમાંચ અકબંધ

મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા વનડે શ્રેણી રમવાના હેતુસર ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. ટીમમાં હાલમાં જ આ બંનેને ફરી તક આપવામાં આવી હતી. બીજી બાજુ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જસપ્રિત બુમરાહને ઓસ્ટ્રેલિયાની સામે રમાનારી વનડે શ્રેણી અને ત્યારબાદ ન્યુઝીલેન્ડના પ્રવાસમાં રમાનારી મેચ માટે આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બુમરાહે હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨૧ વિકેટ ઝડપીને ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. ભારતે આ શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની સામે ઘરઆંગણેની શ્રેણી પહેલા પુરતા આરામ આપવાના હેતુસર આ નિર્ણય કરાયો હોવાનો દાવો બીસીસીઆઈ દ્વારા કરાયો છે. પંજાબના ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલને હવે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જ્યારે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને સામેલ કરાયો છે.

બુમરાહે વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટીમાં જોરદાર પ્રભુત્વ જમાવ્યું છે. બીજી બાજુ ધોની ભારતથી રવાના થયા બાદ ટીમ સાથે જોડાઈ ગયો છે. ધોની ઉપરાંત એશિયા કપમાં ઇજાગ્રસ્ત થયા બાદ ટીમની બહાર થયેલા હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સામીને પણ ફરી સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ૧૨મી જાન્યુઆરીથી ત્રણ વનડે મેચોની શ્રેણી અને ૨૩મી જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડમાં પાંચ વનડે મેચોની શ્રેણી રમશે. ભારતે પોતાની છેલ્લી વનડે શ્રેણી વેસ્ટઇન્ડિઝની સામે રમી હતી. કેરેબિયન ટીમની સામે પહેલી બે વનડે બાદ સમીને બહાર કરવામાં આવ્યો હતો.

ટીમમાં પંત, મનિષ પાંડે અને ઉમેશ યાદવને સામેલ કરવામાં આવ્યા નથી. પસંદગીકારોએ વનડે શ્રેણીની સાથે સાથે ન્યુઝીલેન્ડમાં રમાનારી ટી-૨૦ શ્રેણી માટે પણ ટીમ ઇન્ડિયાની અગાઉ જાહેરાત કરી દીધી હતી. છઠ્ઠી ફેબ્રુઆરીથી ત્રણ મેચોની શ્રેણી રમાશે. ટીમ ઇન્ડિયા ૧૨મી જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રણ મેચોની શ્રેણી રમશે. ત્યારબાદ એડિલેડમાં ૧૫મી જાન્યુઆરી અને ૧૮મીએ મેલબોર્નમાં રમશે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડ માટે રવાના થશે. જ્યાં પ્રવાસની શરૂઆત પાંચ વનડે મેચોની શ્રેણી સાથે કરશે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડની સામે ૨૩મી જાન્યુઆરીના દિવસે નેપિયરમાં રમશે. ત્યારબાદ શ્રેણીની બીજી વનડે ૨૬મી જાન્યુઆરીના દિવસે રમાશે. આ બંને દેશોમાં રમાનાર વનડે શ્રેણીમાં સ્થાન નહીં મેળવનાર પંત ભારત પરત ફરીને ભારત એ તરફથી ઇંગ્લેન્ડ લોયન્સની સામે પાંચ વનડે મેચોની  શ્રેણીમાં રમશે. જો કે તે ન્યુઝીલેન્ડમાં રમાનારી ટી-૨૦માં રમશે. વનડે શ્રેણીને લઇને ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ છે. ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ તમામ ચાહકો રોમાંચિત છે.

આગામી શ્રેણી કાર્યક્રમ

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણીની ૧૨મી જાન્યુઆરીથી શરૂઆત થશે. બંને શ્રેણીનો કાર્યક્રમ નીચે મુજબ છે.

ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીનો કાર્યક્રમ

 1. ૧૨મી જાન્યુઆરીએ સિડનીમાં પ્રથમ વનડે
 2. ૧૫મી જાન્યુઆરીએ એડિલેડમાં બીજી વનડે
 3. ૧૮મી જાન્યુઆરીએ મેલબોર્નમાં ત્રીજી વનડે
 4. ન્યુઝીલેન્ડ શ્રેણીનો કાર્યક્રમ
 5. ૨૩મી જાન્યુઆરીએ નેપિયરમાં પ્રથમ વનડે
 6. ૨૬મી જાન્યુઆરીએ માઉન્ટમોનગોનીમાં બીજી વનડે
 7. ૨૮મી જાન્યુઆરીએ માઉન્ટમોનગોનીમાં ત્રીજી વનડે
 8. ૩૧મી જાન્યુઆરીએ હેમિલ્ટનમાં ચોથી વનડે
 9. ત્રીજી ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં પાંચમી વનડે
 10. છઠ્ઠી ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં પ્રથમ ટ્‌વેન્ટી
 11. ૮મી ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં બીજી ટ્‌વેન્ટી
 12. ૧૦મી ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં ત્રીજી ટ્‌વેન્ટી

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.