ભારતમાં જરૂરીયાતો નહીં પરંતુ વૈભવની લાલચ ભ્રષ્ટાચારનુ મૂળ

આજે ભારતની દરેક રાજકીય પાર્ટીઓમાં ભ્રષ્ટ નેતાની ભરમાર છે
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 14:21:41 +0530 | UPDATED: Thu, 14 Sep 2017 21:32:50 +0530

વધુ વૈભવ અને સુવિધા મેળવવાની ભૂખ વ્યક્તિને ભ્રષ્ટ આચરણ તરફ ધકેલી રહી છે, રાજકીય પાર્ટીઓ પણ આપી રહી છે ભ્રષ્ટાચારને સંરક્ષણ

ભ્રષ્ટાચારી દેશોની યાદીમાં ભારત એશિયામાં ટોપ પર

થોડા દિવસ પહેલા સામે આવેલ એક સર્વે દરેક ભારતવાસીને પોતાનુ મસ્તક શરમથી ઝુકાવવા મજબુર કરી દીધુ હતું.  આ સર્વે મુજબ દુનિયાનુ સૌથી મોટુ લોકતંત્ર એટલે કે ભારત એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ છે. જ્યારે દુનિયાના ૧૭૫ દેશોની યાદીમાં ભારત ભ્રષ્ટાચાર મામલે ૭૯માં ક્રમે છે.  આ સર્વે મુજબ સોમાલિયા દુનિયાનો સૌથી ભ્રષ્ટ દેશ છે.

પરંતુ ભારતના સંદર્ભમાં ભ્રષ્ટાચારના પ્રકરણનુ વિશ્લેષણ કરવામાં આવે તો સામે આવે છે કે ભારત દુનિયાનો એક માત્ર એવો દેશ છે જ્યાં સુખી સંપન્ન લોકો દ્વારા જ ભ્રષ્ટાચાર કરાય છે.  જે દેશમાં રાષ્ટ્રપ્રેમ પર પોતાનુ સર્વસ્વ અર્પણ કરી દેવાની પરંપરા હોય, જ્યાં રાજકુમારો સામે ઘાસની રોટલી જોઈને વિચલીત થયેલ એક રાણા કવિના સંબોધન પર આઝાદી માટે પોતાનુ જીવન સમર્પિત કરી દેતો હોય તે જ દેશ ભ્રષ્ટાચારમાં સૌથી આગળ હોય તે વાત થોડી દુઃખદ લાગે છે.

ભારતમાં ભ્રષ્ટાચારની પેટર્ન એવી છે કે, લોકો ભૂખ્યુ પેટ ભરવા માટે નહીં પણ પોતાના વૈભવમાં વધારો કરવા ભ્રષ્ટાચાર કરે છે. આધુનિક સુખ સુવિધાઓ અને વૈભવ પાછળની આંધળી દોટ વ્યક્તિને ભ્રષ્ટાચારના ભરડામાં ધકેલે છે.  આ ભ્રષ્ટાચાર જ આજના ભારતનુ સૌથી મોટુ સત્ય બની ગયુ છે. એવુ પણ નથી કે સામાજિક જીવનમાં ભ્રષ્ટાચાર એ લોકશાહીની દેન છે.  સારી અને ખરાબ પ્રવૃત્તિ દરેક યુગમાં રહી છે.

પોતાના ફાયદા માટે સામર્થ્યવાન લોકો બીજાને લૂંટતા હોય તેવી ઘટના દરેક યુગમાં જોવા મળી છે. મહાભારત કાળમાં વપરાતો ઉત્કોચ શબ્દનો અર્થ વાસ્તવમાં લાલચ આપવાનો થાય છે. આ શબ્દના મૂળમાં જ ભ્રષ્ટાચાર છે. મહાન રાજનીતિજ્ઞ ચાણક્યે એ પોતાના પ્રસિદ્ધ ગ્રંથ અર્થશામાં ભ્રષ્ટાચારના ૪૦ સ્વરુપનુ વર્ણન કર્યુ છે. સાથે જ તેમણે રાજ્યતંત્રમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટેના ઉપાય પણ સુચવ્યા છે.

કૌટીલ્યનુ અર્થશાસ્ત્ર પ્રાચીન ભારતની રાજકીય અને વહિવટ વ્યવસ્થાનો સૌથી પ્રામાણિક દસ્તાવેજ મનાય છે. જો તેમાં રાજકીય કર્મચારીઓના  ભ્રષ્ટાચારની વિશેષ ચર્ચા કરાયેલી છે તો તેનાથી એ સ્પષ્ટ થાય છે કે સદીઓથી ભારતમાં ભ્રષ્ટાચાર એ સૌથી મોટી સમસ્યા રહ્યો છે. જોકે ત્યારથી લઈ અત્યાર સુધી ભ્રષ્ટાચારના સ્વરુપમાં અનેક પરિવર્તન આવ્યા છે. 

ગુજરાતીમાં એક કહેવત છે કે વાડ જ ઝીબડા ગળે. એટલે કે જેના માથે રક્ષાની જવાબદારી છે તે જ ભક્ષક બને છે. આવી સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે સામાન્ય લોકો કોની પાસે આશા રાખે તે સૌથી મોટો સવાલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે જવાબદાર પદો પર બેઠેલ રાજનીતિજ્ઞો, વહિવટીય અધિકારીઓ અને ન્યાય તંત્રમાં બેઠેલ લોકો ભ્રષ્ટાચારને સંરક્ષણ આપતા જોવા મળ્યા છે. તેને જોઈને ચાણક્યની કહેલી એક વાત યાદ આવે છે કે આકાશમાં ઉડતા પક્ષીઓના રસ્તાનુ પુર્વાનુમાન શક્ય છે પરંતુ ભ્રષ્ટ લોકોના આચરણનુ પુર્વાનુમાન શક્ય નથી. 

પેટમાં ભૂખ એ સૌથી ખતરનાક હોય છે.  પરંતુ ભારતના ભ્રષ્ટાચારના પાયામાં વ્યક્તિની  અનાદની ભૂખ નહીં પણ વૈભવની ભૂખ જવાબદાર છે. વધુમાં વધુ ધન એકત્રિત કરવાની લાલચ આ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે.  આજે ભારતની દરેક રાજકીય પાર્ટીઓમાં ભ્રષ્ટ નેતાની ભરમાર છે. નવાઈની વાત એ છે કે જ્યારે આવા કોઈ નેતાઓ ભ્રષ્ટાચાર કરતા પકડાય છે ત્યારે પાર્ટી તેમને પદ પરથી દૂર કરવાની જગ્યાએ સંરક્ષણ આપતી નજરે પડે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.