ચાર જજોનું નિવેદન દેશની લોકશાહી માટે કાળો દિવસ : કાયદા નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો પોતાનો મત

કાયદા નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો પોતાનો મત
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 21:15:59 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 21:15:59 +0530

સુપ્રીમ કોર્ટના ચાર સૌથી સિનીયર જજોએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ન્યાયપ્રણાલી પર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આ ઘટનાક્રમને કાયદા નિષ્ણાંતોએ અસાધારણ ગણાવ્યો છે. કાયદા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ ઘટના બાદ હવે લોકો દેશની ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ કરતા પણ ખચકાશે. તો કેટલાક નિષ્ણાંતોએ આ સમગ્ર ઘટનાક્રમને દેશની લોકશાહી માટે કલંકરુપ ગણાવ્યો છે.  વિવિધ નિષ્ણાંતોના મત નીચે મુજબ છે.

•             જસ્ટીસ સોઢીએ આ પગલા પર સવાલ ઉઠાવતા જણાવ્યુ હતું કે સુપ્રીમ કોર્ટના જજો પ્રેસ કોન્ફરન્સ કઈ રીતે કરી શકે? તેમણે જણાવ્યુ હતું કે હું આના પરિણામને લઈ ખૂબ જ દુખી છું. તમે પ્રેસ કોન્ફરન્સ મારફતે સુપ્રીમ કોર્ટનુ કામકાજ ચલાવી શકો નહીં. આ પગલુ જનમતસંગ્રહ કરાવવા સમાન બાબત છે. જેનાથી ન્યાય વ્યવસ્થાને નુકશાન પહોંચ્યુ છે.

•             પંજાબ એન્ડ હરીયાણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ મુદ્રુલે જણાવ્યુ હતું કે, સુપ્રીમ કોર્ટના ચાર સૌથી વરીષ્ઠ જજો આ મુદ્દાને લોકો સમક્ષ રજુ કરવા માંગતા હતા. દેશમાં જે કંઈ થઈ રહ્યુ છે તે લોકોના ધ્યાને આવવુ જોઈએ. એકસાથે ચાર જજોએ આ પગલુ ઉઠાવ્યુ તેની પાછળ કોઈને કોઈ કારણ તો ચોક્કસ હશે.

•             ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યુ હતું કે, જજોએ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી તે ઘટનાને વખોડવાની જગ્યાએ ગંભીરતાથી લેવાની જરુર છે, આ મુદ્દે વડાપ્રધાને પોતે પહેલ કરવી જોઈએ તેમજ ચીફ જસ્ટીસે ચારેય જજો સાથે વાતચીત કરીને મામલાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.

•             સિનીયર એડવોકેટ પ્રશાંત ભૂષણે આજના ઘટનાક્રમને અભૂતપૂર્વ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યુ કે, જજોને મજબુર કરનાર સ્થિતિ વચ્ચે તેમણે પ્રેસ કોન્ફરન્સ જેવો અંતિમ વિકલ્પ અજમાવ્યો છે. જો દેશના આટલા જવાબદાર વ્યક્તિઓ કંઈક કહી રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે સ્થિતિ ચોક્કસ ગંભીર છે. સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે.

•             પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે આજના ઘટનાકર્મને ચિંતાજનક ગણાવ્યો હતો. જ્યારે પૂર્વ કાયદામંત્રી અશ્વિની કુમારે આ ઘટનાને ભારતીય લોકતંત્ર માટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. જ્યારે વરીષ્ઠ વકિલ કેટીએસ તુલસીએ આ ઘટનાક્રમ અંગે પોતાનુ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું.

ચીફ જસ્ટીસ સુપ્રીમની પરંપરાનો ભંગ કરે છે : ચાર જજોએ લગાવ્યા ગંભીર આરોપ

સુપ્રીમ કોર્ટના ચાર જજોએ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત એકસાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચીફ જસ્ટીસ દિપક મિશ્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે. જસ્ટીસ જે ચેલમેશ્વર, જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એમબી લૌકુર અને જસ્ટીસ કુર્રીયન જોસેફ આ પ્રેસ કોન્ફરન્સમાં જોડાયા હતા. તેમણે ચીફ જસ્ટીસ પર લગાવેલ ગંભીર આક્ષેપો નીચે મુજબ છે.

•             ચીફ જસ્ટીસ દિપક મિશ્રા એ પરંપરાનો ભંગ કરી રહ્યા છે જે અંતર્ગત મહત્વના કેસોનો ચુકાદો સામૂહિક રીતે તૈયાર કરવામાં આવે છે.

•             કેસોની વહેંચણીમાં ચીફ જસ્ટીસ નિયમોનુ પાલન કરી રહ્યા નથી

•             સુપ્રીમ કોર્ટની વિશ્વસનિયતાને પડકારી શકે તેવા મહત્વના કેસો ચીફ જસ્ટીસ કોઈપણ પ્રકારના યોગ્ય કારણ વિના પોતાના પસંદગીની બેંચને સોંપી દે છે

•             મોટાભાગના કેસો પોતાના પસંદગીના જજોને સોંપવામાં આવે છે

•             સુપ્રીમ કોર્ટ કોલેજિયનને ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ કેએમ જોસેફ અને સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકિલ ઈન્દુ મલ્હોત્રાને સુપ્રીમમાં જજ તરીકે નિમણૂંક કરવાની ભલામણ કરી હતી

•             જસ્ટીસ કેએમ જોસેફે હાઈકોર્ટમાં રહેતા ૨૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ ઉત્તરાખંડમાં હરીશ રાવત સરકાર હટાવીને રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણયને રદ્દ કર્યો હતો

•             સુપ્રીમ કોર્ટમાં નક્કી કરાયેલ ૩૧ જસ્ટિસ પૈકી અત્યારે માત્ર ૨૫ જ કાર્યરત છે એટલે કે ૬ પદ ખાલી પડેલા છે

 

ભારતમાં લોકશાહી ઉપર તોળાઈ રહ્યો છે મોટો ખતરો : ચાર રુલિંગ જજોએ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ : સિદ્ધાંત ભંગનો આરોપ

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આજે જસ્ટિસ જે ચલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુર્રીયન જોસેફે પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ યોજી. આવુ પ્રથમ વખત થયુ છે કે સુપ્રીમ કોર્ટના જજોએ મીડિયા સાથે વાતચીત કરી હોય. જસ્ટિસ ચેલમેશ્વરે જણાવ્યુ કે, આ એક અદ્‌ભૂત અવસર છે. ભારતના ઈતિહાસમાં આવુ પહેલા ક્યારેય નથી થયુ.  કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટનુ એડમિનિસ્ટ્રેશન તે કામ નથી કરી રહ્યુ છે તેણે કરવુ જોઈએ. દુર્ભાગ્યથી અમારા પ્રયાસો નિષ્ફળ થઈ ગયા છે. જ્યાં સુધી અમે જરુરી સવાલોના જવાબ નહીં આપીએ ત્યાં સુધી ડેમોક્રેસી સુરક્ષિત નહીં રહે. બે મહિનાથી જે સ્થિતિ છે તેના કારણે અમારે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પડી રહી છે. અમે દેશની જનતાને બધુ જણાવવા માંગીએ છીએ.

જસ્ટિસ ચેલમેશ્વરે જણાવ્યુ કે, આ એક અદ્‌ભૂત તક છે. ભારતના ઈતિહાસમાં આવુ કદી નથી થયુ.  ૨ મહિનાથી જે સ્થિતિ છે તેના કારણે અમારે આ પ્રેસ કરવી પડી છે.અમે હજી સુધી ચીફ જસ્ટિસને  સમજાવી નથી શક્યા. તેમણે જણાવ્યુ કે, અમે તમારી સાથે એટલા માટે વાત કરી રહ્યા છીાએ કારણકે અમે દેશ પ્રતિ અમારી જવાબદારીમાંથી ભાગવા નથી માંગતા.

 તો જસ્ટિસ ગોગોઈએ જણાવ્યુ કે, અમને જે તકલીફો છે તે વિશે અમે ચીફ જસ્ટિસ સાથે વાત કરી ચુક્યા છીએ. તેમ છતા દુઃખ સાથે કહેવુ પડે છે કે બધુ બરાબર નથી ચાલી રહ્યુ. આ ચાર જજોની પેનલે ચીાફ જસ્ટિસ દીપક મિશ્રાને સાત પાનાનો પત્ર પણ લખ્યો છે. જોકે આ પત્ર હજી સુધી પ્રેસ કોન્ફરન્સમાં દર્શાવાયો નથી કે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આગામી સમયમાં તેને સર્ક્યુલેટ કરવામાં આવી શકે છે.

ન્યાયતંત્ર વિવાદમાં હસ્તક્ષેપ ન કરવાના મૂડમાં સરકાર : સમગ્ર ઘટનાક્રમ અંગે કોંગ્રેસ, મમતા બેનર્જી અને શરદ યાદવે વખોડ્યો : લોકશાહી સામે ગણાવ્યો મોટો ખતરો : સમગ્ર મામલાને કોર્ટનો આંતરીક મામલો ગણાવ્યો

ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા પર ચાર જજોએ લગાવેલ ગંભીર મામલે સરકારમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત કરી હતી. ગંભીર ચર્ચા બાદ સરકાર દ્વારા આ સમગ્ર મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દેવાયો છે.

સુત્રોના જણાવ્યા મુજબ, સરકાર આ મામલે હસ્તક્ષેપ કરીને વિવાદમાં ઉતરવા માંગતી નથી. સરકારનુ માનવુ છે કે આ ન્યાયતંત્રનો આંતરીક મામલો છે. જોકે વડાપ્રધાને એ વાત પર પણ ભાર મુક્યો છે કે આ વિવાદને બને તેટલી ઝડપથી ઉકેલવો જોઈએ, કારણકે આ સમગ્ર ઘટનાના કારણે ન્યાયતંત્રની વિશ્વસનિયતા દાવ પર લાગી છે. જ્યારે બીજીબાજુ ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ એટર્ની જનરલ કેકે વેણુગોપાલ સાથે મુલાકાત કરીને સમગ્ર મામલે ચર્ચા કરી હતી. જ્યારે આ મામલાને કોંગ્રેસે લોકતંત્ર માટે ખતરારુપ ગણાવ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યુ હતું કે ન્યાયતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ લોકશાહીની હત્યા સમાન છે. ન્યાયતંત્ર અને મીડિયા લોકશાહીના આધારસ્તંભ છે. પરંતુ આજે આ આધારસ્તંભોનુ જ ગળુ દબાવવામાં આવી રહ્યુ છે.

મમતા બેનર્જીએ ભાજપને લોકશાહીનો દુશ્મન ગણાવ્યો હતો. જ્યારે જેડીયુના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવે આ સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે ટોચની કોર્ટમાં બધુ યોગ્ય નથી ચાલી રહ્યુ આ બાબત ખૂબ જ ગંભીર છે. આ સમગ્ર મામલો સંકટપૂર્ણ સ્થિતિ તરફ ઈશારો કરે છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના સામે આવી છે. જેને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરુર છે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.