કોલ સેન્ટરની તપાસમાં અમેરિકાની FBIના અધિકારીઓ અમદાવાદ પહોંચ્યા

અમદાવાદમાંથી ઓપરેટ થતાં કોલ સેન્ટરોએ અમેરિકાના નાગરિકો પાસેથી લાખો ડોલર પડાવ્યા
By: Monika Vyas   PUBLISHED: Sun, 10 Feb 2019 14:47:37 +0530 | UPDATED: Tue, 12 Feb 2019 17:19:52 +0530અમદાવાદ

અમદાવાદમાં તાજેતરમાં અનેક કોલ સેન્ટરો પકડાયા પછી અમેરિકાની ટોપ લેવલની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(એફબીઆઇ)ની એક ટીમ શનિવારે અમદાવાદ આવી હતી.અમદાવાદમાં તાજેતરમાં બે મોટા બોગસ કોલ સેન્ટર પકડાયા પછી એફબીઆઇની ટીમ તેની તપાસ માટે પહોંચી હતી.

અમદાવાદમાં છેલ્લાં થોડા વર્ષોમાં જેટલા કોલ સેન્ટર પકડાયા તેમાં કામ કરતા કર્મચારીઓ અમેરિકાના નાગરિકોને ફોન કરીને ડોલર ભરવાની ધમકીઓ આપતા હતા.શહેરમાં કોલ સેન્ટર ચલાવતા સંચાલકો અમેરિકાના લોન ડિફોલ્ટર નાગરિકોથી લઇને ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપી હેરાન કરી ડોલર પડાવતાં હતા.

એફબીઆઇની ટીમ લોકલ પોલિસ પાસેથી પકડાયેલા કોલ સેન્ટરનો ડેટા મેળવી રહી છે જેમાં લાખો અમેરિકન નાગરિકોની માહિતીઓ છે.એફબીઆઇ એ પણ તપાસ કરી રહી છે કે કોલ સેન્ટર ચલાવતા સંચાલકો પાસે અમેરિકાના નાગરિકોનો ડેટા કેવી રીતે આવે છે.

અમેરિકાના નાગરિકો સાથે છેતપીંડી કરતાં અમદાવાદના પાંચ કોલ સેન્ટરના ડેટા મેળવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

આમ તો અત્યાર સુધી બોગસ કોલ સેન્ટર ચલાવતા સંચાલકો લોન નહીં ભરીને ડિફોલ્ટ થયેલાં અમેરિકાના નાગરિકોને ધમકાવીને ડોલરો પડાવતા હતા.પરંતું હમણાંથી છેતરપીંડીની નવી મોડસ ઓપરેન્ડી વાપરતા હતા.એ પ્રમાણે  તેઓ પોતાની જાતને યુએસ ઇન્ટેલીજન્સ એજન્સીના ઓફિસર તરીકે ઓળખ આપીને અમેરિકા નાગરિકોને ધમકી આપતાં કહેતાં કે તમારી કારમાંથી બ્લડ અને કોકેન જેવું ડ્રગ્સ મળ્યું છે અને આ મામલાની પતાવટ કરવી હોય તો તેમના ખાતામાં ડોલર જમા કરાવી દે.

અમેરિકાના એફબીઆઇના ઇન્ટરનેટ ક્રાઇમ કમ્પલેન્ટ સેન્ટરના અધિકારી શોએબ દાઉદ અમદાવાદ પહોંચ્યા હતા.અમદાવાદના પોલિસ કમિશનર એકે સિંહના જણાવ્યા પ્રમાણે એફબીઆઇના અધિકારી શોએબ દાઉદને કોલ સેન્ટરોમાંથી પકડાયેલ કોલ લીસ્ટ અને બીજો સંવેદનશીલ ડેટા પણ આપવામાં આવ્યો છે.

અમદાવાદના સાયબર સેલના સુત્રો કહે છે કે કોલ સેન્ટરમાંથી રોજ 2000 કોલ થઇ શકે તેવું સોફ્ટવેર નાંખવામાં આવતું હતું.આ સોફ્ટવેર વાપરીને અમેરિકા ફોન થતો હતો અને ત્યાંના નાગરિકોને ધમકાવવામાં આવતા હતા.અમદાવાદના કોલ સેન્ટરમાંથી જે ફોનો થતાં તેમાંથી 5 ટકા ફોન સફળ જતાં અને ગભરાયેલા અમેરિકનો તેમને ડોલર ચુકવી આપતાં.

 

અમેરિકાના જે નાગરિકો ટેક્સ નથી ચુકવતા તેમની પાસેથી પણ આવા કોલ સેન્ટરોએ લાખો ડોલર પડાવ્યા છે.અમેરિકાની ટ્રેઝરી ઇન્સપેક્ટર જનરલ ફોર ટેક્સ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ પાસે એવી માહિતી છે કે વિદેશથી અનેક કોલરો ફોન કરીને અમેરિકાના ડિફોલ્ટ ટેક્સ પેયર્સ પાસેથી નાણાં પડાવી રહ્યાં છે.અમેરિકાની સસંદમાં મુકાયેલા આંકડા પ્રમાણે અમેરિકાના 1 લાખ નાગરિકો પાસેથી આવી રીતે નાણાં પડાવવામાં આવ્યા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.