સ્કુલોને 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજુ કરવા સુપ્રિમ કોર્ટનો આદેશ,ઇતર ફી ઉઘરાવી રહેલી સ્કુલો માટે પણ સુપ્રિમ કોર્ટની લાલ આંખ

વધારાની ફી વસૂલવા વાલીને ફરજ પાડી શકે નહીં:સુપ્રિમ કોર્ટ
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 19:53:56 +0530 | UPDATED: Fri, 13 Jul 2018 22:22:44 +0530

અમદાવાદ

સુપ્રીમ કોર્ટે ફી નિયમન નિયમ બાબતે શાળાઓને વચગાળાનો આદેશ કરતા કહ્યું છે કે, તેઓ વધારાની ફી વસૂલવા વાલીને ફરજ પાડી શકે નહીં. કોર્ટે જણાવ્યું છે કે, સ્કૂલો શિક્ષણ ઉપરાંત વધારાની કોઈપણ બાબતો માટે લેવાતી ફી ઉપરાંત વધારાની ફી વસૂલી નહીં શકે. આ ઉપરાંત જે સ્કૂલોએ હજુ સુધી પોતાની ફી મંજૂર કરાવવા ફી નિયમન સમિતિમાં દરખાસ્ત નથી કરી તેમને તાત્કાલિક પોતાની દરખાસ્ત કરવા જણાવાયું છે.

ગુજરાતમાં શાળા ફી નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓને રાહત આપતો અને શાળા સંચાલકોને આંચકો આપતો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે શાળા તેમની ફી વધારાનો પ્રસ્તાવ ૨ અઠવાડીયામાં રજુ કરે અને જો પ્રસ્તાવ રજુ કરવામાં નહીં આવે તો સરકાર પગલા લેશે.

સર્વોચ્ચ અદાલતે તા.૨ સપ્ટેમ્બર સુધીમાં તમામ સ્કુલોને ગુજરાત સરકારના નોટીફીકેશન અદાલતના ચુકાદા મુજબ તાત્કાલીક અમલવારી કરવાનો હુકમ ફરમાવેલ છે.

સ્કુલની ફીને લગતા સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદા મુજબ તથા તેના ઉપરથી ગુજરાત સરકારે બહાર પાડેલ નોટીફીકેશન મુજબના નિયમો રાજ્યની અનેક અગ્રણી સ્કુલો પાળતી ન હોવાથી સુપ્રિમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાની અરજી થઇ હતી.

ગુજરાતમાં ૧૬ હજારમાંથી ૧૮૬૩ શાળાઓએ ફીનો પ્રસ્તાવ આપ્યો નથી. ગુજરાતની સેલ્ફ ફાઈનાન્સ સ્કુલોને રાજ્ય સરકારે ફી અધિનિયમ હેઠળ સમિતિ સમક્ષ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓ અને ખર્ચની સંયુક્ત યોજના તૈયાર કરવા જણાવ્યુ હતું. જો શક્ય હોય તો ફોર્મુલા બન્નેને (શાળા અને વાલીઓને) સ્વીકાર્ય હોય તેવી  પ્રપોઝલ રજુ કરવા જણાવ્યુ હતું.

સુપ્રિમ કોર્ટે વધુમાં કહ્યું કે કેટલીયે શાળાઓ હજુ ફી નિયમન સમિતિ (એફ.આર.સી.)માં જોડાઇ નથી તેમને બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. આ સ્કુલો જો જોડાશે નહિં તો કાર્યવાહી કરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટે એમ પણ નિર્દેશ કર્યો હતો કે ઘોડેસવારી, સ્વીમીંગની કે ટ્રાન્સપોર્ટેશનની ફી પણ વાલીઓ પાસેથી લેવી જરૂરી નથી. આવી ઈત્તર ફીનું લીસ્ટ સરકાર આપશે. અને ઈતર ફી અંગે વાલીઓ ઉપર દબાણ લાદી ન શકાય.

ઉલ્લેખનીય છે કે ફી વધારાની બાબતે અમદાવાદની ૧૭૫ જેટલી શાળાઓએ હજુ સુધી સરકારના આદેશનુ પાલન કર્યુ નથી. જે બાદ સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે. શાળા અને માતા-પિતાના સંગઠન સાથે બેઠક કર્યા બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગત શુક્રવારે દિલ્હીમાં મુલાકાત કરી હતી. ચુડાસમાએ જણાવ્યુ હતું કે, તેઓ તે શાળાઓ પર સુપ્રીમ કોર્ટનુ ધ્યાન ખેંચશે કે જેણે તેમની પ્રસ્તાવો સાથે ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી)નો સંપર્ક કર્યો નથી. જે બાદ સુપ્રીમ કોર્ટે તે શાળાઓને ટકોર કરી છે કે તેઓ સરકારના કાયદાનુ પાલન કરે છે. આ યાદીમાં ૧૭૫ જેટલી સ્કુલ છે જેમણે હજુ સુધી એફઆરસી સમક્ષ દરખાસ્ત કરી નથી. સુપ્રીમના આદેશ મુજબ આ શાળાઓએ બે અઠવાડિયામાં ફી નિયમન સમિતિ સમક્ષ કોઈ જ પ્રકારની ચુક કર્યા વિના તેમની ફીનુ પ્રપોઝલ આપવાનુ રહેશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.